‘બ્લૉક’ થયેલું બૅંક ખાતું ખોલાવવામાં સાત લાખ ગયા

સાયબર સાવધાની -પ્રફુલ શાહ
એક વાત લખી રાખવી, કાળજે મઢાવી રાખવી કે મોટાભાગની સાયબર ઠગાઈ મોબાઈલ ફોન થકી થાય છે. એટલે આ નાનકડા સાધનમાં આવતા દરેક એસ.એમ.એસ., વ્હોટસઅપ મેસેજ, મેસેન્જર મેસેજ, ઈન્સ્ટાગ્રામ મેસેજ, ટેલિગ્રામ મેસેજ પર વિશ્ર્વાસ ન કરો. પહેલા એને શંકાની નજરે ન જુઓ. બને
ત્યાં સુધી એની અવગણના કરો. બાબત ખરેખર ગંભીર લાગે તો એ મેસેજની સચ્ચાઈ તપાસો.
આ સચ્ચાઈ કેવી રીતે તપાસવી? ધારો કે બૅંક વતી કે બૅંકના નામે મેસેજ આવ્યો હોય તો બૅંકના કોઈ ઓળખીતા કર્મચારીને પૂછી જુઓ. એ શક્ય ન બને તો બૅંકમાં જઈને જાત પૂછપરછ કરો. આમ કરવાથી ઘણી છેતરપિંડીથી બચી જવાશે અથવા શરીરને ચાલવાની કસરતનો લાભ મળશે.
બૅંકના એસ.એમ.એસ. દ્વારા કેવી રીતે ઠગાઈ થાય છે એનો એક કિસ્સો સમજવા લાયક છે. પશ્ર્ચિમ મુંબઈના એક પરાંના વરિષ્ઠ નાગરિકને ભરબપોરે એસ.એમ.એસ. આવ્યો કે ગઈકાલે રાતે આપનું બૅંક અકાઉન્ટ બ્લૉક થઈ ગયું છે.
શા માટે બ્લૉક કરાયું એ વિશે કંઈ જ જણાવાયું નહોતું. પરંતુ એ મેસેજ પછી બીજો મેસેજ આવ્યો. બૅંક અકાઉન્ટને ફરી એક્ટિવ કરાવવા માટે કે.વાય.સી. અપડેટ કરવાની લિંક મોકલાવાઈ. એ વડીલે મોબાઈલ લિંક પર ક્લિક કરી. એને ખોલીને બધી વિગતો ભરી દીધી. આમાં પેનકાર્ડની વિગતો ઉપરાંત સીવીવી પીન પણ આપી દીધી. તેમણે ચોક્કસ હાશકારો અનુભવ્યો હશે કે હવે બૅંક અકાઉન્ટ નોર્મલ થઈ જશે. સાથોસાથ બૅંક જવાનો ધક્કો બચ્યાની નિરાંત પણ થઈ હશે.
પરંતુ, આ ધરપત – નિરાંતનું બહુ જલદી બાષ્પીભવન થવાનું હતું. સાંજે મોબાઈલ ફોનમાં પોતાના બૅંક અકાઉન્ટમાં લોગ ઈન કર્યું તો પગ નીચેથી જમીન સરકી ગઈ. એમના ખાતામાં ફક્ત રૂપિયા ૨૩૨ બચ્યા હતા. એમને યાદ હતું કે બૅંકના ખાતામાં ખૂબ મોટી રકમ હતી. તેમણે ટ્રાન્ઝેકશન્સ ચેક કર્યા બાદ ખાતામાંથી ત્રણ ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂા. ૭.૧૭ લાખ કાઢી લેવાયા હતા.
આ રકમ કોણે ઉપાડી અને શા માટે એ સ્પષ્ટ હતું પણ એમાં આપણે કંઈ ન કરી શકીએ. જે અને જ્યારે થાય ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જ થાય.
આ ઠગ ટોળકી નિર્દોષ માણસના ખાતામાંથી રકમની ઉચાપત કરીને એક પછી બીજા અને પછી કોની અને ન જાણે કેટલા ખાતામાં મોબાઈલ ફોન દ્વારા જ હરામની આવક ટ્રાન્સફર કરે છે. સાયબર પોલીસે બધી વિગતો સત્તાવાર અને કાનૂની રીતે મેળવવાની હોય એટલે એ પ્રક્રિયા ફ્રોડસ્ટર જેટલી ઝડપી હોતી નથી.
આનો સીધો, સાદો, સરળ અને સચોટ ઉપાય એ છે કે એસ.એમ.એસ.ને
જોઈને સ્માઈલ સાથે કહો: દિલ હૈ કિ માનતા નહીં.
A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
આ ઠગ જગતની કમાલ અને પહોંચ જુઓ. એક જ વ્યક્તિને નામે ૬૮૫ સીમ કાર્ડ અપાયાનું બહાર આવ્યું છે.