જાતિવાદ અને પ્રદેશવાદને જડમૂળમાંથી ઉખેડી કાઢો: મોદી
‘દશેરાને દૂષણ પરના દેશભક્તિના વિજય તરીકે ઊજવો’
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જનતાને જાતિવાદ અને પ્રદેશવાદ જેવા સામાજિક દૂષણને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે દશેરાના તહેવારને દેશમાંના દરેક દૂષણ પરના દેશભક્તિના વિજય તરીકે ઊજવવો જોઇએ.
મોદીએ અહીં દશેરા નિમિત્તે જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે દેશના લોકોનું સૌભાગ્ય છે કે તેઓને સદીઓ સુધી રાહ જોયા બાદ અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિર જોવા મળશે.
તેમણે જણાવ્યું હતું કે દેશના લોકોની ધીરજનો વિજય થયો છે અને તેઓ હવે થોડા મહિનામાં જ અયોધ્યામાં સુંદર અને ભવ્ય રામમંદિરના દર્શન કરી શકશે.
મોદીએ જણાવ્યું હતું કે ભારતનો વિકાસ ઝડપી બની રહ્યો છે, ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાનનું ઉતરાણ કરાવવામાં સફળતા મેળવી છે, નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરાયું છે અને મહિલાઓને અનામતનો લાભ આપતો કાયદો ઘડાયો છે.
તેમણે લોકોને ઓછામાં ઓછા એક ગરીબ પરિવારનું સામાજિક-આર્થિક સ્તર ઊંચું લાવવામાં મદદ કરવા સહિતની ૧૦ પ્રતિજ્ઞા લેવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે દેશના દરેક લોકોનો વિકાસ થશે, તો જ રાષ્ટ્ર વિકસિત થઇ શકશે.
વડા પ્રધાને જનતાને પાણી બચાવવા, ડિજિટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા, સફાઇ જાળવવા, સ્થાનિક બજારમાંથી સ્થાનિક વેપારીઓ પાસેથી સ્વદેશી ચીજો ખરીદવા, કૌશલ્ય વિકાસ દ્વારા કામની ગુણવત્તા સુધારવા, સ્થાનિક પર્યટનને, કુદરતી ખેતીને વિકસાવવા, બાજરી, જુવારનો ઉપયોગ વધારવા અને શારીરિક સુસજ્જતા જાળવવા અનુરોધ કર્યો હતો. (એજન્સી)ઉ