ગુજરાતમાં સરહદી વિસ્તારમાં 75 નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. ભારતે પહલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની આ કાર્યવાહીથી રઘવાયા બનેલા પાકિસ્તાને ભારતના બોર્ડર વિસ્તારના ગામડાઓને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનના ડ્રોન હવામાં જ તોડી પાડ્યા હતા.
ગુજરાતના સહદી વિસ્તારો કચ્છ, જામનગર તેમજ દરિયાઈ વિસ્તારમાં યુદ્ધની સ્થિતિને લઈ 75 નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી. કચ્છમાં 20, બનાસકાંઠા-ગીર સોમનાથમાં 15- 15, દ્વારકામાં 5, ગીર સોમનાથમાં 5, પોરબંદરમાં 5, મોરબીમાં 5 અને પાટણમાં 5 નવી એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવી હતી.
રાજ્યમાં 108 સેવામાં કાર્યરત એમ્બ્યુલન્સની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તેવી ઘણી એમ્બ્યુલન્સ છે. તેના રિપ્લેસમેન્ટ તરીકે 200 એમ્બ્યુલન્સ આપવાની પણ જાહેરાત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, હાલ બનાસકાંઠામાં 31, દ્વારકામાં 14, ગીર સોમનાથમાં 15, જામનગરમાં 21, કચ્છમાં 41, પોરબંદરમાં 10, રાજકોટમાં 43, અમદાવાદમાં 120, મોરબીમાં 12, પાટણમાં 16 એમ્બ્યુલન્સ કાર્યરત છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધને પગલે ગુજરાતના 18 જિલ્લાઓ હાઇએલર્ટ પર છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારો અને દરિયાઈ સીમાઓ પર સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. ગુરુવારની રાત્રે ભુજ, નખત્રાણા, અબડાસા અને લખપત સહિત મોટા ભાગના કચ્છમાં બ્લેકઆઉટ રહ્યો હતો. જ્યારે બનાસકાંઠાના સુઈગામ અને વાવના 24 ગામ તથા પાટણનાં સાંતલપુરના 8 ગામમાં અંધારપટ રહ્યો. પવન પણ ના હોવાથી લોકોએ ગરમી અને ભયમાં રાત વીતાવી હતી.
કચ્છમાં 3 પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધને લઈ કચ્છના દરિયામાંથી 500 બોટ પરત બોવવામાં આવી હતી અને અનિશ્ચિતકાળ સુધી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ભારતની પશ્ચિમ સીમા પર પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલા નિષ્ફળ, ગુજરાત સરકારની તાત્કાલિક બેઠક