મહારાષ્ટ્રમાં એચએસસીનું પરિણામ જાહેરઃ છોકરીઓએ બાજી મારી, જાણો એટુઝેડ

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે 5 મેના રોજ બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા 2025માં કુલ 91.88 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. છોકરીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને છોકરાઓ કરતાં વધુ પાસની ટકાવારી નોંધાવી છે.
ઇન્ટરમીડિયેટમાં 94.58 ટકા છોકરીઓ પાસ થઇ છે, જયારે કુલ 89.51 ટકા છોકરાઓ પાસ થયા છે. ચાલો જાણીએ કે કયા પ્રવાહમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થવાથી લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓનું કેવું પરિણામ રહ્યું છે.
આપણ વાંચો: ગુજરાતમાં દસમા-બારમાની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થઈ શકે, જાણી લો સંભવિત તારીખો?
આ વર્ષે 14.17 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી
આ વર્ષે, HSC પરીક્ષા માટે ફોર્મ ભરનાર કુલ 14,27,085 વિદ્યાર્થીઓમાંથી 14,17,969 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 13,02,873 વિદ્યાર્થીઓ પાસ થયા છે. કુલ પરિણામ 91.88 ટકા આવ્યું છે .
પરીક્ષામાં બેસવા માટે કુલ 36,133 ખાનગી વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 35,697 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 29,892 પાસ થયા છે. કુલ પરિણામ 83.73% આવ્યું છે.
કયા પ્રવાહનું પરિણામ કેટલું રહ્યું?
આ વખતે, મહારાષ્ટ્ર બોર્ડના 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 97.35%, આર્ટસ પ્રવાહનું 80.53%, વાણિજ્ય પ્રવાહનું 92.68% અને વ્યાવસાયિક પ્રવાહનું પરિણામ 83.3% નોંધાયું છે.
જે વિદ્યાર્થીઓ HSCમાં એક કે બે વિષયોમાં નાપાસ થયા છે, બોર્ડ દ્વારા તેમને કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવશે. કમ્પાર્ટમેન્ટ શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આપણ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર, સિનિયર ક્લાર્કની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર
38 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું
આ વખતે ઇન્ટરમીડિયેટમાં કુલ 38 શાળાઓનું પરિણામ શૂન્ય આવ્યું છે. જયારે,કોઈપણ વિદ્યાર્થીને 100 ટકા માર્ક્સ મળ્યા નથી. લગભગ 4,500 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે. પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ કેટલાક દિવસો પછી તેમની સંબંધિત શાળાઓમાંથી માર્કશીટ મેળવી શકશે.
રાજ્યમાં આ વર્ષે પરિણામ ઓછું આવ્યું
મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા લેવામાં આવેલી બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ ગઈ કાલે જાહેર થયું. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામ ઓછું છે. બોર્ડના ઇતિહાસમાં પણ આ પહેલી વાર છે કે બારમા ધોરણનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવ્યું. જોકે આ વર્ષે, પરીક્ષાઓ પણ વહેલી યોજાઇ હતી.
આપણ વાંચો: NEET UG Result 2024 : નીટ યુજી પરીક્ષાનું કેન્દ્ર અને શહેર મુજબ પરિણામ જાહેર કરાયું
અમુક કોલેજોનું 100 ટકા પરિણામ આવ્યું
આ વર્ષે ઘણી કોલેજોએ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે. રાજ્યની ૧,૯૨૯ જુનિયર કોલેજોનું પરિણામો ૧૦૦ ટકા આવ્યુ છે અને ૪,૫૬૫ કોલેજોનું પરિણામ ૯૦ થી ૯૯.૯૯ ટકા વચ્ચે આવ્યુ છે.
રાજ્યની ૧૦,૪૯૬ કોલેજોના વિદ્યાર્થીઓએ બારમાની પરીક્ષા આપી હતી, જેમાંથી ૩૮ કોલેજોનું પરિણામ શૂન્ય ટકા છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ઓછું આવ્યું છે. ફેબ્રુઆરી માર્ચ ૨૦૨૪નું પરિણામ ૯૩.૩૭ ટકા હતું. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫નું પરિણામ ૯૧.૮૮ ટકા છે.
કોંકણનું વધુ અને લાતુરનું ઓછું પરિણામ
રાજ્યના નવ વિભાગીય બોર્ડમાંથી કુલ ૧૪ લાખ ૨૭ હજાર ૮૫ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી ૧૩ લાખ ૨૮૭૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. હંમેશની જેમ, કોંકણ વિભાગીય બોર્ડનું પરિણામ સૌથી વધુ છે, જ્યારે લાતુર વિભાગનું પરિણામ સૌથી ઓછું છે. કોંકણનું પરિણામ સૌથી વધુ ૯૬.૭૪ ટકા આવ્યું છે.
કોલ્હાપુર વિભાગ ૯૩.૬૪ ટકા સાથે બીજા સ્થાને છે, મુંબઈ વિભાગ ૯૨.૯૩ ટકા સાથે ત્રીજા સ્થાને, છત્રપતિ સંભાજીનગર વિભાગ ૯૨.૨૪ ટકા સાથે ચોથા સ્થાને, અમરાવતી વિભાગ ૯૧.૪૩ ટકા સાથે પાંચમા સ્થાને છે.
પુણે (છઠ્ઠા), નાશિક (સાતમા), નાગપુર (આઠમા)નો સમાવેશ
ઉપરાંત, પુણે વિભાગ ૯૧.૩૨ ટકા સાથે છઠ્ઠા સ્થાને, નાશિક વિભાગ ૯૧.૩૧ ટકા સાથે સાતમા સ્થાને, નાગપુર વિભાગ ૯૦.૫૨ ટકા સાથે આઠમા સ્થાને, લાતુર વિભાગ ૮૯.૪૬ ટકા સાથે નવમા સ્થાને છે.
જે વિદ્યાર્થીઓ રિ-ચેકિંગ ફોર્મ ભરવા માંગે છે તેઓ, ૬ મે, ૨૦૨૫ થી ૨૦ મે, ૨૦૨૬ સુધી સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકશે. રિ-ચેકિંગ માટે વિષય,દીઠ ૫૦ રૂપિયા ફી ભરવાના રહેશે.
વિજ્ઞાન પ્રવાહમાં 7.37 લાખમાંથી 7.35 લાખ પાસ થયા
દરેક શાખામાંથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના આંકડા તરફ નજર કરીએ તો વિજ્ઞાન વિભાગમાં ૭,૩૭,૨૦૫ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી ૭,૩૫,૦૦૩ પાસ થયા છે. આમ કુલ ટકાવારી ૯૭.૩૫ ટકા છે.
આર્ટ્સ વિભાગમાં ૩,૫૪,૬૯૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી ૨,૪૯,૬૯૬ પાસ થયા. કુલ ટકાવારી ૮૦.૫૨ ટકા થઈ. કોમર્સ વિભાગમાં ૩,૦૦,૭૬૬ વિદ્યાર્થીએ પરીક્ષા આપી, જેમાંથી ૨,૯૯,૫૨૭ પાસ થયા છે. બિઝનેસ અને આઇ. ટી. આઇમાં એકંદરે ૩૦,૦૧૭ અને ૪,૩૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૨૯,૩૬૩ અને ૪,૩૮૦ પાસ થયા છે.