રાજકોટ

ધોરાજીમાં ગમખ્વાર અકસ્માતઃ 4 લોકોના મોત, બેની હાલત ગંભીર

રાજકોટઃ જિલ્લામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગતરોજ ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લેતા સાસુ અને વહુના મોત નીપજ્યા હતા. આ દરમિયાન ધોરાજીના સુપેડી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાતા ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટના સ્થળ પર જ ચારના મોત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાનાં ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તેથી પસાર થતી કાર પસાર થતી હતી. જેમાં છ વ્યક્તિ સવાર હતા અને કોઈ કારણસર કાચ અચાનક ધડાકાભેર એક ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જયારે ચાર વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. અકસ્માતને પગલે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. અકસ્માતના બનાવની માહિતી મળતા જ ધોરાજી પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પંહોચી હતી. પ્રાથમિક તાપાસમાં કારચાલકે કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત બન્યો હોવાનું બહાર આવ્યું હતું.

રાજ્યભરમાં ગઈકાલે અનેક સ્થાનો પર વાવાઝોડાએ તબાહી મચાવી હતી. માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. સંભવત જોરદાર પવનના કારણે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હોવાનું પોલીસનું માનવું છે. પોલીસ અકસ્માતના સ્થાન પર પંહોચી બે ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા ચાર વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…Indian Idolનો હિસ્સો રહેલા આ જાણીતા સિંગરને અમદાવાદ જતા થયો અકસ્માત, હાલત ગંભીર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button