ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: સપનાઓ ને ઉમ્મીદ વચ્ચે કઈ રીતે સાચવવું સંતુલન?

- શ્ર્વેતા જોષી-અંતાણી
સવારે સાડા પાંચના ટકોરે ધણધણી ઉઠેલો અલાર્મ સન્નાટાને ચીરતો સીધો મેશ્વાના કાને અથડાયો. મેશ્વાએ કણસતા અવાજે ઉંઘમાં જ હાથ લંબાવી સ્નુઝ બટન દબાવી દીધું. હજુ તો ચાદર તાણી એ ફરી ઊંઘમાં સરી પડવાની તૈયારી કરે છે એવામાં મમ્મીની મોટા અવાજે પડાયેલી રાડ આખા ઘરમાં ગૂંજી ઊઠી :
‘મેશ્વા ઊઠ, સ્કૂલે જવાનું છે. આજે મેથ્સની ટેસ્ટ છે. તે બધા ફોર્મ્યુલા યાદ કરી લીધા છે ને? ’
મમ્મીને જવાબ આપવાને બદલે ઉંઘરેટી આંખે ને ભારે મનથી મેશ્વા માંડ-માંડ ઊઠી. ઊંડો નિ:સાસો નાખ્યો. મમ્મીની આવી ટક-ટક બિલકુલ આ અલાર્મ જેવી હતી. એકદમ નિયમિત, કર્કશ અને કંટાળાજનક. આળસ મરડતા એની નજર સામે સ્ટડી ટેબલ પર પડી, જેમાં એક તરફ પુસ્તકોનો ઢગલો હતો. અને બીજી તરફ સ્કેટિંગનો સામાન. મેશ્વા ક્ષણભર એ તરફ જોઈ રહી. ધ્યાન પડ્યું મેથ્સની મસમોટી રેફરન્સ બુક પર. મેથ્સના ટેસ્ટનો વિચાર આવતા જ મેશ્વાનું હૃદય થંભી ગયું. પાછલી સાંજે ત્રિકોણમિતિના દાખલાઓથી વધુ તો એણે સ્કેટિંગ રીંકની પરિમિતિ માપી હતી.
જલ્દીથી નાહી-ધોઈ એ રસોડા તરફ ભાગી. ક્ષણવારમાં મમ્મીએ એના હાથમાં ગરમાગરમ આલુ પરોઠાની પ્લેટ પકડાવી. ‘જલ્દી ખાઈ લે, સ્કેટિંગ પ્રેક્ટિસમાંથી આજે સીધા સ્કૂલ જવું પડશે…’. મેશ્વાએ અડધું પડધું ખાઈ પોતાનો શસ્ત્ર સરંજામ ઉપાડ્યો.
સ્કેટિંગબેગ, સ્કૂલબેગ, એક્સ્ટ્રા પાણીની બોટલ્સનો ખભ્ભા પર ખડકલો કર્યો. બહાર એનો સ્કેટિંગ ફ્રેન્ડ રાહુલ અને પપ્પા પહેલેથી જ કારમાં રાહ જોઈ રહ્યા હતા. ‘હાશ! આવી તો ખરા’ . બોલીને રાહુલના પપ્પાએ કારનું સ્ટાર્ટ બટન દબાવ્યું. રાહુલે મજાક પણ કરી લીધી :
‘અરે, ફરીથી સ્કેટિંગ ચેમ્પિયન બનવાનાં સપનાં જોઈ રહી હતી કે શું? ’
આ પણ વાંચો….ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આવી વિષમ પરિસ્થિતિ સામે ટકી રહો
મેશ્વા એ હસતા હસતા માથું ધુણાવ્યું, પણ એના મનમાં પહેલેથી જ ચિંતાનાં વાદળો છવાયેલાં હતા. સ્કેટિંગ એનું ઝનૂન હતું , પરંતુ હમણાથી એના પેરેન્ટ્સ ભણવાને લઈ લગાતાર સલાહનો મારો ચલાવતા, જેનાથી એ સતત પરેશાન રહેવા લાગી હતી.
પ્રેક્ટિસ પતાવી સ્ક્ૂલ તરફ જતાં મેશ્વાનું હૃદય જોરથી થડકી રહ્યું હતું. મેથ્સ ફોર્મ્યુલા નજર સામે નાચી રહી હતી. એનું મન વારંવાર સ્કેટિંગ ટ્રાયલ તરફ જઈ રહ્યું હતું. એ સ્ટેટ ટીમમાં સિલેક્ટ થવા માગતી હતી, પણ સાથોસાથ પપ્પા-મમ્મીએ કહેલી વાતો એના કાનમાં ગુંજી રહી હતી :
‘સ્કેટિંગ ઠીક છે, પરંતુ ભણવાનું પહેલાં….
આપણે રખડું છોકરાઓ માફક જીવન બરબાદ નથી કરવાનું.’
મેશ્વાને લાગતું કે એના પેરેન્ટ્સ કેમ નહીં સમજતા હોય કે સ્કેટિંગ એ એના માટે માત્ર ખેલ નથી, પણ એનું જીવન છે. સ્કૂલ પહોંચ્યા બાદ મેથ્સની ટેસ્ટ દરમિયાન આખો સમય એ આવા વિચારો કરતી રહી. રિસેસમાં બધી ફ્રેન્ડ્સ રોજ માફક ગ્રાઉન્ડમાં જમા થઈ. અદિતિએ કહ્યું હું તો કમ્પ્યુટર સાયન્સ જ ભણવા માગું છું. એની અંદર આત્મવિશ્વાસ ઠાંસી ઠાંસીને ભરેલો હતો. ‘સિલિકોન વેલી જઈશ અને ત્યાં હું ખૂબ મોટી એન્જિનિયર બનીશ… ‘સિમરન, જે હંમેશાં પોતાની સાથે સ્કેચબૂક રાખતી એણે બિન્દાસ કહી દીધું,’ હું એક સારી પેન્ટર બનવા માગું છું, પણ મારા મમ્મી-પપ્પા મને ડોક્ટર બનાવશે. એમને નથી લાગતું કે આર્ટ વિષયને શોખથી આગળ કોઈ મહત્ત્વ આપી શકાય.
મેશ્વા થોડી વાર માટે ચૂપ રહી. પછી બોલી :
‘મને સ્કેટિંગ બહુ જ પસંદ છે, પણ મારા પેરેન્ટ્સને નથી લાગતું કે મારે એમાં કારકિર્દી બનાવવી જોઈએ. એમને લાગે છે કે હું બસ સમય બરબાદ કરી રહી છું…’
સિમરને એના ખભ્ભા પર હળવેકથી ટપલી મારી કહ્યું,’
‘હમણા થોડા સમયમાં સિલેક્શન ટ્રાયલ્સ છે ને!
તું તારું બેસ્ટ પર્ફોમન્સ આપજે. કદાચ એક જ તક હશે તારી જાતને સાબિત કરવાનો.’
આ પણ વાંચો…. ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : એમની આભાસી દુનિયાના ઘાત-આઘાત
આખરે એ દિવસ આવ્યો. સિલેક્શન ટ્રાયલ્સ માટે ઠેકઠેકાણેથી પ્લેયર્સ આવેલા. રીંકની આસપાસ મેદાનમાં જોશ અને ઉત્સાહ ભરેલો હતો. મેશ્વાના મનમાં એન્કઝાયટી-વ્યગ્રતા ઉભરાય રહી હતી. મેદાનમાં એક તરફ સૂરજની રોશની ઢળી રહી હતી.
હવામાં ભીના ઘાસની સુગંધ પ્રસરાયેલી હતી. મેશ્વા સ્ટાર્ટ લાઈન પર ઊભી હતી. એણે એક ઊંડો શ્વાસ લીધો. બંદૂકની ગોળી છૂટવાના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને હતું એટલું જોર લગાવી એ ભાગી.
મેશ્વા જીતી જશે એ ખ્યાલ આવતાં એના ફ્રેન્ડ્સ ચિચિયારીઓ પાડી ઉઠ્યા. ફિનિશ લાઈન પસાર કર્યા બાદ બધાનું અભિવાદન ઝીલતી મેશ્વાને કોર્નરમાં એક જાણીતો ચહેરો દેખાયો. એ હતા એના પપ્પા. બહાર નીકળી એ ધીરે ધીરે એમની પાસે પહોંચી. બન્ને કંઈ જ બોલ્યા વગર સાથે ચાલવા લાગ્યા. ખાસ્સી વાર પછી અચાનક પપ્પા બોલ્યા :, ‘ તું સરસ દોડી, પણ સ્કેટિંગ એ કોઈ કેરિયર નથી હોતું. મને પ્રોમિસ કર કે તું ભણવા પર પણ ધ્યાન આપીશ તો હું તારું સ્કેટિંગ ક્યારેય બંધ નહીં કરાવું…’
મેશ્વાનો અવાજ ગળામાં અટકી ગયો. એ ચર્ચા કરવા નહોતી માગતી. એણે ખાલી એટલું કહ્યું ‘હું કોશિશ કરીશ.’ એણે વિચારી લીધું કે પોતે ભણશે પણ ખરા ને સ્કેટિંગ પણ કરશે. કોઈ અજબ જુસ્સાથી મેશ્વાનું મન ભરાય ગયું.
એ રાત્રે મેશ્વા હોમવર્ક પૂરું કરી રહી હતી ત્યારે ફોનમાં મેસેજ ટોન વાગ્યો. એ એના કોચ હતા. એમણે લખ્યું હતું કે, ‘ક્યારેક આપણાં સપનાઓને પૂરા કરવા માટે લડવું પડે છે. બસ, તું સ્કેટિંગ ક્યારેય ના છોડીશ’. મેશ્વાના ચહેરા પર એક નાનકડું એવું સ્મિત છવાય ગયું. એને લાગ્યું કે સ્ટડી અને સ્પોર્ટ્સ વચ્ચે પોતાનાં સપનાઓ અને માતા-પિતાની ઉમ્મીદ વચ્ચે હવે કદાચ એ સંતુલન સાધી શકવા સક્ષમ છે.
આ પણ વાંચો…. ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોનું જાહેરમાં કરાતું અપમાન કેટલું યોગ્ય?