ઈન્ટરવલ

‘સરકાર પુરુષ આયોગની રચના કરે અને તેમાં મહિલાઓની નિમણૂક કરે’ ગિરધરલાલનો માસ્ટર સ્ટ્રોક

વ્યંગ – ભરત વૈષ્ણવ

‘ગિરધરભાઇ બરબાદ થઇ ગયા, લૂંટાઇ ગયા, પતી ગયા, ખતમ થઇ ગયા, ખલ્લાસ થઇ ગયા, રસ્તા પર આવી ગયા!’ રાજુ નખાઈ ગયેલો. મને પોલીસ ઇન્સ્પેક્ટર સમજી વગર પૂછયે કાગડાની જેમ કાઉં કાઉં કરી ઉલટીની માફક ઓકી ગયો!

‘રાજુ, કોઇ લૂંટેરી દુલ્હન ભટકાઇ ગઇ? ક્યાંય હની ટ્રેપમાં ફસાઇ ગયો? કોઇએ તારી જાતીય સતામણી કરી. તારા માટે એ તો પત્ની વગરના માટે ન મામા કરતા કાણો મામો જેવું સુખદ બાબત કહેવાય. તારી નોકરી છૂટી ગઇ? અરે, બીજી મળશે! રાજુ જીવનમાં બાયડી (સુજ્ઞ વાચકો પત્નીને બાયડી કહેવાની ધૃષ્ટતા કે ચેષ્ટા માટે ક્ષમાપાર્થી છું! કેટલાક બળેલાઝળેલા જીવોના વદન પર હાસ્યનું બીપોરજોય આવી ગયું. બીચારા આવું તોફાની બોલવા ઇચ્છે છે, પણ હિટલરાણીના ખોફથી બોલવાનું બાજુ પર રહ્યું, પણ બગાસું ખાવા માટે પૂર્વ પરવાનગી મેળવ્યા વિના મોં સુધ્ધાં ખોલી શકતા નથી તેવા બહાદુર બંકા છે!) હોય કે ન હોય જીવનમાં તડકી છાંયડી તો આવે જ છે! સુખ અને દુ:ખમાં સમતા રાખવી. સુખદુખ શાશ્ર્વત નથી. સમય આવે ત્યારે યથામતિ યથોચિત ગતિ કરે છે! મેં આસ્થા કે સત્સંગ ચેનલ પર મહાત્મા મનનીય પ્રવચન કરે તેવું અધ્યાત્મથી લથપથ પ્રવચન ફટકારી દીધું! આમ, કરવાથી મનમાં આવેલો ઊભરા કે આફરાનું શમન કે વિરેચન થાય છે. મન માનસ સરોવર જેવું શાંત રહે છે!

‘ગિરધરભાઇ. ગુરૂપૂર્ણિમાનો હેંગ ઓવર ઊતર્યો નથી કે શું? જમીન પર આવો. સંમોહનમાંથી બહાર આવો. તમે જે કથનોના કોગળા કર્યા એવું કાંઇ નથી!’ રાજુએ નારાજગી ભરેલ અવાજે અસરકારક રીતે અણગમો વ્યક્ત કર્યો!

‘રાજુ. તું હંમેશાં તારા રોદણા રોતો હોય છે. વીસ વરસથી લગ્ન માટે છોકરી જુવે છે, આજે પચાસ વરસે તારી શોધ જારી છે! એટલે મેં કયા કોઇ ખોટું કહ્યું કે તું ખાટો થાય છે?’ મેં રાજુને લમધાર્યો.
‘ગિરધરભાઇ. આપણે અંદરોઅંદર કપિરાજની જેમ લડ્યા કર્યા તેમાં બિલાડી એટલે કે નારીઓ ફાવી ગઇ! આપણો પુરુષોનો દૂધમાંથી માખી કાઢે તેમ આપણો સમાજમાંથી કાંકરો કાઢી નાખ્યો.’ રાજુ મૂળ મુદ્દા પર આવ્યો.

‘યુ મિન કે આપણે વિકટીમાઇઝડ થઇ રહ્યા છીએ? રાજુ, તારી વાત મુદ્દાની છે. આપણો સમાજ મેલ ડોમિનેટેડ કહેવાય છે. પુરુષ જન્મ લેતાની સાથે મા નામની મહિલા દ્વારા સંચાલિત થાય. બહેન, કાકી, મામી, ફઇ, દાદીના નિયંત્રણમાં રહેવાનું. લગ્ન થાય ત્યારે પત્નીના ચાવી દીધેલા રમકડા તરીકે પડમાં રમવાનું! પત્ની દ્વારા પ્રતાડિત થવાનું. પછી પુત્રવધૂ પાય એટલું પાણી પીવાનું. આમાં પુરુષ તરીકે આપણા આધિપત્યના નામે કંકોડા? પુરુષ પત્ની પર ત્રાસ ગુજારે તો ડોમસ્ટિકવાયોલન્સ ઍકટની કલમ હેઠળ કેસ નોંધાય, પરંતુ પત્ની પતિની પ્રતાડના કરે તો પુરુષને કયા કાયદા હેઠળ રક્ષણ મળે?’ મેં રાજુને પુરુષોની વ્યથાકથા શેર કરી.

‘ગિરધરભાઇ. સરકારી દફતરો કે કંપનીઓમાં વર્કિંગ વુમનની જાતીય સતામણી અટકાવવા અને પગલા લેવા માટે મહિલા જાતીય સતામણી સમિતિ છે, જે કસૂરવારને નોકરીમાંથી હાંકી કાઢે. મહિલા માટે લેડીઝ રૂમ પણ હોય છે. પુરુષ માટે શું? બાબાજી કા ઠુલ્લું? કંકોડા? મહિલા કર્મચારી મીઠું મીઠું બોલીને તેનું કામ પણ પુરુષ સહકર્મી પાસે કરાવે, ઇવન લીલા વટાણા પણ ફોલાવે. પુરુષ સહકર્મીની ગાડીમાં કાયમ લિફ્ટ લે. હોટેલ સિનેમામાં જાય. લંચ-ડિનર કરે. માગીને મોંધી ગિફટ લે. મહિલાની સંમતિ હોય ત્યાં સુધી પોષણ અને અસંમતિ હોય એટલે મહિલા શોષણ? એ ક્યાંનો ન્યાય? પુરુષોની છેડછાડ કરતી વર્કિંગ મહિલાની હરકતો સામે પુરુષોને રક્ષણ આપવા માટે પુરુષ જાતીય સતામણી સમિતિ કાર્યરત ન કરવી જોઇએ? પુરુષોને ટોળટપ્પા કરવા લેડીઝ રૂમની જેમ જેન્ટસ રૂમની સગવડ આપવી ન જોઇએ?’ રાજુએ સળગતી સમસ્યા શેર કરી.

‘ગિરધરભાઇ. મહિલા પાસે ગામ આખાને વીંટાળીએ તો પણ એક ફૂટ વધે તેવી પ્રલંબ જિહ્વા છે. જેની સહાયથી દુર્યોધન કે યુધિષ્ઠિર જેવાને સાબુ પાઉડર વિના ધોઇ નાખે છે. બીજું હથિયાર આંસુ છે. બેનોના કપાળમાં કૂવો કે તળાવ હોય છે. ગમે ત્યારે ગમે તેટલી વાર આંસુ વહેડાવીને પાષાણ હ્દયની વ્યક્તિને મીણ જેવો પ્રવાહી બનાવી દે છે! પુરુષ તો બાપડો રોવે તો બાયલો કહેવાય. અંદર ડૂમો બાજેલો હોય. એકાદ દિવસ હાર્ટ એટેકનો ફટાકડો ફૂટે અને તેના ફોટા પર સુખડનો હાર લાગી જાય’ રાજુએ મહત્ત્વની વાત કરી.

‘રાજુ. આ દેશમાં પતિ દ્વારા પીડિત પત્ની સામે પત્ની પીડિત ગોરધનોની સંખ્યા વધારે છે. આવું કબૂલ કરવામાં મર્દાનગીનું અપમાન હોવાથી ચૂપચાપ સહન કરે છે. પતિની સમસ્યા ઉકેલવા માટે મહિલા આયોગની રચના કરવાની માગ પ્રબળ થઇ છે. સરકાર જાતજાતના આયોગની રચના કરે છે. કાનૂન આયોગ, વહીવટી સુધારણા આયોગ, કેન્દ્રીય જાહેર સેવા આયોગ, કાયદા આયોગ, જલ આયોગ, કેન્દ્રીય ચૂંટણી આયોગ, માનવાધિકાર આયોગ, અનુસૂચિત આયોગ, અનુસૂચિત જનજાતિ આયોગ, બિન પછાત આયોગ, ગૌ સેવા આયોગ, તકેદારી આયોગ,વીજળી આયોગ.બાપ રે! આ યાદી ટોકન યાદી છે. પુરુષ આયોગની રચના ભલે ન કરવામાં આવે પણ થર્ડ જેન્ડર આયોગની રચના થયેલ છે. પુરુષ આયોગની રચના કરવામાં સરકારનું પુરુષાતનની જેમ સરકારતન ઘવાતું હશે?’ મેં રાજુને પુરુષોને તમાચો-અન્યાય જેવા ચૂંટણી પ્રચારની સ્ટાઇલથી જાગૃત કરવાની કોશિશ કરી.

‘ગિરધરભાઇ. મહિલાઓને મહિલા નડે છે તેમ પુરુષોને પુરુષો નડે છે. હમણા મોટી અદાલતે સમલૈંગિક લગ્નને માન્યયતા ન આપીને રૂઢિચુસ્ત હોવાનો સંકેત આપ્યો. પુરુષોની અવદશાનો હવાલો આપીને ૪૨% પુરુષોએ કૌટુંબિક-ઘરેલું સમસ્યાને લીધે આત્મહત્યા કરી છે. એક, બે, ત્રણ નહીં પણ લગભગ ઓગણીસ હજાર ગોરધનોએ તેમની પત્નીઓને ગંગાસ્વરૂપ કરી છે. નોધાયેલ કરતા ન નોંધાયેલ કિસ્સાઓની સંખ્યા ઘણી હોઇ શકે. મહેશ તિવારી નામના રિયલ મર્દે પુરુષ આયોગ નામની ભાગીરથીનું અવતરણ કરવા પિટિશન ફાઇલ કરેલ. આ પિટિશનનો પુરુષ જજોની બનેલી બૅન્ચે સુનાવણી જ કરવાનો ઇનકાર કરી પુરુષ વિરોધી માનસિકતાનો પરિચય આપ્યો. મહિલા જજોએ નિર્ણય કરેલ હોય તો તેમનું જેન્ડર બાયસપણું સમજાય, પણ હમી કો લૂંટ લીયા મિલકે
અપનેનાલોને ગોરેગોરે શર્ટોને કાલેકાલે કોટોને જેવો ઘાટ થયો.’ રાજુએ નિસાસો નાંખીને કહ્યું.

‘રાજુ. સરકાર મણિપુર હિંસામાં અસરકારક હસ્તક્ષેપ કરે કે ન કરે, પણ સરકારે પુરુષ આયોગ મામલે દરમિયાનગીરી કરવી જોઇએ. સરકારે શાહબાનો કેસમાં કોર્ટે આપેલ ચુકાદો ઊલટાવ્યો હતો. સરકાર પુરુષોની વોટબેક સાચવવા એકાદું પુરુષ આયોગ બનાવે તો શૂં લૂંટાઇ જવાનું છે? પુરુષ આયોગ બનાને મેં હર્જ કયાં હૈ? સુપ્રીમ કોર્ટમાં પણ જજ તરીકે આપણી જેવા પીડિત પુરુષો છે. આપણે તો દર્દને વાચા આપીએ, પરંતુ જજ સાહેબ સલમા આગાની જેમ ચૂપકે ચૂપકે રાતદિન આંસુ બહાના યાદ હૈ ટાઇપના રોતલ બહાદુર છે. એક પુરુષ આયોગની રચના કરીને તેમાં અધ્યક્ષ, સભ્ય, સીઇઓ તરીકે પુરૂષોને સ્થાને મહિલાઓની નિમણૂક કરીને માસ્ટર સ્ટ્રોક મારવો જોઇએ.’ મેં ચાણક્ય ચાલ રજૂ કરી!

રાજુ રદ્દી માથું ખંજવાળતો રહ્યો, મારી વાત પલ્લે પડી નહીં. તમને મારી વાત સમજાઈ? આઇ હોપ સો! કારણ કે તમે ઇન્ટેલિજન્ટ લેખકના સુપર ઇન્ટેલેકચ્યુઅલ રીડર્સ છો! યેહ હુઇ ના બાત!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?