બિહારમાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ: ત્રણનાં મોત
ગોપાલગંજ: બિહારના ગોપાલગંજ જિલ્લામાં દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગમાં પાંચ વર્ષના બાળક અને બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે અન્ય કેટલાકને ઇજા થવા પામી હતી. આ અંગે એસ.પી. સ્વર્ણ પ્રભાતે જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારે શહેરના રાજા દળ વિસ્તારમાં ભીડવાળા પંડાલમાં બની હતી. તેમણે કહ્યું કે, જ્યારે બાળક નીચે પડ્યું ત્યારે ભક્તો પ્રસાદ લેવા માટે લાઇનમાં ઊભા હતા
અને બે વૃદ્ધ મહિલાઓ બાળકને કચડાતો બચાવવા નીચે ઝૂકી હતી. એસપી પ્રભાતે કહ્યું કે, આ ઘટનામાં ૧૩ મહિલા અને એક બાળક ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે તાત્કાલિક સદર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન એક બાળક અને બે વૃદ્ધ મહિલાના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તો ખતરાની બહાર હોવાનું જાણવા મળે છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા ઘટના સ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે, એમ તેમણે ઉમર્યું હતું.