ગાંધીનગર

ગુજરાતમાં છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજનામાં વિદ્યાર્થીઓને અપાતી રકમ વધારવામાં આવી

ગાંધીનગરઃ રાજ્યમાં ધો. ૧૦ અને ૧૨ બોર્ડનું પરિણામ જાહેર કરાયું છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજના અંતર્ગત ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ- એસસી તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ- એસઈબીસીનાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રોત્સાહક ઈનામની રકમમાં વિવિધ કક્ષાએ રૂ. ૨૦ હજારનો સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.

રાજ્યમાં અનુસૂચિત જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રૂચિ કેળવીને સારી ટકાવારી પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત થાય તે હેતુથી ધોરણ ૧૦ અને ૧૨નાં બોર્ડની પરીક્ષામાં રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ઈનામની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. આ માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયાના સફળ માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં રૂ. ૫૩ લાખની નવી બાબતને મંજૂરી આપવામાં આવી હતી.

અનુસૂચિત જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાં વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક સ્પર્ધાત્મકતા કેળવાય તથા વધુમાં વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક વિકાસ સાધી શકે તે હેતુથી છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજના અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ ધોરણ-૧૦ અને ૧૨નાં બોર્ડની પરીક્ષામાં રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવે છે.

રાજ્યકક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓની ઈનામી રકમમાં રૂ. ૨૦ હજારનો વધારો

વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રોત્સાહક ઈનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે તે અંતર્ગત રાજ્યકક્ષાએ ધો. ૧૦ અને ધો. ૧૨માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉત્તર બુનિયાદી પ્રવાહ એમ ચાર પ્રવાહમાં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને પ્રોત્સાહક ઈનામમાં રૂ. ૨૦ હજારનો વધારો કરવામાં આવ્યો હતો.

શું છે છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઈનામ યોજના

આ યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને પહેલા રૂ. ૩૧ હજાર આપવામાં આવતા હતાં. જેમાં વધારો કરીને હવે રૂ. ૫૧ હજાર પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. તેવી જ રીતે દ્વિતીય સ્થાને આવશે તેમને રૂ. ૨૧ હજારમાં વધારો કરીને રૂ. ૪૧ હજાર આપવામાં આવશે તથા તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને અગાઉ રૂ. ૧૧ હજાર અપાતા હતા જેમાં વધારો કરીને રૂ. ૩૧ હજાર પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવશે.

આ ઉપરાંત ધો. ૧૦ અને ૧૨માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને પહેલા રૂ. ૬ હજાર અપાતા હતાં જેમાં વધારો કરીને રૂ. ૧૫ હજાર પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. તેજ રીતે દ્વિતીય સ્થાને આવશે તેમને રૂ. ૫ હજારમાં વધારો કરીને રૂ. ૧૧ હજાર આપવામાં આવશે તથા તૃતીય સ્થાને આવનાર વિદ્યાર્થીને અગાઉ રૂ. ૪ હજાર આપવામાં આવતા હતા જેમાં વધારો કરીને રૂ. ૯ હજાર પ્રોત્સાહક ઈનામ તરીકે આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને નિયત કરેલ મળવાપાત્ર ઈનામની રકમ DBT પધ્ધતિથી અપાશે

આ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષના અંતે લેવાતી બોર્ડની પરીક્ષા (માર્ચ-એપ્રિલ)ના વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળશે. શૈક્ષણિક વર્ષના વચ્ચે (ઓકટોબર-નવેમ્બર) માં લેવાતી પરીક્ષા ઉત્તીર્ણ કરનારા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં. આ ઉપરાંત એક જ ક્રમ પર એક સરખા ગુણાંક વાળા એકથી વધુ વિદ્યાર્થીઓ આવેલ હોય તેવા સંજોગોમાં એસ.એસ.સી પરીક્ષાના કિસ્સામાં પ્રથમ ત્રણ ક્રમાંક પર આવતા હોય અને એચ.એસ.સી પરીક્ષાના કિસ્સામાં દરેક પ્રવાહમાં ત્રણ ક્રમાંક પર આવતાં હોય તેવા એક સરખા ગુણાંકવાળા વિકસતી જાતિના તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષાએ એક થી ત્રણ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાનું ઇનામ મળશે પરંતુ તેઓને જિલ્લાકક્ષાનું ઇનામ મળવાપાત્ર થશે નહીં. વિદ્યાર્થી એક જ ઇનામ લઇ શકશે. વિદ્યાર્થીઓને નિયત કરેલી મળવાપાત્ર ઈનામની રકમ DBT પદ્ધતિથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચો….ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 83.08 ટકા પરિણામ જાહેર, બનાસકાંઠા જિલ્લો અવ્વલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button