હેં… ખરેખર?! : પાંચ મણની હાથણીને થઇ ફાંસીની સજા!

-પ્રફુલ શાહ
માનવી જાણતા-અજાણતા ન જાણે કેટલાં પશુ-પંખીને ભોજન, શોખ, રમત કે મસ્તી ખાતર ક્રૂરતાથી મારી નાખે છે પણ કયારેય કોઇને સજા થયાનું સાંભળ્યું નથી, પરંતુ માનવીના મોત માટે પાંચ ટનના હાથીને ફાંસીએ લટકાવાયાની ઘટના ઇતિહાસમાં દફન છે. અને પછી આ અબોલ પ્રાણીને સજા-એ-મોત કોઇ ત્રીજા વિશ્વના કે પછાત દેશમાં નહીં, અમેરિકામાં થઇ હતી.
‘મર્ડર્સ મેરી’ તરીકે વગોવાયેલી આ હાથણી ખરેખર ખૂબ મોટી સ્ટાર હતી. એકદમ લોકપ્રિય હતી અને એના માલિકને મબલખ કમાણી ય કરાવતી હતી. વાત કરીએ થોડી માંડીને.
એશિયન હાથણી (જન્મ 1894, મૃત્યુ 13 સપ્ટેમ્બર 1916) મેરીનું વજન અંદાજે પાંચ ટન (ચોક્કસ વજન 4500 કિલો) અને ઊંચાઇ 11 ફૂટ-ને ત્રણ ઇંચ અમેરિકાના ટેનેસીમાં ચાર્લી સ્પાર્ક નામનો માણસ ‘સ્પાર્કસ વર્લ્ડ ફેમસ શૉ’ નામનું સર્કસ ચલાવતો હતો. આ સર્કસમાં અન્ય પ્રાણીઓ સાથે કદાવર મેરી પણ ખરી. હકીકતમાં તો મેરી સર્કસનું મુખ્ય આકર્ષણ હતી. હાથી, ઘોડા, સિંહ, જોકર અને અજબ-ગજબ કસબથી સર્કસ એકદમ સફળ હતું અને જોરદાર ધંધો કરતું હતું.
સર્કસની જાહેરખબરમાં મેરીને ‘ધ લાર્જેસ્ટ લિવિંગ લેન્ડ એનિમલ ઓન અર્થ’ તરીકે પ્રચારિત કરી હતી. સાથોસાથ લખાતું હતું કે ‘મેરી વજનમાં પાંચ ટન અને જમ્બોથી ત્રણ ઇંચ ઊંચી છે.’ આ જમ્બો એટલે હરીફ સર્કસનાં હાથી. મેરીની વિશિષ્ટતા એ હતી કે તે મ્યુઝિકલ હોર્ન્સ પર 25 ટયુન્સ વગાડી શકતી હતી અને એ પણ એકેય ભૂલ વગર. મેરીની આ મ્યુઝિક્લ ટેલેન્ટ સૌને મંત્રમુગ્ધ કરી મૂકતી હતી. હકીકતમાં ગ્રામીણ પ્રજા એની સૂરીલી આવડત કરતાં વિશાળ કદથી અચંબિત થઇ જતી હતી. ટૂંકમાં, સર્કસ માટે મેરી સ્ટાર હતી, ખરેખર બિગ સુપર સ્ટાર.
આ પણ વાંચો….હેં… ખરેખર?! : વિશ્વની સૌથી મોટા પક્ષીની પ્રતિમા ભારતના કેરળમાં છે…
પરંતુ 1916ની 11મી સપ્ટેમ્બરની નિયતિ મેરી માટે કંઇક અણધાર્યું જ લાવવાની હતી. એ દિવસે સેંટ પોલના એક નાનકડા ખાણોના નગરમાં સર્કસનો શો હતો. યોગાનુયોગ એ જ દિવસે સ્થાનિક હોટલના દરવાન વૉલ્ટર એલ્ડ્રીજે હાથીના મહાવત પોલ જેકોબીને સહાયક તરીકે રાખી લેવાની વિનંતી કરી. વૉલ્ટર પાસે કામનો જરાય અનુભવ નહોતો. છતાં પોલે એને નોકરી પર રાખી લીધો. હવે વૉલ્ટર એલ્ડ્રીજને માથે હાથીઓને નવડાવવા, પાણી આપવા અને સર્કસના કરતબ માટે તૈયાર કરવાની જવાબદારી આવી ગઇ.
બે શૉ વચ્ચે વૉલ્ટર એલ્ડ્રીજ હાથીઓને પાણી ભરેલા ખાડા ભણી લઇ જતો હતો. એલ્ડ્રીજે હાથમાં ભેંસને હાકવાની લાકડી રાખી હતી. જેના છેડા પર લોખંડનું હૂક હતું. એલ્ડ્રીજને સાવધ કરાયો હતો કે મેરી સાથે હળવાશ-નજાકત કામ લેવું અને એ ઉશ્કેરાઇ એવું ન જ કરવું, પરંતુ એલ્ડ્રીજે ન જાણે કેવી ભૂલ કરી કે પછી મેરીથી નવા માણસની હાજરી સહન ન થઇ.
મેરીએ અચાનક સૂંઢથી વૉલ્ટર એલ્ડ્રીજને દસ ફૂટ ઊંચકયો અને પછી ગુસ્સા સાથે જમીન પર પટકયો. ત્યારબાદ રોષમાં પોતાના દંતશૂળ એના શરીરમાં ઘુસાડી દીધા. ત્યારબાદ છુંદાઇ ગયેલા અને મૃતપાય શરીરને ઊંચકીને ટોળા વચ્ચોવચ ફંગોળી દીધું હતું. અલબત્ત, સત્તાવાર નોંધ મુજબ આમ થયાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો….હેં… ખરેખર?! : પૃથ્વી પરનું એકમાત્ર અજરામર જીવ છે હાઇડ્રા!
જોકે આ ઘટનાના એકથી વધુ વર્ઝન બહાર આવ્યા હતા. આની વચ્ચે કયાંક સત્ય હશે. ખરેખર!
નાના નગરનાં અખબારો માટે તો આ મોત સનસનાટીના દાબડા જેવું હતું. એમાં જાતજાતની વાર્તા, અફવા ઉમેરાતી ગઇ કે જે સમયાંતરે લોકવાયકામાં ફેરવાઇ ગઇ.
એક અખબારે વર્ણન કર્યું કે કેવી ભયંકર ક્રૂરતાથી મેરીએ એલ્ડ્રીજના શરીરમાં વારંવાર પોતાના દંત-શૂળ ઘુસાડયા હતા, પણ એશિયન હાથણીને તો દંત-શૂળ હોતા જ નથી. શકયતા એ છે કે એલ્ડ્રીજની ક્રૂરતા કે ઉતાવળથી મેરી ઘવાઇ હશે, ઉશ્કેરાઇ હશે અને આત્યંતિક પગલું ભર્યું હશે, પરંતુ વર્ણનમાં આટલો બધો હકીકત-દોષ શા માટે? મેરીને વધુ ને વધુ ક્રૂર ખલનાયિકા ચિતરવા માટે?
એ ઘટના બાદ ચોમેરથી બૂમાબમૂ ઊઠી કે મેરીને મારી નાખો, કાતિલ મેરીને ખતમ કરો. સર્કસના માલિક માટે સ્થાનિક લાગણી-માગણીનો અસ્વીકાર કરવાનું શકય ન હોય. એને પોતાના જાનમાલ અને જીવની ફિકર હોય. તેમણે મેરીને સજા આપવાનો જરાય વિરોધ ન કર્યો.
તાત્કાલિક સ્થાનિક લુહાર હેન્ચ કોકસે પાંચ ગોળી છોડીને મેરીને મારવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. વાત વાયુવેગે ફેલાવા માંડી. આસપાસના ગામમાંથી ય ધમકી આવી કે જો મેરી હશે તો અમારા ગામમાં સર્કસના શૉ કોઇ સંજોગોમાં કરવા નહીં દઇએ. મેરીને ઝેર આપવાનો પ્રયાસ કર્યો પણ તેણે ધરાર ખાણું ખાવાનો ઇનકાર કરી દીધો.
અંતે સર્કસના માલિક ચાલ સ્પાર્કે પ્રજાના રોષને શાંત પાડવાનો ઉપાય શોધી કાઢયો: ઘાયલ હાથણીને ફાંસી આપવાનો. બીજા દિવસે એટલે કે 13મી સપ્ટેમ્બરે વરસાદ હતો, ધુમ્મસ છવાયેલું હતું છતાં મેરીને ટેનેસીના યુનિકોઇ પરગણા સુધી ટે્રનમાં લઇ જવાઇ.
એ દિવસે કિલન્ચ ફિલ્ડ રેલરોડ યાર્ડમાં ગામનાં બાળકો સહિત 2500 માણસોનું ટોળું વિચિત્ર તમાશો જોવા ભેગું થયું હતું. સાંજે ચારથી પાંચ વાગ્યે ભારે વજન ઊંચકવા માટેના ડેરીક નામના યંત્રને રેલવેના ડબા પર મુકાયું. એના પર મેરીને લટકાવાઇ પણ ચેઇન તૂટી પડતા મેરી પાટા પર પટકાઇ. બિચારીની કરોડરજજુ ભાંગી ગઇ. આટલું ભારે શરીર અચાનક પછાડાયું એના ભયંકર અવાજથી ડરીને બાળકો તો નાસી ગયા, પરંતુ અસહ્ય પીડા ભોગવતી મેરીની
કોઇએ જરાય દયા ન ખાધી. બીજા પ્રયાસમાં મેરીને શાંતિ મળી, કાયમ માટે.
સમયાંતરે આ પરગણું ‘હાથીને ફાંસીએ ચડાવનારા નગર’ તરીકે બદનામ થઇ ગયું: પછીનાં વર્ષોમાં સ્થાનિક આ કલંકને ધોવા માટે મથામણ કરી રહ્યાં છે. હાથીઓના ઉદ્ધાર માટે તેમણે હજારો ડૉલરનું ભંડોળ પણ એકઠું કર્યું હતું.
આ ભયંકર ક્રૂરતાએ અમેરિકન સમાજનો પીછો ન છોડયો. આના પરથી નવલકથાઓ લખાઇ, નાટક ભજવાયા, ગીતો લખાયાં પણ આ બધાથી મેરી તો પાછી ન જ આવે એ સમજી શકાય, પરંતુ શું અમેરિકા કે દુનિયામાં પ્રાણી પ્રત્યે પ્રેમ, સમભાવ કે અનુકંપા વધ્યા? કમનસીબે જવાબ એક જ અક્ષરમાં છે: ના.