ભજનનો પ્રસાદ: પ્રેમાનંદ સ્વામી: એમને કોઈ પૂર્વાશ્રમના તરગાળા તો કોઈ ગાંધર્વ કહે છે!

-ડૉ. બળવંત જાની
ઈ.સ. 1919માં વિદ્વાન સત્સંગી ઈશ્ર્વરલાલ ઇચ્છારામ મશરુવાળા જણાવે છે કે ‘તેઓ (પ્રેમાનંદસ્વામી) ગાંધર્વકુળમાં જન્મેલા હતા. બાલ્યાવસ્થાથી પોતાની સુંદર દેહયષ્ટિ અને કંઠની મધુરતાને કારણે વૈરાગી બાવાઓના ઝૂંડમાં સપડાયેલા અને તેથી એમની સાથે ફરતા રહેતા. ભરૂચ પાસેના ડોરા ગામમાં જ્ઞાનદાસજી નામના સાધુએ તેમને દ્વારકાની યાત્રા કરાવવાનું કહી પોતાની સાથે લીધા. યાત્રા પછી ભગવાન સહજાનંદસ્વામી પાસે લાવ્યા. પરંપરાગત શાસ્ત્રીય રાગ, વાદ્ય અને ગાનની કુશળતાને કારણે સહજાનંદજીના પ્રીતિપાત્ર બન્યા, શિષ્ય બનાવ્યા અને શાસ્ત્રીય સંગીતના વિશેષ શિક્ષણ માટે અન્ય સંતો સાથે બુરહાનપુર મોકલેલા. પછીથી એમને માટે સંસ્કૃત વગેરેના શિક્ષણની પણ વ્યવસ્થા કરી આપેલી. તેમનો જન્મ અનુમાને ઈ.સ. 1783 અને સહજાનંદ સ્વામી સાથેનું મેળાપ વર્ષ ઈ.સ. 1814 તથા અક્ષરવાસી થયાનું વર્ષ તેઓ ઈ.સ. 1855 તેઓ દર્શાવે છે.
- કવિશ્રી દલપતરામે ઈ.સ. 1861ના ‘બુદ્ધિપ્રકાશ’ના અંકમાં પૃષ્ઠાંક 242 પર આલેખેલ છે કે ‘એમને પ્રત્યક્ષ મળવાનું થયેલું ત્યારે તેઓ 70 વર્ષની આસપાસની વયના જણાતા હતા.’ તેમાં ત્રીસેક વર્ષ સહજાનંદસ્વામીના સંપર્કમાં આવીને એમના અંતેવાસી તરીકે સાથે જ સેવામાં રહૃાા હતા. દલપતરામે જણાવેલી વિગતો પ્રેમાનંદ સ્વામીના જીવનકાળ સાથે બંધ બેસે છે.
- શાસ્ત્રી સ્વયંપ્રકાશદાસજીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ગ્રંથમાં જન્મસ્થળ તરીકે દોરા ગામ અને પૂર્વાશ્રમનું નામ હાથીરામ દર્શાવેલ છે. તેમના ગાનથી પ્રભાવિત થઈને સંત મહાનુભાવાનંદ વગેરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સત્સંગ અર્થે વિચરણ માટે ફરતા ફરતા દોરા ગામથી દ્વારિકાની યાત્રાએ પોતાની સાથે લીધા. પછી ગઢપુરમાં સહજાનંદ સ્વામીના પ્રત્યક્ષ દર્શનનો લાભ અપાવ્યો. એમની ગાયન કળાથી શ્રીહરિ પ્રસન્ન થઈને સાથે જ રાખતા અને દીક્ષિત કરેલા.
- ‘પ્રેમસખી પ્રેમાનંદ’ નામના મહાનિબંધમાં ડૉ. હરિપ્રસાદ ઠક્કરને પ્રાપ્ત થયેલી પ્રેમાનંદ સ્વામીના ચરિત્ર સંદર્ભની દંતકથાઓ (પૃષ્ઠાંક 635 થી 638) પર સમાવિષ્ટ કરી છે, તે પ્રેમાનંદસ્વામીના ચરિત્રની અનોખી વિગતો જાળવતી હોઈને એને અવલોકીએ.
આ પણ વાંચો…ભજનનો પ્રસાદ :વિવિધ સાહિત્ય કૃતિઓના સર્જક નિષ્કુળાનંદ પ્રેમભક્તિભાવનાં પદોમાં ભારે સંયમ સાથે શૃંગાર…
4:1 પ્રેમાનંદના બ્રાહ્મણ માતા-પિતા, તીર્થાટન કરતાં કરતાં અમદાવાદ આવેલા. યાત્રા દરમ્યાન જ પ્રસૂતિ થતાં પુત્રરત્ન પ્રાપ્ત થયેલું. અહીં અકસ્માતે બંને મૃત્યુ પામ્યા. નિરાધાર શિશુ દરિયાખાનના ઘૂમટ આગળથી એક ફકીરને હાથ લાગ્યું. એનો ઉછેર કર્યો તે પ્રેમાનંદ સ્વામી.
સૌરાષ્ટ્રના જેતપુર ગામના બુવા ડોસા નામના મુસ્લિમ ફકીર પાસે રહીને આ છોકરો મોટો થયો. એ ગામે સહજાનંદ સ્વામી પધાર્યા. આ છોકરો એમના વ્યક્તિત્વથી આકર્ષાઈને એમના શરણે ગયો. ફકીરે ઘણાં ઉપાયો કર્યા પણ છોકરો માન્યો નહીં, આથી ફકીરે એને સહજાનંદ સ્વામી સાથે રહેવાની સંમતિ આપી.
4:2 બીજી એક દંતકથાનુસાર પ્રેમાનંદના માબાપ પૈસે ટકે સુખી હતા. પરંતુ પતિને પત્નીના ચારિત્ર્ય વિશે શંકા પડતા સગર્ભાવસ્થામાં જ એને ત્યાગી. માતાએ બાળકને જન્મ આપીને નિરાધાર ત્યજી દીધો. તરગાળા કુટુંબમાં બાળકનો ઉછેર થયો. અહીં ગાયન, વાદન અને નર્તન શીખવાનું બન્યું.
4:3 પ્રેમાનંદ સ્વામીને કોઈ પૂર્વાશ્રમના તરગાળા, કોઈ ગાંધર્વ કહે છે અને કોઈ ઉત્તર ભારતના માને છે.
- પ્રેમાનંદના ચરિત્ર વિશે બીજી એક જુદી વિગત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત પુરાણી સ્વામીશ્રી હરિસ્વરૂપદાસજીએ ‘પ્રેમાનંદ કાવ્ય’ પ્રથમ ભાગની ઈ.સ. 1993માં બીજી આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે ‘પ્રેમાનંદ સ્વામીનું જીવનવૃત્તાંત’ એવા શીર્ષકથી એમાં આલેખેલ છે. તે વિગતો પણ અવલોકીએ.
5 : 1 ખંભાતની નજીક સેવલ નામના ગામમાં સેવકરામ નામે એક બ્રાહ્મણ રહેતો. તેની પત્નીનું નામ સુનંદા હતું. સુનંદા ગર્ભવતી બની અને પુત્રને જન્મ આપ્યો. સેવકરામ શંકાશીલ હોઈને. આ બાળકનો પિતા હું નથી એવા કુવિચારને કારણે બાળકને એક મસ્જિદ આગળ મૂકી આવ્યા. એક મુસ્લિમ ત્યાંથી પસાર થયો અને ત્યજાયેલા બાળકને ખુદાની ભેટ માનીને પોતાને ઘેર લઈ જઈને ઉછેર કર્યો. એનું નામકરણ હાથી કર્યું. થોડા વર્ષોમાં પ્લેગના રોગથી આકસ્મિક પાલક માતા-પિતાનું બન્નેનું મૃત્યુ થયું. બાળક પુન: નિરાધાર થયો. એના મામા ડોસાભાઈએ આ બાળક હાથીને ઉછેર સાથે સંગીત ગાનમાં એને ઉત્તેજન આપ્યું. પછી વધુ અભ્યાસ માટે વડોદરા મોકલ્યો. સંગીતમાં ઉસ્તાદ થઈને પુન: અમદાવાદ આવ્યો. હાથીને લઈને મામા ડોસાભાઈ ગઢડા દર્શને આવ્યા. હાથીના ગાયન વાદનથી પ્રસન્ન થયા અને ડોસાભાઈને પૃચ્છા કરી કે આ કોણ છે ?
ડોસાભાઈ કહે મારો ભાણેજ છે. એના મા-બાપ એને નાનકડો મૂકીને જ ગુજરી ગયા. મેં ઉછેર કરીને મોટો કરીને સંગીતમાં ઉસ્તાદ બનાવ્યો છે.
આ પણ વાંચો,….ભજનનો પ્રસાદ : નિષ્કુળાનંદસ્વામી : વૈરાગ્યભાવ અને ભક્તિતત્ત્વના તર્કબદ્ધ સર્જક
શ્રીહરિએ હસીને કહૃાું ‘હવે અમે એને સંભાળીશું. તમે એને અહીં મૂકી જાઓ.’ ડોસાભાઈને તો મહારાજની પ્રસન્નતા એ જ એના જીવનની સાર્થકતા હોઈને હાથીને મહારાજની સેવામાં મૂક્યો. મહારાજે હાથીને દીક્ષા આપી. ‘પ્રેમાનંદ’ નામકરણથી સાથે રાખ્યા. ગાયન વાદન અને કીર્તિન સર્જનમાં રત રહી તેઓ અહર્નિશ મહારાજની સેવામાં જ મગ્ન રહેતા.
5:2 એક દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઢોલિયા પર બિરાજીને સત્સંગ કરાવતા ત્યારે એક બ્રાહ્મણ સેવકરામ અને સુનંદાનામના દંપતી શ્રીજી મહારાજના દર્શને આવ્યા. ખંભાતથી પાવાગઢ દ્વારિકાની યાત્રા કરીને દર્શને આવેલા.
(ક્રમશ:)