પહલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારુંઃ સી આર પાટીલ

સુરતઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે. મોદી સરકાર પાકિસ્તાન પર એક બાદ એક પ્રતિબંધો લગાવી રહી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં એક કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પહલગામ હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી તેઓ કોઈ સન્માન નહીં સ્વીકારે.
સુરતમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સમાં સી આર પાટીલ હાજર રહ્યા હતા. કાર્યક્રમના આયોજકો દ્વારા સન્માન કરતી વખતે તેમણે માનભેર સન્માન સ્વીકારવાની ના પાડી હતી. તેમણે પહલગામમાં બનેલી દુખદ આતંકવાદી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું, જ્યાં સુધી પહલગામના હુમલાનો બદલો નહીં લેવામાં આવે ત્યાં સુધી કોઈ પણ સન્માન સ્વીકારશે નહીં. તેમણે ફક્ત આયોજકો સાથે ગ્રુપ ફોટાઓ પડાવ્યાં હતાં પણ સન્માન સ્વીકાર્યું નહોતું.
ઉલ્લેખનીય કે પહલગામ હુમલાને લઈ સી આર પાટીલ અગાઉ પણ તેમનો રોષ બતાવી ચુક્યા છે. પાકિસ્તાનના રિપબ્લિકન પાર્ટી ઓફ પાકિસ્તાનના સ્થાપર બિલાવલ ભુટ્ટોએ ભારતને ધમકી આપતાં કહ્યું હતું કે, સિંધુ નદીમાંથી કાં તો અમારું પાણી વહેશે અથવા તો ભારતીયોનું લોહી વહેશે. પાટીલે પણ ભુટ્ટોને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો….ચોંકાવનારો ખુલાસો: અધિકારીઓને J&K માં પ્રવાસીઓ પર હુમલો થવાની ગુપ્તચર માહિતી મળી હતી