શો-શરાબા : ફિલ્મ્સ નહીં… ફેમિનિઝમની બોલબાલા!

-દિવ્યકાંત પંડ્યા
ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોરોનાકાળ પછી સિનેમા સુધી દર્શકોને લાવવામાં જોઈએ તેટલી હજુ સુધી સફળ થઈ નથી. એ સમસ્યાના ઉકેલરૂપે દક્ષિણ ભારતની ફોર્મ્યુલા આખી ઇન્ડસ્ટ્રીએ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે. એ ફોર્મ્યુલા એટલે માચો મેનની મસાલા એક્શન. દર્શકોને આકર્ષવા માટે હીરોઇઝમનો ઉપયોગ કરીને લાર્જર ધેન લાઈફ ફિલ્મ્સ બનાવવાનો પ્રયાસ ‘સાલાર’, ‘સિકંદર’, ‘કેજીએફ’, ‘જાટ’, વગેરે ફિલ્મ્સ થકી કરવામાં આવી રહ્યો છે.
આ બધા વચ્ચે રસપ્રદ વાત એ છે કે સંઘર્ષ કરતી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ ગ્લોબલ ઓડિયન્સની નજર હમણાંથી વધુ પડવા લાગી છે, પણ તેનું કારણ આ માચો મસાલા ફિલ્મ્સ નથી, પણ ફેમિનિઝમ છે. જ્યારે ભારતીય મેનસ્ટ્રીમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજી પણ ફોર્મ્યુલા આધારિત હીરો-સેન્ટ્રિક વાર્તા પર આધાર રાખી રહી છે, ત્યારે આપણા દિગ્દર્શિકાઓની મહિલાની વાર્તાઓ કહેતી ફિલ્મ્સ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ભારતીય સિનેમાની છાપ ઊભી કરી રહી છે.
પાયલ કાપડિયા, શૂચિ તલાટી, કિરણ રાવ અને સંધ્યા સુરી જેવી ફિલ્મમેકર્સનાં નામો હવે માત્ર ફિલ્મ ફેસ્ટિવલ્સના કેટલોગ પૂરતાં નથી રહ્યાં, પણ વૈશ્વિક સમીક્ષકો અને ફિલ્મપ્રેમીઓના મનમાં ઊંડું સ્થાન બનાવી ચૂક્યાં છે. પાયલ કાપડિયાની ફિલ્મ ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’એ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રી (સર્વોચ્ચમાંથી બીજા ક્રમનો પુરસ્કાર) જીતીને જે ઇતિહાસ રચ્યો, એ માત્ર વ્યક્તિગત જીત નહીં, પણ આખી ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે. મરાઠી અને હિન્દીમાં બનેલી આ ફિલ્મમાં બે મહિલા નર્સની વાત છે. પાયલ કાપડિયાની સિનેમેટિક ભાષા વાર્તાને પડદા પર વહેવા દે છે. ધીમા દૃશ્યો, લાંબા ટેક અને અવાજોની અંદર દફનાયેલી લાગણીઓથી દર્શકોને એ પોતાના વિચારોમાં ખેંચી લે છે.
એ જ રીતે, શૂચિ તલાટીની ફિલ્મ ‘ગર્લ્સ વીલ બી ગર્લ્સ’ એક હિમાલયન સ્કૂલમાં વિકસતી એક ટીનેજરની ઓળખ યાત્રા છે. એ ફિલ્મે પણ તાજેતરમાં ‘સન્ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં બે પુરસ્કાર જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ પણ પોતાના વિષય પર એટલી દ્રઢતાથી ઊભી રહે છે કે દૃશ્ય પરથી નજર હટાવવી મુશ્કેલ બને. શૂચિએ પોતાના કોલેજકાળમાં જે વાર્તા કાગળ પર લખી હતી, તેના પરથી ફિલ્મ બનાવી છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મના સહપ્રોડ્યુસર તરીકે રિચા ચઢ્ઢા અને અલી ફઝલ જેવા કલાકારો જોડાયા છે. જાણીતા એક્ટર્સ અલગ વિષયને આ રીતે પણ પ્રોત્સાહન આપે એ જરૂરી છે.
હવે વાત કરીએ કિરણ રાવની. કિરણ રાવે લગભગ દશક પછી ફિલ્મ દિગ્દર્શનમાં પુનરાગમન કર્યું અને એની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ પહેલાં ફિલ્મ ફેસ્ટિવલ્સ, પછી થિયેટર અને એ પછી ઓટીટી પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય થઈ.
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ગામડાની બે પરિણીત સ્ત્રીની કહાની છે, જેની લગ્ન પછી તરતની ટ્રેન યાત્રા દરમિયાન એકબીજાથી બદલી થઈ જાય છે. કિરણ રાવના સિનેમામાં હંમેશાં માનવતાની વાત રહી છે, પણ આ વખતે એમાં તીખી નારી સામાજિક ટીકા પણ કરે છે. ફિલ્મે ‘નેટફ્લિક્સ’ ઇન્ડિયામાં ટોપ 10માં ઘણા સપ્તાહ સુધી સ્થાન જાળવી રાખ્યું, એટલું જ નહીં, ભારત તરફથી ઓસ્કર માટેની એન્ટ્રી તરીકે પણ પસંદ થઈ હતી.
મહિલા કેન્દ્રિત ફિલ્મ્સની બોલબાલાનું આ લિસ્ટ અહીં અટકતું નથી. બ્રિટિશ-ઇન્ડિયન દિગ્દર્શિકા સંધ્યા સુરીએ બનાવેલી હિન્દી ફિલ્મ ‘સંતોષ’ યુકે તરફથી ઓસ્કાર માટેની એન્ટ્રી બની હતી અને ઓસ્કર્સમાં ઓફિશિયલ લિસ્ટમાં શોર્ટલિસ્ટ પણ થઈ હતી. હા, ‘સંતોષ’ એ ભારત પરની ફિલ્મ ખરી, પણ ભારતે બનાવેલી ફિલ્મ ન કહી શકાય. સંધ્યા ભૂતપૂર્વ ડોક્યુમેન્ટરી પ્રોડ્યુસર રહી છે, તેમ છતાં ‘સંતોષ’ જેવી ફિલ્મ બનાવવી એ એક મર્દાના પગલું હતું, કેમ કે ગામડાંની સ્ત્રી અને જાતિવાદની વાત કહેતી આવી ફિલ્મ્સ બોક્સ ઓફિસને ટાર્ગેટ નથી કરતી હોતી.
આ તમામ ફિલ્મ્સ અને સિદ્ધિઓ કોઇ અચાનક બનેલી ઘટના નથી. આ બદલાતા સમયની નિશાની છે. જે રીતે આ બધી જ ફિલ્મ્સ વિશ્વ મંચ પર રજૂ થઈ અને લોકપ્રિયતા મેળવી એ પછી તેમાં રહેલી કેટલીક કોમન વાત પર પણ નજર કરી એમાંથી શીખ મેળવવી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી જ છે. સ્ત્રી દ્રષ્ટિકોણથી કહેવાયેલી સ્ત્રીની સંવેદનશીલ કહાનીઓ, મેનસ્ટ્રીમ સિનેમાની બાહ્ય ચમકથી દૂર, વધુ આંતરિક સંઘર્ષ અને ભાવનાઓ પર આધારિત કથાવસ્તુ લોકોને સ્પર્શે છે તેની નોંધ નિર્માતોઓએ લેવી રહી.
આ ફિલ્મ્સનો સાથ આપતા દર્શકો પણ બદલાઈ રહ્યા છે. દર્શકો ઓટીટી પર પણ આવી ફિલ્મ્સ શોધી શોધીને જોઈ રહ્યા છે અને એ ફિલ્મ્સને સોશિયલ મીડિયામાં પણ સપોર્ટ કરી રહ્યા છે. અહીં સિનેમા ફક્ત મનોરંજન માટે નહીં, પણ સમજવા અને અનુભવવા માટે નિમિત્ત બને એ દરેક ઘટના મનોરંજન દેવ તરફથી આવકાર્ય જ છે.
ભારતીય મહિલા દિગ્દર્શિકા સ્ત્રીઓની લાગણીભીની વાર્તાઓ થકી સાબિત કરી દીધું છે કે ઓરિજિનલ અવાજ થકી અર્થપૂર્ણ ફિલ્મ બનાવી પણ શકાય છે, જે દર્શકોને પસંદ પણ પડે. આ અવાજ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રવાહથી કદાચ અલગ છે, પણ હવે એ પ્રવાહને જ પલટાવી શકે એવી શક્તિ પણ ધરાવે છે!
લાસ્ટ શોટ
જોગાનુજોગ એક્ટ્રેસ કની કુસ્રુતી ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ અને ‘ગર્લ્સ વીલ બી ગર્લ્સ’ આ બંને ફિલ્મ્સ અને એક્ટ્રેસ છાયા કદમ ‘લાપતા લેડીઝ’ અને ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ ફિલ્મ્સમાં છે.