એકસ્ટ્રા અફેર: કાશ્મીર-પંજાબના આતંકવાદ માટે પણ અમેરિકા જવાબદાર?

-ભરત ભારદ્વાજ
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાને આતંકવાદને પોષ્યો હોવાની કબૂલાત કરી હતી. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ પણ પાકિસ્તાને આતંકવાદને ઉછેર્યો હોવાની કબૂલાત કરી છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફે ગયા અઠવાડિયે બ્રિટિશ અખબાર ધ સ્કાયને આપેલા ઈન્ટરવ્યૂમાં આતંકવાદીઓને મદદ કર્યાનું સ્વીકાર્યું હતું. બ્રિટિશ એન્કર યાલ્દા હાકિમે સવાલ કરેલો કે, પાકિસ્તાન આતંકવાદી જૂથોની પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે? આસિફે નિખલાસ કબૂલાત કરીને સ્વીકારેલું કે, પાકિસ્તાન છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓને ટેકો અને તાલીમ આપી રહ્યું છે અને પાકિસ્તાન અમેરિકા અને પશ્ર્ચિમી દેશો માટે આ ‘ગંદાં કામ’ કરી રહ્યુ છે.
આસિફે દાવો કરેલો કે, વિશ્વની મહાસત્તાઓએ પાકિસ્તાનનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો છે. આસિફે દાવો કરેલો કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં જોડાયું ન હોત અને અમેરિકામાં અલ કાયદાએ દ્વારા નાઈન ઈલેવનના હુમલા પછી જે પરિસ્થિતિઓ ઊભી થઈ તે ઊભી ન થઈ હોત તો પાકિસ્તાનનો રેકોર્ડ એકદમ ક્લીન હોત. ખ્વાજા આસિફે એ પણ પણ સ્વીકાર્યું હતું કે આતંકવાદીઓને ટેકો આપવો કે તાલીમ આપવી એ એક મોટી ભૂલ હતી અને અમે તેની સજા ભોગવી રહ્યા છીએ.
હવે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા બિલાવલ ભુટ્ટોએ સ્વીકાર્યું છે કે, પાકિસ્તાને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો સાથે મળીને આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન આપ્યું છે. આ પાકિસ્તાનનો ઇતિહાસ છે અને તે કોઈથી છુપાયેલો નથી. તેના કારણે પાકિસ્તાનને પણ નુકસાન થયું છે અને અમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઘણા સુધારા કર્યા છે.
આસિફ અને બિલાવલે આતંકવાદ મુદ્દે કરેલી કબૂલાત હાસ્યાસ્પદ છે કેમ કે આ તો ઉઘાડો ઈતિહાસ છે અને આખી દુનિયા જાણે છે. પાકિસ્તાન દુનિયામાં આતંકવાદનું પાલનહાર છે એવું માત્ર ભારત નથી કહેતું પણ દુનિયાના ઘણા દેશો કહે છે.
અફઘાનિસ્તાન અને ભારત જેવા પાકિસ્તાનના પાડોશી દેશો તો આ વાત કરે જ છે પણ અમેરિકા અને બ્રિટન જેવા દેશો પણ આ જ વાત કરે છે. પશ્ચિમનું મીડિયા તો ખુલ્લેઆમ પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ માને છે. તેમના મતે દુનિયામાં આતંકવાદને સૌથી વધારે પોષતો દેશ પાકિસ્તાન છે. પાકિસતાન માટે ‘મોસ્ટ એક્ટિવ સ્પોન્સર ઓફ ટેરરિઝમ’ એવા શબ્દો એ લોકો વાપરે છે.
બીજી હાસ્યાસ્પદ વાત એ છે કે, પાકિસ્તાનના શાસકો પોતે કરેલાં કુકર્મો માટે બીજાં પર દોષારોપણ કરી રહ્યા છે. અમેરિકા અને પશ્ર્ચિમના દેશોએ પાકિસ્તાનનો ઉપયોગ કર્યો એ વાત સાચી પણ પાકિસ્તાને પોતાનો ઉપયોગ કેમ થવા દીધો ? બીજું એ કે, બિલાવલ અને આસિફે પોતે સત્તામાં હોવા છતાં કેમ કદી આ આતંકવાદને ખતમ કરવા માટે પ્રયત્ન ના કર્યો ?
દુનિયામાં 200 કરતાં વધારે દેશો છે. આ પૈકી ગણ્યાગાંઠ્યા દેશોની છાપ આતંકવાદના પોષક તરીકેની છે. પાકિસ્તાન આ યાદીમાં મોખરે છે તેનું કારણ શું ? તેનું કારણ એ કે, પાકિસ્તાનના શાસકોને જ આતંકવાદના પોષક તરીકે રસ હતો.
અમેરિકા તથા પશ્ર્ચિમના દેશોને તેમણે લાલ જાજમ પાથરીને નોંતર્યા અને દુનિયાભરના આતંકવાદીઓને બોલાવીને બંનેનો ભેટો કરાવ્યો. તેના બદલામાં પાકિસ્તાને અમેરિકા તથા પશ્ર્ચિમના દેશો પાસેથી લખલૂટ નાણાં લીધાં અને ધનિક બન્યા. પાકિસ્તાનીઓએ અમેરિકાનાં નાણાં લઈને પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદને પોષવા માટે કરવા દીધો તેથી પાકિસ્તાન આતંકવાદનું પોષક બન્યું છે. બિલાવલ અને આસિફ તેની વાત કરતા નથી ને પરાણે અમેરિકાએ તેમની પાસે આતંકવાદને ઉછેરાવ્યો હોય એમ રોદણાં રડવા બેસી ગયા છે.
આસિફે સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાન પર કરેલા આક્રમણનો ઉલ્લેખ કર્યો છે. આ આક્રમણના કારણે દુનિયાભરના આતંકવાદીઓ પાકિસ્તાનમાં ઠલવાયા એ વાત સાચી છે. સોવિયેત રશિયાએ 1980ના દાયકામાં અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો ત્યારે અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે કોલ્ડ વોર ચરમસીમા પર હતું, રશિયાએ પોતાની કઠપૂતળી જેવી સામ્યવાદી સરકારની સત્તા ટકાવી રાખવા માટે અફઘાનિસ્તાનમાં પોતાનું લશ્કર મોકલ્યું એ અમેરિકાના પેટમાં દુ:ખ્યું હતું.
અમેરિકાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ રશિયન લશ્કરને અફઘાનિસ્તાનમાંથી હટાવવા બિડું ઝડપ્યું. સાઉદી અરેબિયાના શાહી પરિવારનો સાથ મળ્યો ને આખી દુનિયાને ભરડામાં લેનારો આતંકવાદનો રાક્ષસ પેદા થયો. સોવિયત લશ્કરને પરેશાન કરવા અમેરિકાએ આખી દુનિયાના આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં ખડક્યા. પાકિસ્તાન સરકારે પોતાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને તેમને મદદ કરવાના કામે લગાડ્યા.
અમેરિકા અને સાઉદીએ આ મુસ્લિમ આતંકીઓને તન,મન, ધનથી મદદ કરેલી ને એ બધા મુઝાહિદ્દીન કહેવાતા. આ મુઝાહિદ્દીનો માટે પાકિસ્તાનની આઈએસઆઈ કેમ્પ ચલાવતી. પાકિસ્તાની યુવકોને રશિયા સામે લડવા ભરતી કરાતા. અમેરિકાના ઈશારે એ લોકો સોવિયેત રશિયા સામે લડતા. ઓસામા બિન લાદેનથી માંડીને ઝકી ઉર રહેમાન લખવી સુધીના આતંકીઓ આ જંગમાં સામેલ હતા.
અમેરિકાએ આ બધા આતંકવાદીઓને તેમણે કદી ના જોયાં હોય એવાં અત્યાધુનિક હથિયારો આપ્યાં. એશથી રહી શકાય તેવી સગવડો આપી. આ આતંકવાદીઓ રશિયાના લશ્કર સામે લડવા પાકિસ્તાની અને અફઘાન છોકરાઓને મોકલતા ને પોતે પાકિસ્તાનમાં પડ્યા રહીને મજા કરતા. આ ઈતિહાસ છે ને તેને કોઈ નકારી શકે તેમ નથી. આસિફ કે બિલાવલે ના કહ્યું હોત તો પણ આખી દુનિયા આ વાત જાણે છે તેથી આ કબૂલાતનો મતલબ નથી.
અમેરિકા અને પશ્ર્ચિમના દેશોના કારણે પાકિસ્તાનમાં આતંકવાદ પોષાયો એ વાત સ્વીકારીએ તો પણ જમ્મુ અને કાશ્મીરનો આતંકવાદ કે ભારતના બીજા ભાગોમાં ફેલાયેલો આતંકવાદ તો અમેરિકાની દેન નથી ને ? પાકિસ્તાનના પીઠ્ઠુ આતંકવાદીઓએ કાશ્મીરમાં તો કાળો કેર વર્તાવેલો જ છે પણ કાશ્મીરની બહાર પણ આતંકવાદ ફેલાવ્યો છે. મુંબઈ, બેંગલૂરુ, કોલકાતા, દિલ્હી, અમદાવાદ, જયપુર સહિતનું કોઈ એવું મોટું શહેર બાકી નથી કે જ્યાં આતંકવાદની ઘટનાઓ ના બની હોય અને નિર્દોષોનાં લોહી ના રેડાયાં હોય. કાશ્મીરમાં તો છેલ્લાં 50 વર્ષથી આતંકવાદ છે અને તેના કારણે લોકો શાંતિથી જીવી પણ શકતાં નથી.
કાશ્મીરના આતંકવાદને અમેરિકા સાથે કોઈ લેવાદેવા નથી કેમ કે રશિયાના અફઘાનિસ્તાનમાં આક્રમણ પહેલાં જ પાકિસ્તાને આ આતંકવાદ શરૂ કરી દીધેલો. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ લટકાવી દીધા પછી પાકિસ્તાનમાં સત્તા પર આવેલા ઝિયા ઉલ હકે કાશ્મીર અને પંજાબ એમ બે બાજુ આતંકવાદ શરૂ કરાવીને ભારતીયોનું જીવવું હરામ કરી નાંખેલું. બિલાવલ કે આસિફ કે બીજો કોઈ પણ પાકિસ્તાની નેતા આ આતંકવાદ માટે પાકિસ્તાન જ જવાબદાર છે એવું સ્વીકારશે?
આપણ વાંચો : એકસ્ટ્રા અફેર: મસૂદની વાત સાચી, 10 દિવસ માંસ નહીં ખાવાથી ઘસાઈ નથી જવાના