ગાંધીધામમાં કિશોરીની સતામણીનો કિસ્સો ફરી નોંધાયોઃ ક્યારે અટકશે આવા ગુનાઓ…

ભુજઃ સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના ઉપયોગ પ્રત્યે આજે જયારે દરેક ઉંમરના લોકોએ સાવધાની રાખવી આવશ્યક બની છે ત્યારે પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાંથી વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક કિશોરીના આપત્તિજનક ફોટાને વાયરલ કરવાની ધમકી આપી, નાણાં પડાવી નરાધમ યુવકે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ પહેલો કિસ્સો નથી. આવા કિસ્સાઓ બનતા રહે છે અને ઘણા કેસમાં આરોપીને સખત સજા પણ થાય છે, પરંતુ આરોપીઓની સાન ઠેકાણે આવતી નથી.
આરોપી મોહમદ હનીફ અબ્દુલ રાયમા (રહે. જૂની સુંદરપુરી ઈમામ ચોક, ગાંધીધામ)એ પોતાના ફોનમાં પડેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી ૧૭ વર્ષીય કિશોરી ઉપર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું ઓછું હોય તેમ આ નરાધમે કિશોર વયની પીડિતાને ઢોરમાર માર મારીને બળજબરીપૂર્વક રૂા. ૧૦ હજાર પડાવી લીધા હતા.
આ હીન કૃત્ય કરનારા આરોપીએ વધુ ૭૫ હજારની માગણી કરી હતી. આ નાણાં નહીં આપે, તો દીકરીની સગાઈ તોડાવી નાખવા તથા પરિવારના અન્ય સભ્યોના મોબાઈલ ફોન ઉપર દીકરીના ફોટો વાયરલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ શખ્સે ફરિયાદીના જમાઈને પણ ફોટો મોકલી સગાઈ તોડાવી તેમજ પોતાની ફેસબુક આઈડી ઉપર પણ તસવીરો વાયરલ કરવા સહિતનું કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.