આમચી મુંબઈ

સત્તા જાળવી રાખવા યુવાનોને અવગણી શકાય નહીં: શરદ પવાર

પુણે: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મંગળવારે જણાવ્યું હતું કે જો સરકારમાં રહેલા લોકો સત્તા તેમના હાથમાં રાખવા માંગતા હોય, તો તેઓ મહારાષ્ટ્રમાં ‘યુવા સંઘર્ષ યાત્રા’ ચલાવી રહેલા યુવાનોને અવગણી શકે નહીં.

એનસીપીના ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવારની આગેવાની હેઠળ મહારાષ્ટ્રમાં યુવાનોને પડતી સમસ્યાઓને ઉજાગર કરવા માટે પુણેથી નાગપુર સુધીની ‘યુવા સંઘર્ષ યાત્રા’, મંગળવારે અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી.

કૂચના સહભાગીઓ ૮૦૦ કિલોમીટરથી વધુને આવરી લેતા ૧૩ જિલ્લાઓમાં પ્રવાસ કરશે. રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન ૪૫ દિવસની કૂચ નાગપુરમાં સમાપ્ત થશે.

એનસીપીના નેતાએ જણાવ્યું હતું કે, યુવાનોની માગણીઓમાં, શૈક્ષણિક સંસ્થાઓ વધુ પડતી ફી લેવી નહીં અને વિદ્યાર્થીઓના માતાપિતા પાસેથી વસૂલવામાં આવેલી વધારાની ફી તેમને પરત કરવા જેવી માગણીઓનો સમાવેશ છે. આ સિવાય શાળાઓ અને કૉલેજોમાં શિક્ષકો અને પ્રોફેસરોની ખાલી જગ્યાઓ પર ભરતી એમપીએસસી દ્વારા થવી જોઈએ અને છત્રપતિ સંભાજીનગર, સોલાપુર, કોલ્હાપુર અને અમરાવતી જેવા દ્વિ-સ્તરીય શહેરોમાં ઈન્ફોર્મેશન ટૅક્નોલૉજી ક્ષેત્રનો વિકાસ જેવી માગણીઓ પણ તેમણે રજૂ કરી છે.

અન્ય માગણીઓમાં શાળા દત્તક યોજના અને ક્લસ્ટર સ્કૂલ પ્રોજેક્ટ પાછો ખેંચવો, પરીક્ષા પેપર લીક સામે કાયદો ઘડવો, ૨,૫૦,૦૦૦ થી વધુ ઉમેદવારોની ભરતીની પ્રક્રિયા શરૂ કરવી (વિવિધ વિભાગોમાં) અને વિદ્યાર્થીઓને આપવામાં આવતી શૈક્ષણિક લોન પરના વ્યાજની માફીનો સમાવેશ થાય છે. આ તમામ માગણીઓ માટે સરકાર સાથે વાતચીતની જરૂર છે, એમ શરદ પવારે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button