તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: તંદુરસ્તી જાળવી રાખવાનો ઉત્તમ વિકલ્પ: સમુદ્રી શેવાળ

-શ્રીલેખા યાજ્ઞિક

આજનો ભારતીય યુવાવર્ગ જાપાનીઝ વાનગી તથા તેના સ્વાદનો દીવાનો બની ગયોે છે. ભારતીય વાનગીઓ જેવી કે ગુજરાતી થાળી, પંજાબી ભોજન કે પછી દક્ષિણ ભારતીય વાનગીનો રસાસ્વાદ વારંવાર માણતો જ રહે છે. ખાસ પ્રસંગે કે ખાસ દિવસને યાદગાર બનાવવા માટે રેસ્ટોરાંમાં ખાસ જાપાનીઝ, થાઈ કે ચાઈનીઝ વાનગીની લહેજત માણવાનું પસંદ કરે છે. તેમાં પણ સૂશી તેમની પ્રિય વાનગી ગણાય છે. આજે આપણે સમુદ્રી શેવાળની વાત કરવાના છે તેનો ઉપયોગ જાપાનીઝ વાનગીમાં ખાસ કરવામાં આવે છે. ‘સમુદ્રી શેવાળ’ને અંગ્રેજીમાં ‘સી-વીડ’ કહેવામાં આવે છે.

ઝરણાં, નદી, સમુદ્ર, તળાવ જેવા વિવિધ જળ સ્તોત્રમાં તે સરળતાથી ઊગી નીકળે છે. કેટલીક શેવાળ અત્યંત નાની હોય છે. દેખાવમાં તે પાલકની કૂણી ભાજી જેવી લાગે છે, જ્યારે કેટલીક મોટી હોય છે. જે કેલ્પ તરીકે જાણીતી છે. મધ્યમ આકારના સમુદ્રી શેવાળ દરિયાઈ તટો ઉપર જોવા મળે છે. રંગની વાત કરીએ તો તે લાલ, લીલા, કાળા તથા કથ્થાઈ હોય છે. સમુદ્રી શેવાળમાં પોષ્ટિક તત્ત્વોનો ખજાનો સમાયેલો છે, એવી માન્યતા છે. સૌથી શ્રેષ્ઠ સમુદ્રી શેવાળ કેલ્પ ગણાય છે. વેકમેનો રંગ કથ્થાઈ હોય છે. નુરીનો રંગ લાલ હોય છે. મુરીનો મુખ્યત્વે ઉપયોગ જાપાનીઝ વાનગી સૂશી બનાવવામાં થાય છે. સમુદ્રી શેવાળ દરિયાના પાણીને શુદ્ધ બનાવવામાં ઉપયોગી ગણાય છે.

સમુદ્રી શેવાળ એટલે શું?

ધરતી ઉપર સમુદ્રનો હિસ્સો 70થી 75 ટકા છે. વળી 25થી 30 ટકા ધરતી ઉપર નદી, ઝરણાં તથા જંગલો છે. સમુદ્રમાં વિવિધ પ્રકારના જીવ-જતું જીવી રહ્યા છે. સમુદ્રમાં હજારો એવી વસ્તુઓ સમાયેલી છે જે માનવીના જીવનને તંદુરસ્ત બનાવવા માટે ઔષધીય ઓસડ તરીકે ગુણકારી છે. જેમાં આયુષ્ય વધારવાથી લઈને પાચન સંબંધિત વ્યાધિ કે ત્વચાની ચમક, વાળની તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે. કહેવાય છે કે સમુદ્રમાં અનેક દૈવીય વસ્તુઓ સમાયેલી છે, જે આપની પાસે હોય કે આપના ઘરમાં હોય તો આપને શારીરિક તથા આર્થિક લાભ કરાવે છે. તેમાંથી એક છે સમુદ્રી શેવાળ. સમુદ્રી શેવાળનો ઉપયોગ પાણીની અંદર થતાં શાકભાજી કે વૃક્ષારોપણ માટે કરવામાં આવે છે. જે કુદરતી રીતે ખાદ્ય છે. સમુદ્રી શેવાળની 10,000થી વધુ પ્રજાતિ જોવા મળે છે. કોરિયાઈ, જાપાનીઝ તથા ચાઈનીઝ વાનગીમાં સમુદ્રી શેવાળનો ઉપયોગ ખાસ કરવામાં આવતો હોય છે.

સમુદ્રી શેવાળને એશિયાઈ દેશોનો મનપસંદ ખાદ્ય પદાર્થ ગણવામાં આવે છે. કેમ કે તેનો ઉપયોગ ચીન, દક્ષિણ કોરિયા, જાપાન, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ જેવા દેશોમાં સૌથી વધુ થાય છે. ફિલિપિન્સ, નોર્વે, ચિલી, ફ્રાંસ, તથા યુનાઈડેટ કિંગડમમાં સમુદ્રી શેવાળનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. આયર્લેન્ડમાં સમુદ્રી શેવાળનો ભોજનમાં ઉપયોગ થતો આવ્યો છે. કેમ કે સન 1800માં અન્નની અછત ઊભી થઈ ત્યારે સ્થાનિક લોકોએ સમુદ્રી શેવાળ ખાઈને પોતાની ભૂખ સંતોષી હતી. સ્કૉટલૅન્ડમાં સમુદ્રી શેવાળનો ઉપયોગ પ્રચલિત છે. રોમમાં સમુદ્રી શેવાળનો ઉપયોગ વાગ્યું હોય કે દાઝી ગયા હોય ત્યારે મલમ તરીકે કરવામાં આવે છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા: કાચી કેરીમાં છુપાયેલો છે આરોગ્યનો ખજાનો…

સમુદ્રી શેવાળના સ્વાદની વાત કરીએ તો તેે માછલી જેવો આવે છે. તેથી તેના અન્ય વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે તેની સૂકવણી કે તેનાં પાઉડરનો ઉપયોગ અન્ય વાનગીમાં કરીને તેના પૌષ્ટિક ગુણોનો લાભ મેળવી શકાય છે. ઓરેગન યુનિવર્સિટીના કેટલાંક વૈજ્ઞાનિકો દ્વારા એવી સમુદ્રી શેવાળની શોધ કરવામાં આવી છે જે તળવામાં આવે તો બૅકન જેવી લાગે છે. સમુદ્રી શેવાળમાં વિટામિન, મિનરલ્સ તથા ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે.

શાકાહારી માટે સમુદ્રી શેવાળ એક સારો વિકલ્પ ગણાય છે. લાલ રંગ ધરાવતા શેવાળનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. જેમાં પ્રોટીનની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. આહાર તજજ્ઞો દ્વારા જાણવા મળે છે કે દક્ષિણ કોરિયાની મહિલાઓ પ્રસૂતિ બાદ સમુદ્રી શેવાળનો સૂપ ખાસ પીવે છે. એવું માનવામાં આવે છે કે નવી માતા ને આ સૂપ દ્વારા પૂરતાં પ્રમાણમાં મિનરલ્સ તથા પૌષક તત્ત્વો મળી રહે છે. સુમદ્રી શેવાળમાં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, રાઈબોફ્લેવીન, થિયામિન, કૉપર તથા આયર્નની માત્રા ભરપૂર હોય છે. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, તથા વિટામિન કે સમાયેલાં છે. ઓમેગા-3 ફેટી એસિડ પણ જોવા
મળે છે.

સમુદ્રી શેવાળના સ્વાસ્થ્યવર્ધક ગુણો :

શરીરને સુડોળ બનાવવા માટે ઉપયોગી : સમુદ્રી શેવાળનું સેવન કરવાથી પેટની ક્ષમતા મર્યાદિત બની જતી હોય છે. જેથી ડાયેટરી ફેટ ધીમે ધીમે અવશોષિત થાય છે. વળી ફાઈબરની માત્રા વધુ હોય છે. જેથી શેવાળના સેવન બાદ વ્યક્તિને પોતાનું પેટ લાંબા સમય સુધી ભરાયેલું લાગે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેથી અંકરાતિયાની જેમ ભોજન ખાતા રહેવાની આદતથી બચાવે છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : જલેબી જેવો જ દેખાવ ધરાવતું શ્રેષ્ઠ ફળ જંગલ જલેબી

બ્રેસ્ટ કૅન્સરનો ખતરો ઘટે છે : સમુદ્રી શેવાળનું સેવન વારંવાર કરતાં રહેવાથી મહિલાઓમાં ભરડો જમાવતાં કૅન્સરના ખતરાથી બચાવે છે. એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે પેટના બૅક્ટેરિયા વારંવાર બદલતાં રહે છે. જેને કારણે શેવાળનું સેવન કર્યા બાદ ચયાપચયની પ્રક્રિયામાં સુધારો થવા લાગે છે. જે હોર્મોન્સના વિકાસને પ્રભાવિત કરે છે. જે બ્રેસ્ટ કૅન્સરમાં એક અહમ્ ભૂમિકાનું નિર્માણ કરે છે.

હૃદય રોગથી બચાવે છે : સમુદ્રી શેવાળમાં બાયો-ઍક્ટિવ પેપ્ટાઈડસ્ હોય છે. જે વ્યક્તિના શરીર ઉપર હાર્મોન જેવો પ્રભાવ બનાવે છે. બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં લાભદાયક ગણાય છે. નિષ્ણાત ડૉક્ટરો વારંવાર દર્દીને સલાહ આપતાં હોય છે કે પ્રત્યેક વ્યક્તિએ પોતાની કાળજી સ્વયં લેવી જોઈએ. બ્લડ પ્રેશર તથા કૉલેસ્ટ્રોલની માત્રા નિયંત્રણમાં રાખવી જરૂરી છે. જેને કારણે વ્યક્તિ હૃદય રોગથી બચી શકે છે. હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.

ડાયાબિટીસને નિયંત્રિત રાખવામાં ગુણકારી : ફાઈબરયુક્ત ભોજન કરવાથી ડાયાબિટીસની વ્યાધિને કાબૂમાં રાખી શકાય છે. ફાઈબરની અધિક માત્રા બ્લડ ગ્લુકૉઝના લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. વળી ઈન્સ્યુલિનની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જેને કારણે લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.

પેટના સ્વાસ્થ્ય માટે લાભકારી : સમુદ્રી શેવાળમાં કુદરતી રીતે જ ડાયેટરી ફાઈબર પોલિસૈકરાઈડસ્ની માત્રા હોય છે. એટલે કે પેટમાં શેવાળ હજારો સારા બૅક્ટેરિયાનું ઉત્પાદન શરૂ કરી શકે છે. કેમ કે સમુદ્રી શેવાળ પેટમાં બનતાં બૅક્ટેરિયાનું મનભાવતું ભોજન ગણાય છે. વળી ભોજન આરોગ્યા બાદ ભોજનને પેટની અંદર પહોંચાડતી નળીને તંદુરસ્ત રાખવા માટે ઉપકારી ગણાય છે. વળી શેવાળમાં એવા તત્ત્વ સમાયેલાં છે જે એસિડ રિફ્લેક્સથી બચાવે છે. પેટમાં સારા બૅક્ટેરિયાનું નિર્માણ પાચનતંત્ર માટે વરદાન સમાન ગણાય છે. જેને કારણે પેટ સંબંધિત અનેક સમસ્યાનો અંત આવે છે. પેટ માટે ગુણકારી ગણાય છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા: ગરમીમાં કાકડી ખાવાથી શરીરને મળશે અનેક લાભ

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે : સમુદ્રી શેવાળના સેવન બાદ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધી જતી હોય છે. સમુદ્રી શેવાળમાં ફ્યૂકોક્સૈન્થિન જેવા ઍન્ટિ-ઓક્સિડન્ટ હોય છે. જે વાઈરસથી બચાવવાની સાથે કોશિકાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે. શેવાળમાં વિવિધ પ્રકારના ફાઈટોકેમિકલ્સ, વિટામિન સી, વિટામિન કેની માત્રા સમાયેલી છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વ્યક્તિ વાઈરસને લીધે થતાં ચેપી રોગ, હવામાં રહેલાં પ્રદૂષણને કારણે ઝડપથી રોગ-સંક્રમણના સકંજામાં જકડાઈ જતો નથી. સમુદ્રી શેવાળનો ઉપયોગ સલાડમાં મીઠાંને બદલે ઉપર કરી શકાય છે. સૂપનો સ્વાદ વધારવા શેવાળને સૂપ ઉપર મૂકીને પી શકાય છે. સલાડ ડ્રેસિંગમાં શેવાળનો ઉપયોગ કરી શકાય છે.

જાપાનીઝ સૂશી બનાવવાની રીત
સામગ્રી : 4 કપ સૂશી ચોખા(રાંધેલા), અડધો કપ ખાંડ, 1 કપ સિરકા, મનપસંદ શાકભાજી જેવાં કે ઐવાકૈડો, ગાજર, સિમલા મરચું બધું જ મળીને 1 કપ ઝીણું સમારેલું, નોરી શીટસ્ 1 (જાપાનમાં ઊગતી એક પ્રકારની શેવાળ છે જેનો ઉપયોગ સૂશી રોલ બનાવવામાં ખાસ કરવામાં આવે છે. સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ.

બનાવવાની રીત : સૌ પ્રથમ એક મોટા વાસણમાં રાંધેલાં ગરમ સૂશી ચોખા લેવા.ગરમ સિરકામાં સ્વાદ મુજબ મીઠું તથા ખાંડ ભેળવીને મિક્સ કરી લેવું. હવે ગરમ સિરકાનું મિશ્રણ રાંધેલા સૂશી ચોખામાં ભેળવી દેવું. હવે એક ટ્રેમાં નોરી શીટસ્ ગોઠવી દેવી. તેની ઉપર સિરકામાં ભેળવેલાં સૂશી ચોખાનું પડ બનાવવું. નોરી સીટના મધ્ય ભાગમાં જ સૂશી ચોખા ગોઠવવાં. તેમાં ઝીણાં સમારેલાં શાકભાજી ગોઠવવાં. હળવે હાથે તેના રોલ બનાવી લેવાં. નોરી શીટસ્ના કિનારે પાણી લગાવીને રોલ બંધ કરી દેવાં. ત્યારબાદ ચાકુને ભીનું કરી રોલને કાપી લેવાં. જેથી સૂશી ભાત ચાકુને ચોંટશે નહીં. રોલ અકબંધ રહેશે. જાપાનીઝ સૂશી રોલનો સ્વાદ માણવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button