ઉત્સવ

આજે આટલું જ : શાયરનું સ્મારક

-શોભિત દેસાઈ

મારા હિસાબે લગભગ 1952માં, મારાં પ્રેરણાદાયક મહાશાયર બરકત વિરાણી બેફામ દ્વારા આજની આ નઝમ આ જ શીર્ષક સાથે આવી. ગુરુ દત્તનું અજરામર ‘પ્યાસા’ આવ્યું 1957માં. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોઈ પણ ભાષામાંથી ઉઠાંતરીબાજી માટે નામચીન છે અને એને એનો કોઈ હરખશોક પણ નથી.

એ બધાને નાખીએ ચૂલે અને આજે ગુજરાતીની અલ્પપ્રસિદ્ધતમ અને સિદ્ધતમ કવિતાથી છાકટા થઈએ.

શાયરનું સ્મારક
બહુ દુ:ખ થાય છે મારો પરિચય આપતાં પહેલાં
કે હું અત્યારના યુગનો અતિ કંગાલ શાયર છું;
રહ્યો તો છું સદા મહેમાન થઈને ઝિન્દગાનીનો,
છતાં લાગ્યા કર્યું છે – મોતનો જાણે મુસાફર છું.

હું આ સંસારમાં સહેતો રહ્યો છું નર્કની પીડા,
છતાં સંસારને મેં સ્વર્ગના સંદેશ આપ્યા છે;
ભલે મુજથી થયું ના શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન,
મગર મેં સૃષ્ટિને અસ્તિત્વના અવશેષ આપ્યા છે.
વિચારો મેળવ્યા છે મેં કદી સૂકા જીવનમાંથી,
બનાવી છે કદી બળતા હૃદયમાંથી કવિતાઓ;
કદી હું રણ ઉપરથી વાદળાઓ લઈને વરસ્યો છું,
વહાવી છે કદી જ્વાળામુખીમાંથી સરિતાઓ.

રૂપાળી કોઈ આંખો સાથે આખો પણ મિલાવીને,
મહોબ્બતના જગતમાં દિલથી દીવાનો બન્યો છું હું;
શમાની જેમ જીવન તેજ આપ્યું છે મને જેણે,
મરું એને જ માટે એનો પરવાનો બન્યો છું હું.

ભ્રમર ન્હોતું થવું ને ફૂલમાં વસવું હતું મારે,
ફક્ત એથી જ દિલમાં કંટકોએ દવ લગાવ્યો છે;
કમળની જેમ નિર્મળ થઈને હું વર્તો હતો જગમાં,
જમાનાએ જીવનમાં એટલે કાદવ લગાવ્યો છે.

સમયને હાથે મનના મહેલને ખંડેર બનવા દઈ,
મેં યુગને ચીતરી આપ્યો છે નકશો ભવ્ય જીવતરનો;
મનુષ્યોએ રુંધ્યા છે જો કે મારા માર્ગ દુનિયાના,
મનુષ્યોને છતાં મેં દાખવ્યો છે માર્ગ ઈશ્ર્વરનો.

જીવનમાં સ્વપ્નનું યે સુખ નથી મેં ભોગવ્યું તોયે,
જગતના કંઈક મનના અંધને મેં આંખ આપી છે;
સ્થિતિની જાળ ને સંજોગના પિંજરમાં રહીને પણ,
પુરાયેલા ઘણા યે પ્રાણને મેં પાંખ આપી છે.

વદન મેં અન્યના ધોયાં છે મારા નેન-અશ્રુથી,
દરદ ઝીલીને દુનિયાનાં, દિલાસો થઈ રહ્યો છું હું;
ભૂખ્યા પેટે રચ્યાં છે કાવ્યો મેં રમણીય ખેતરનાં,
ઝરણનાં ગીત ગાયાં ને પ્યાસો, થઈ રહ્યો છું હું.
હું જાણું છું કે મારી આ દીપક જેવી કલા ખાતર,
ઝળકતી નામના જેવી મને કીર્તિ મળી ગઈ છે;
રહી ગઈ છે મગર અંધકારમાં મારી હકીકત આ,
કે જગને તેજ દેતાં જિંદગી મારી બળી ગઈ છે.

ચૂસી અમૃત જીવનમાં ઝેર રેડ્યું છે જમાનાએ,
હૃદયમાં ત્યારથી મેં આરઝૂની લાશ રાખી છે;
છતાં મૃત્યુ પછીના સુખ અને સગવડની લાલચમાં,
વસિય્યતને રૂપે મેં જીવતી એક આશ રાખી છે.

સુણ્યું છે કે કવિઓની પ્રતિષ્ઠા હોય છે સારી,
ગમે તે કાળ હો, એની પ્રતિભાની અસર રહે છે;
વગર મોતે મરે છે, એ ભલે ભૂખ્યા દુખ્યા રહીને,
છતાંયે જિંદગીની બાદ પણ શાયર અમર રહે છે.

જગત-વ્યવહારમાં હું તો વિરોધાભાસ ભાળું છું,
રહે ના પાત્ર એ વખતે જગત નાટક બનાવે છે;
કવિઓના જીવનને સર્વદા સંહારતાં રહીને,
કરે છે મૃત્યુનું સર્જન, પછી સ્મારક બનાવે છે.

કવિનો પ્રાણ લઈ ધરતીની માટીમાં મિલાવીને,
કવિના દેહને પાષાણમાં આકાર આપે છે;
કે છે જે ફૂલ સમો, એની પીસી નાખે છે પથ્થરથી,
બનાવી એને પથ્થરનો, પછી ફૂલહાર આપે છે.

પ્રતિમાના એ પથ્થરને પૂજે છે લોક એ રીતે,
કોઈ માને છે હીરો, કોઈ પારસ પણ ગણી લે છે;
કવનની સાથ રસ લે છે વીતેલા એના જીવનમાં,
કવિ ઉપરાંત એને લોક માણસ પણ ગણી લે છે.

કૃપા થાશે, મને પણ એમ જો માણસ ગણી લેશો,
ભલે એથી વધારે નોંધ કંઈ લેશો નહીં કોઈ;
મગર હરો નહીં જગ-મુક્ત મારા પ્રાણની શાંતિ,
મરણને છેતરીને નવજીવન દેશો નહીં કોઈ.

કરી પથ્થર હૃદયને દર્દ જીવનનું સહ્યું છે મેં,
ફરી પથ્થર બની દુનિયાનું દુ:ખ સહેવું નથી મારે;
જીવનનું મૌન જો મૃત્યુ પછી પણ રહેતું હો કાયમ,
તો આ દુનિયાની મહેફિલમાં અમર રહેવું નથી મારે.

છતાંયે જો અમર રાખો તો મારી એક વિનંતી છે,
જીવનમાં સાંપડ્યાં ન્હોતાં એ સાધન આપતાં રહેજો;
કે મારી જેમ મારું બાવલું વલખે નહીં, એથી-
સદા થોડુંક ધન, થોડુંક ભોજન આપતાં રહેજો.

આજે આટલું જ

આ પણ વાંચો….આજે આટલું જ : એક કરોડ રૂપિયાની શોભિતકુલની રીત -તમારા ચહેરાનું સ્મિત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button