બાબુભાઈ મિસ્ત્રીની અનોખી હૅટ-ટ્રિક…

હેન્રી શાસ્ત્રી
એક જ ટાઈટલની એકથી વધુ ફિલ્મો બની હોવાના ઘણા ઉદાહરણ છે, પણ એક જ દિગ્દર્શકે એક જ નામની એકથી વધુ ફિલ્મ બનાવી હોય એવું પણ બન્યું છે…!
વાર્તા- કથા- સ્ટોરી માનવ સમાજના સાંસ્કૃતિક જીવનનું અવિભાજ્ય અંગ છે. માણસને વાર્તા કહેતા આવડે, વાર્તા સંભળાવતા આવડે, વાર્તા બનાવતા આવડે અને હા, વાર્તા ઉપજાવી કાઢતા સુધ્ધાં આવડે. દરેક માનવ જીવનને કોઈ ને કોઈ નાની – મોટી કથા વીંટળાયેલી હોય છે. દરેકની પોતાની પ્રિય વાર્તા હોય છે. કોઈને પરીની, કોઈને વિક્રમ વેતાળની તો કોઈને બત્રીસ પૂતળીની વાર્તા ફરી ફરી સાંભળવી ગમતી હોય છે.
હિન્દી ફિલ્મ મેકરોની પણ ફેવરિટ વાર્તા હોય છે. એટલે જ એક જ ટાઈટલ પરથી બે – ત્રણ કે ચાર ફિલ્મ બની હોય એવા અનેક ઉદાહરણ આ ફિલ્મઉદ્યોગમાં જોવા મળે છે. એમાંય રાજા હરિશ્ર્ચંદ્રની વાર્તા ફિલ્મ મેકરોની નંબર વન ફેવરિટ સ્ટોરી હોય એવું લાગે છે. આવી દલીલ કરવા માટે કારણ સુધ્ધાં એવું મજબૂત છે.
મૂંગી ફિલ્મોના દોરમાં ‘રાજા હરિશ્ર્ચંદ્ર’ ફિલ્મ પાંચ વખત બની છે: 1913, 1917, 1924,1928 અને 1929. એમાં પહેલી બંને દાદાસાહેબ ફાળકેએ જ બનાવી હતી. બોલપટનો યુગ શરૂ થયા પછી 1931 અને 1958માં ‘હરિશ્ર્ચંદ્ર’ 1952 અને 1979માં ‘રાજા હરિશ્ર્ચંદ્ર’ તેમજ 1963 અને 1970માં ‘હરિશ્ર્ચંદ્ર અને તારામતી’ બની હતી. એક જ વાર્તા પરથી 11 ફિલ્મ…! આ એક રેકોર્ડ હોવો જોઈએ.
હેરત પમાડતી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જ ડિરેક્ટરે એક જ નામની એકથી વધુ ફિલ્મ બનાવી હોય એવા પણ કેટલાક ઉદાહરણો જોવા મળે છે. પહેલું ‘રાજા હરિશ્ર્ચંદ્ર’ (દિગ્દર્શક ફાળકે) આપણે જોયું. આ અનન્ય યાદીમાં જે. જે. મદન, વી. શાંતારામ, સોહરાબ મોદી, વિજય ભટ્ટ, હોમી વાડિયા, બાબુભાઈ મિસ્ત્રી, નાનાભાઈ ભટ્ટ, પ્રમોદ ચક્રવર્તી, રાજકુમાર કોહલી, રામગોપાલ વર્મા, ડેવિડ ધવન, ઈમ્તિયાઝ અલી અને મોહન ભાકરીનો સમાવેશ થાય છે. આ સિવાય પણ બીજા ઉદાહરણ હોઈ શકે છે. બધી ફિલ્મો વિશે અહીં વાત કરવી સ્થળ સંકોચને કારણે સંભવ નથી એટલે આ લેખમાં 1960 સુધીના દોરની રિપીટ ટાઈટલ ધરાવતી ફિલ્મો પર નજર દોડાવીએ.
જે, જે. મદન (લૈલા મજનૂ – 1922, 1931)
પારસી થિયેટર અને એલ્ફિન્સ્ટન બાયોસ્કોપ કંપનીના સ્થાપક જમશેદજી ફ્રામજી મદનના પુત્ર જે. જે. મદને પિતાના અવસાન પછી વારસો આગળ ચલાવ્યો. ‘લૈલા મજનુ’ ટાઈટલવાળી બે ફિલ્મ બનાવી. બંને સાયલન્ટ ફિલ્મ હતી. 1922ની ફિલ્મમાં લીડ રોલમાં બ્રિટિશ એકટર્સ એચ. બી. વેરિંગ અને મિસ ડોટ ફોય હતા. આ જ ટાઈટલ પરથી 1931માં તૈયાર કરવામાં આવેલા ચિત્રપટમાં પણ લૈલા – મજનૂની દુ:ખદ પ્રેમકથા જ હતી. જોકે, એમાં મુખ્ય ભૂમિકામાં હતા ખુર્શીદ બેગમ અને નિસાર. ખુર્શીદ બેગમ રણજીત મુવિટોનના ઘણા ચિત્રપટમાં નજરે પડ્યાં હતાં, જેમાં કે. એલ. સાયગલ સાથેની ‘તાનસેન’ પ્રમુખ ફિલ્મ ગણાય છે. માસ્ટર નિસ્સાર મૂંગી ફિલ્મો અને બોલપટના પ્રારંભના દોરના અગ્રણી અભિનેતા હતા.
વી. શાંતારામ (ચંદ્રસેના – 1931, 1935)
શાંતારામ.. ફિલ્મ રસિકો માટે નામ હી કાફી હૈ. ‘દુનિયા નામાને’, ‘ડો. કોટનિસ કી અમર કહાની’, ‘દો આંખે બારહ હાથ’ જેવી અવિસ્મરણીય ફિલ્મો આપનારા શાંતારામ સાહેબે 1930ના દાયકામાં એક જ ટાઈટલ ‘ચંદ્રસેના’ પરથી બે ફિલ્મ બનાવી હતી. ‘રામાયણ’માં અહિરાવણ અને એની પત્ની ચંદ્રસેનાની કથા આવે છે. અહિરાવણ રામ અને લક્ષ્મણનું અપહરણ કરી તેમને પાતાળલોકમાં લઈ જાય છે. જોકે, ચંદ્રસેના હનુમાનને મદદ કરી રામ – લક્ષ્મણને મુક્ત કરાવે છે. 1931માં બનેલી ફિલ્મ મૂંગી હતી અને એના ડિરેક્ટર તરીકે શાંતારામ ઉપરાંત કેશવરાવ ધાયબરનું પણ નામ છે. ફિલ્મના પ્રમુખ કલાકાર હતા લીલાવતી પેંઢારકર, કમલા અને જી. આર. માને. 1935માં શાંતારામે આ જ ફિલ્મ પ્રભાત ફિલ્મ્સના બેનર હેઠળ બનાવી, જેમાં સ્પેશિયલ ઈફેક્ટ્સનો બહોળો ઉપયોગ કર્યો હતો. ફિલ્મના પ્રમુખ કલાકાર હતા નલિની તારખડ, રજની, માને પહેલવાન, શાંતાબાઈ ઈત્યાદિ.
સોહરાબ મોદી (જેલર- 1938, 1958)
શેક્સપિયરના નાટક પરથી હિન્દી ફિલ્મની શરૂઆત કરી વિશાળ ફલકની ઐતિહાસિક ચિત્રપટોના નિર્માણ માટે મશહૂર સોહરાબ મોદીએ20 વર્ષના ગાળામાં ‘જેલર’ નામની બે ફિલ્મ તૈયાર કરી હતી. પહેલી 1938માં બની જે સાયકોલોજીકલ થ્રિલર હતી. આપખુદશાહી જેલર પોતાની પત્નીને એના પ્રેમી સાથે પકડી પાડે છે અને પત્નીને પોતાના જ ઘરમાં તાળું બંધ કરી પૂરી દે છે. એટલું જ નહીં, એના બાળક સાથે મળવા પર પ્રતિબંધ મૂકી દે છે. ફિલ્મમાં સોહરાબ મોદી અને લીલા ચીટનીસ મુખ્ય ભૂમિકામાં હતાં. 20 વર્ષ પછી 1958માં સોહરાબ મોદીએ 1938ની ફિલ્મના પ્લોટને મળતો આવે એવી ક્રાઈમ ડ્રામા ફિલ્મ રિલીઝ કરી હતી. અહીં એક મુક્ત વિચારસરણી ધરાવતા જેલરની વાત છે. પત્ની એને ત્યજી બીજા પુરુષ સાથે જતી રહે છે ત્યારે જેલરના જીવનમાં બદલાવ આવે છે. ફિલ્મમાં સોહરાબ મોદી સાથે હીરોઈન હતી ગીતાબાલી. આ ફિલ્મનું ‘હમ પ્યાર મેં જલનેવાલોંકો ચૈન કહાં, આરામ કહાં’ ગીત ખાસ્સું લોકપ્રિય થયું હતું.
વિજય ભટ્ટ (રામ રાજ્ય – 1943, 1967)
પ્રકાશ પિક્ચર્સ – પ્રકાશ સ્ટુડિયોના સંસ્થાપક વિજય ભટ્ટએ સ્વતંત્રપણે 64 ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ‘સ્ટેટ એક્સપ્રેસ’ અને ‘લેધરફેસ’ જેવી સ્ટન્ટ ફિલ્મોથી શરૂઆત કરી વિજય ભટ્ટ માઈથોલોજિકલ ફિલ્મો તરફ વળી ગયા હતા. રામાયણ શ્રેણીની ‘ભરત મિલાપ’થી ધાર્મિક બનેલા ભટ્ટ સાહેબે ‘રામ રાજ્ય’ નામ ધરાવતી બે ફિલ્મ અનુક્રમે 1943 અને 1967માં રિલીઝ કરી હતી. ગાંધી વિચારધારાથી પ્રભાવિત વિજય ભટ્ટની રામાયણ આધારિત ફિલ્મોમાં પરંપરાગત ચમત્કૃતિ નહોતી. ગાંધીજીએ જોયેલી ફિલ્મ તરીકે ખ્યાતિ મેળવનાર1943ની ‘રામ રાજ્ય’માં પ્રેમ અદીબ અને શોભના સમર્થ (નૂતન – તનુજાનાં માતુશ્રી) રામ – સીતા હતાં. બોક્સ ઓફિસ પર ફિલ્મને ધૂંઆધાર સફળતા મળી હતી. 1943ની ‘રામ રાજ્ય’ બ્લેક એન્ડ વાઈટ હતી, જ્યારે 1967નું ચિત્રપટ રંગીન હતું. બીના રાય (એક્ટર પ્રેમનાથનાં પત્ની) અને કુમાર સેન લીડ રોલમાં હતા. પહેલી ફિલ્મની તુલનામાં બીજી ફિલ્મને મોળો આવકાર મળ્યો હતો.
બાબુભાઈ મિસ્ત્રી (સતી નાગ ક્ધયા – 1956, 1983, માયા બાઝાર – 1958, 1984 અને હર હર ગંગે – 1968, 1979)
માઈથોલોજિકલ ફિલ્મોના મહારથી તેમજ હિન્દી ફિલ્મોમાં ટ્રીક સીનના અગ્રેસર બાબુભાઈ મિસ્ત્રી આ શ્રેણીમાં અલાયદો વિક્રમ ધરાવે છે. અત્યાર સુધી જોયેલાં ઉદાહરણોમાં એક જ ટાઈટલ ધરાવતી બે ફિલ્મ જોવા મળી છે. બાબુભાઈ મિસ્ત્રી સંભવત: એકમાત્ર ફિલ્મમેકર હશે જેમણે એક જ નામ ધરાવતી ત્રણ ફિલ્મ અલગ અલગ સમયે બનાવી હતી. ‘સતી નાગ ક્ધયા’ ફિલ્મ 1956 અને 27 વર્ષ પછી 1983માં બની હતી. રાજા રાવણના પુત્ર ઈંદ્રજિત- મેઘનાદ સાથે વિવાહ કરનારી નાગ રાજકુમારીની કથા ફિલ્મમાં વણી લેવામાં આવી છે. મનહર દેસાઈ, મહિપાલ અને નિરૂપા રોય ફિલ્મના મુખ્ય કલાકાર હતાં. આ જ કથા પર 1983માં બનેલી ‘સતી નાગ ક્ધયા’માં મનહર દેસાઈ, વિક્રમ ગોખલે અને જયશ્રી ગડકરી મુખ્ય ભૂમિકામાં હતા. ‘મહાભારત’ના પાત્ર અભિમન્યુને કેન્દ્રમાં રાખી તૈયાર કરેલી પૌરાણિક ફિલ્મ ‘માયા બાઝાર’ (1958)માં મહિપાલ અને અનિતા ગુહા હતા. 1958ની ફિલ્મ જેવી જ કથાવસ્તુ ધરાવતી ફિલ્મ ‘માયાબાઝાર’ નામથી 1984માં પણ બનાવવાનું બીડું બાબુભાઈએ ઝડપ્યું હતું. 26 વર્ષ પછીની આ ફિલ્મમાં દારાસિંહ, રંધાવા, રાકેશ પાંડે અને રીટા ભાદુડી હતા. બંને ‘માયા બાઝાર’ માટે પ્રેક્ષકોને માયા લાગી હતી અને નિર્માતાને પણ ખાસ્સી માયા (દોલત) મળી હતી. બાબુભાઈની રિપીટ ટાઈટલવાળી ત્રીજી ફિલ્મ હતી ‘હર હર ગંગે’. શિવ પાર્વતી અને પવિત્ર ગંગાને આવરી લેતી કથા પરથી પહેલી ફિલ્મ 1968માં અને બીજી ફિલ્મ 1978માં બની હતી. પહેલી ફિલ્મમાં લીડ રોલમાં જયશ્રી ગડકર, અભી ભટ્ટાચાર્ય અને જીવન હતા અને 10 વર્ષ બાદ બનેલા ચિત્રપટમાં આશિષ કુમાર અને અંજના મુમતાઝ હતા.
હોમી વાડિયા (અલીબાબા ઔર 40 ચોર – 1954, 1966)
વાડિયા મુવિટોન ફિલ્મ કંપનીના સહ સ્થાપક અને પાંચ દાયકા સુધી ફિલ્મ વ્યવસાયમાં વ્યસ્ત રહેલા હોમી વાડિયાએ ‘હંટરવાલી’, ‘હાતિમતાઈ’ જેવી એ સમયે આવકાર મેળવનારી ફિલ્મો આપી હતી. એક્શન ફિલ્મોને પ્રાધાન્ય આપનારા વાડિયા સાહેબે ‘અલીબાબા ઔર 40 ચોર’ ફિલ્મ 1954 અને 1966માં એમ બે વખત રજૂ કરી હતી. અરેબિયન નાઈટ્સની કાલ્પનિક કથા પર આધારિત આ ફિલ્મમાં અલીબાબા અને એના ભાઈને 40 ચોરનો સંતાડેલો ખજાનો હાથ લાગે છે. ચોરોની ટોળકી અલીબાબાના ભાઈની હત્યા કરે છે, પણ અલીબાબા ભાઈની હત્યાનો બદલો લઈ ખજાનો પામી ધનવાન બને છે. 1954ની ફિલ્મમાં મહિપાલ (અલીબાબા) તેમજ બી. એમ. વ્યાસ અને શકીલા હતા. આ જ ટાઈટલ સાથે 1966માં બનેલી ફિલ્મમાં અલીબાબાનો રોલ સંજીવ કુમારે કર્યો હતો. બી. એમ. વ્યાસ ફિલ્મમાં હતા, પણ અબુ હસનના રોલમાં. કોઈ નાટ્યસ્પર્ધામાં સંજીવ કુમારની અદાકારી જોઈ પ્રભાવિત થયેલા હોમી વાડિયાએ સંજીવ કુમાર સાથે ફિલ્મ કરવાની ગાંઠ વાળી હતી અને અલીબાબામાં એ ઈચ્છા પૂરી કરી હતી.
આ પણ વાંચો ક્લેપ એન્ડ કટ..! ઃ આમિર ખાનના સિતારા યુટયૂબ પર…
નાનાભાઈ ભટ્ટ (બગદાદ કી રાતેં – 1962, 1967)
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભટ્ટ પરિવારનું ઘણું યોગદાન રહ્યું છે. મુખ્યત્વે માયથોલોજીકલ અને ફેન્ટસી ફિલ્મો માટે જાણીતા નાનાભાઈ ભટ્ટએ 1950 અને 1960ના દાયકામાં ઘણી ફિલ્મો બનાવી હતી. ‘કંગન’, ‘મુકાબલા’, ‘મિ. એક્સ’, ‘લાલ કિલા’ તેમના ચાહના મેળવનારા ચિત્રપટ હતાં. 1962માં એમણે ‘બગદાદ કી રાતેં’ ટાઈટલ સાથે ફિલ્મ બનાવી હતી. એડવેન્ચર ફેન્ટસી ડ્રામા તરીકે ઓળખાયેલી આ ફિલ્મમાં માસ્ટર ભગવાન, અજીત અને શ્યામ કુમાર હતા. આ જ કથાનક સાથે 1967માં બનેલી ફિલ્મમાં મુમતાઝ, માસ્ટર ભગવાન અને બેલા બોઝ હતા. શાંતારામએ ચાર વર્ષ પછી અને નાનાભાઈ ભટ્ટએ પાંચ વર્ષના ટૂંકા ગાળામાં સેમ ટુ સેમ ટાઈટલ ધરાવતી ફિલ્મ બનાવી હતી.