પહલગામ આતંકવાદી હુમલામાં જોવા મળી ‘હમાસ’ની પેટર્નઃ સુરક્ષા એજન્સીનો દાવો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ચોંકાવનારી માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કુખ્યાત આતંકવાદી સંગઠન હમાસના હુમલાઓ જેવી પેટર્ન જોવા મળી છે. એજન્સીઓનું માનવું છે કે આતંકવાદીઓએ પીડિતોને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા અને નજીકથી કપાળ અને ગરદન પર ગોળી મારી હતી, જે હમાસની આતંક ફેલાવવાની પદ્ધતિઓનો એક જાણીતો નમૂનો છે.
હમાસના આતંકીઓની ભૂમિકાની શંકા
આ અંગે સુરક્ષા એજન્સીના સૂત્રોએ વધુ એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમના મતે, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ 5 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક સીક્રેટ સંમેલનનું આયોજન કર્યું હતું.
આ સંમેલનમાં લશ્કરના આતંકવાદીઓની સાથે હમાસના આતંકવાદીઓએ પણ ભાગ લીધો હતો. આ પહેલી વાર છે જ્યારે હમાસ અને લશ્કરના આતંકવાદીઓએ એકસાથે રણનીતિ બેઠકમાં હાજરી આપી છે.
આપણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો, આંતકીઓએ અગાઉ કરી હતી વિસ્તારની રેકી
100 આતંકવાદીઓ રહ્યા હતા હાજર
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે લશ્કરે આ બેઠકમાં હમાસના આતંકવાદીઓને ખાસ આમંત્રણ આપ્યું હતું. આ બેઠકમાં હમાસના બે ટોચના આતંકવાદીઓ, ખાલિદ કાદુમી અને નાજી ઝહીર હાજર હતા. આ ઉપરાંત, કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરનો ભાઈ તલ્હા સૈફ પણ જોવા મળ્યો હતો.
આ સંમેલનમાં લગભગ 100 આતંકવાદીઓ હાજર રહ્યા હોવાની વિગતો છે. સુરક્ષા એજન્સીઓને પહેલગામમાં સંભવિત હુમલા અંગે ગુપ્ત માહિતી મળી હોવાના પણ અહેવાલ છે પરંતુ હુમલાની ચોક્કસ તારીખ અને સ્થળ ખબર નહોતી.
આ સંમેલનનાં કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આતંકવાદીઓને ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપતા અને ખુલ્લેઆમ હથિયારો લહેરાવતા જોઈ શકાય છે.
આપણ વાંચો: આતંકવાદી હુમલા બાદ ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ ગીતો યુટ્યુબ ઇન્ડિયા પરથી OUT
હમાસના હુમલાઓની ખાસ પેટર્ન
પહેલગામ હુમલા અને હમાસની પેટર્ન વચ્ચે સમાનતા પર ભાર મૂકતા, સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કરવો, પીડિતોને ઘૂંટણિયે પડવા મજબૂર કરવા અને તેમના કપાળ અને ગરદનને નિશાન બનાવવું એ હમાસના આતંકવાદી હુમલાઓની ખાસ પેટર્ન છે.
વર્ષ 2023માં હમાસે કર્યો હતો હુમલો
ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબર 2023 ના રોજ, હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. જેમાં એક સંગીત મહોત્સવમાં હાજરી આપી રહેલા સેંકડો લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
યહૂદી નાગરિકોને નિશાન બનાવીને મારી નાખવામાં આવ્યા હતા, તેમની ઓળખ પૂછવામાં આવી આવી હતી અને આતંકવાદીઓના શરીર પર લગાવેલા કેમેરાનો ઉપયોગ કરીને સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. હુમલા બાદ આતંકવાદીઓ ગાઝામાં છુપાઈ ગયા, ત્યારબાદ ઇઝરાયલે ગાઝામાં હમાસ સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.