ટોપ ન્યૂઝનેશનલ

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે યોજાઇ યુએનએસસીની બેઠક, પાકિસ્તાનને ફટકો, કોઇ ઠરાવ પસાર ન થયો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની તાત્કાલિક બંધ બારણે બેઠક બોલાવવાની માંગ કરી હતી.જો કે આ બેઠકમાં પાકિસ્તાનને નિરાશા હાથ લાગી તેમજ કોઇ ઔપચારિક ઠરાવ પસાર થયો ન હતો.

સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર શાંતિપૂર્ણ રીતે આવવો જોઈએ

આ બેઠક પછી સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકનો ઉદ્દેશ્ય પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું કે બેઠકમાં જમ્મુ કાશ્મીર મુદ્દાના ઉકેલ પર ચર્ચા કરવામાં આવી હતી. કાઉન્સિલના ઘણા સભ્યોએ પુનરોચ્ચાર કર્યો કે આ વિવાદનો ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર શાંતિપૂર્ણ રીતે આવવો જોઈએ.

આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ ઉલ્લંઘન

ઇફ્તિખારે કહ્યું કે પાકિસ્તાને 23 એપ્રિલના ભારતના એકપક્ષીય પગલાં લશ્કરી પગલાં અને આર્થિક દબાણની વ્યૂહરચના અંગે સંયુક્ત રાષ્ટ્રને પોતાની ચિંતાઓ જણાવી હતી. પાકિસ્તાને દલીલ કરી હતી કે ભારતના આક્રમક વલણથી માત્ર પ્રાદેશિક સ્થિરતા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાનું પણ ઉલ્લંઘન થાય છે.

એન્ટોનિયો ગુટેરેસ સાથે બે વાર વાત કરી

ભારતે 23 એપ્રિલના રોજ પાંચ મોટા નિર્ણયો લીધા જેમાંથી એક મહત્વપૂર્ણ નિર્ણય સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો હતો. આ નિર્ણયના પાકિસ્તાન માટે ગંભીર પરિણામો આવી શકે છે. કારણ કે પાકિસ્તાનની ખેતી અને પાણી પુરવઠાનો મોટો ભાગ આ સંધિ પર નિર્ભર છે. આ નિર્ણય પછી, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે બે વાર વાત કરી અને તેમને ભારતની આ આર્થિક રીતે નુકસાનકારક રણનીતિ બંધ કરવા વિનંતી કરી.

ઘણા સભ્યોએ રાજદ્વારી ઉકેલની માંગ કરી

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ બેઠકમાં ઘણા સભ્યોએ રાજદ્વારી ઉકેલની માંગ કરી હતી. આસીમ ઇફ્તિખારે દાવો કર્યો હતો કે બેઠક દરમિયાન એ વાત સ્વીકારવામાં આવી હતી કે પ્રાદેશિક સ્થિરતા ફક્ત લશ્કરી શક્તિ દ્વારા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદા અને સંવાદ દ્વારા પણ શક્ય છે.આ બેઠકનો હેતુ દક્ષિણ એશિયામાં વધી રહેલા લશ્કરી તણાવને ઘટાડવા માટે રાજદ્વારી માર્ગ શોધવાનો હતો.

આ પણ વાંચો…India-Pak tension: ભારતને મળ્યો જાપાનનો સાથ, તો ભારતના બે કટ્ટર દુશ્મનો આવ્યા એક સાથે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button