સ્પોર્ટસ

ટેસ્ટના રૅન્કિંગમાં ભારત નીચે ઊતર્યું, પણ વન-ડે અને ટી-20માં હજી પણ…

આઇસીસીએ ટી-20માં પહેલી વાર 100 દેશને ગણતરીમાં લીધા, ગામ્બિયા 100મા નંબરે

નવી દિલ્હીઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ટેસ્ટના નવા રૅન્કિંગ (RANKING S) જાહેર કર્યા છે જેમાં ટીમ ઇન્ડિયા વધુ નીચે ઊતરી છે, પરંતુ વન-ડે અને ટી-20માં ભારતે મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ટેસ્ટના રૅન્કિંગમાં સાઉથ આફ્રિકાને પણ નુકસાન થયું છે, પણ ઇંગ્લૅન્ડે ઊંચી છલાંગ મારી છે.

ટેસ્ટના ક્રમાંકોમાં ઑસ્ટ્રેલિયા 126 રેટિંગ સાથે હજીયે નંબર-વન છે. ઉલ્લેખનીય છે કે આવતા મહિને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો થવાનો છે.

આપણ વાંચો: ટેસ્ટના રૅન્કિંગમાં રિષભ પંતને ફરી ઝટકો, ટૉપ-ટેનની એક્ઝિટની લગોલગ આવી ગયો

ઇંગ્લૅન્ડે બે ક્રમની છલાંગ મારી છે. ઇંગ્લૅન્ડનું પ્રદર્શન ખાસ કંઈ રહ્યું છે એમ છતાં આખા વર્ષના પર્ફોર્મન્સનો હિસાબ-કિતાબ થતો હોવાથી એને 113 પૉઇન્ટ સાથે બીજા નંબર પર આવવા મળ્યું છે. સાઉથ આફ્રિકાની ટીમ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં રમવાની છે, પરંતુ રૅન્કિંગમાં બીજું સ્થાન ઇંગ્લૅન્ડે લેતાં સાઉથ આફ્રિકા 111 પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે ધકેલાયું છે.

ભારતની વાત કરીએ તો એણે ટેસ્ટના ક્રમાંકોમાં નુકસાન જોવું પડ્યું છે અને હાલમાં 105 પૉઇન્ટ સાથે ચોથા નંબરે છે.
આ તો રેડ બૉલ ફૉર્મેટની વાત થઈ. વાઇટ બૉલ ફૉર્મેટમાં (વન-ડે અને ટી-20માં) ભારતે પ્રભુત્વ જાળવ્યું છે.

આપણ વાંચો: ટેસ્ટના રૅન્કિંગમાં બુમરાહનું જ રાજઃ નંબર-વન રૅન્ક જાળવી…

2023ના વન-ડે વર્લ્ડ કપના રનર-અપ ભારતના વન-ડેમાં રેટિંગ પૉઇન્ટ 122થી સુધરીને 124 થયું છે. ચૅમ્પિયન્સ ટ્રોફીનું રનર-અપ ન્યૂ ઝીલૅન્ડ બીજા નંબરે છે. એણે ઑસ્ટ્રેલિયાનું સ્થાન લીધું છે.

ટી-20માં ભારત વર્લ્ડ ચૅમ્પિયન છે અને એના રૅન્કિંગમાં ભારત 269 રેટિંગ સાથે અવ્વલ છે, જ્યારે બીજા નંબરનું ઑસ્ટ્રેલિયા (259 પૉઇન્ટ) ભારતથી બહુ દૂર નથી. ઇંગ્લૅન્ડ (254) ત્રીજા ક્રમે છે.

પહેલી વાર આઇસીસીએ ટી-20 ફૉર્મેટના વાર્ષિક રૅન્કિંગના અપડેટમાં 100 દેશને ગણતરીમાં લીધા છે જેમાં ભારત પ્રથમ સ્થાને અને ગામ્બિયા 100મા સ્થાને છે. આ યાદીમાં પાકિસ્તાન છેક સાતમા સ્થાને છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button