ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સમાં 600 પોઈન્ટનું ગાબડું

મુંબઈ: ભારત પાકિસ્તાન વચ્ચે સરહદ પર ભારે તણાવની સીધી અસર શેરબજાર પર પડી છે. યુદ્ધ વચ્ચે શુક્રવાર અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટ્યો હતો જ્યારે નિફ્ટી ઘટીને 24,000 નીચે આવી ગયો હતો. સેન્સેક્સના 30 માંથી 29 શેર ઘટાડા સાથે ખુલ્યા હતા. આ પહેલા ગુરુવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા
આ દરમિયાન ગુરુવારે યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા. ડાઉ જોન્સ 254 પોઈન્ટના વધારા સાથે 41368 પર બંધ થયો અને S&P 32 પોઈન્ટના વધારા સાથે 5663 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટમાં 1.07 ટકાનો વધારો થયો. એશિયન બજારની વાત કરીએ તો જાપાનના મુખ્ય સંવેદનશીલ સૂચકાંક નિક્કીમાં 0.93 ટકાનો વધારો જોવા મળ્યો. ટોપિક્સે 11 મા દિવસે વધારો નોંધાવ્યો હતો. હોંગકોંગના શેરોમાં અસ્થિરતા જોવા મળી રહી હતી. જયારે કોરિયાનો કોસ્પી થોડો ઘટાડો જોવા મળ્યો.
આ ઉપરાંત આજે ડોલર સામે રૂપિયો પણ 10 પૈસા નબળો પડ્યો અને 85.81 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો. એક દિવસ પૂર્વે રૂપિયો પ્રતિ ડોલર 85.71 રૂપિયા પર બંધ થયો હતો.
આ પણ વાંચો ઓપરેશન સિંદૂરની અસર, પાકિસ્તાન શેરબજાર ક્રેશ , ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી