
ભુવનેશ્વર: ઓડિશાના કટક જિલ્લામાં શનિવારે કાઠજોડી નદી પર એક પુલના નિર્માણ કાર્ય દરમિયાન કોંક્રિટનો સ્લેબ તૂટી પડતાં એક ઇજનેર અને બે મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે માહિતી આપતાં જણાવ્યું કે આ દુર્ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની અહીં એસસીબી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
કટકના પોલીસ ઉપાયુક્ત ખિલારી ઋષિકેશ ધ્યાનદેવે જણાવ્યું કે સ્થાનિક લોકો અને પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમણે ફસાયેલા કામદારોને બચાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે મોટા કોંક્રિટના સ્લેબને ઉઠાવતી વખતે ક્રેનમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે તે મજૂરો અને ઇજનેર પર પડી ગયો હતો.
મુખ્યપ્રધાને આપ્યા તપાસના આદેશ
ડીસીપીએ જણાવ્યું કે આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝીએ આ ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે મંત્રી પૃથ્વીરાજ હરિચંદનને ઘાયલોની મુલાકાત લેવાનો નિર્દેશ પણ આપ્યો છે. મુખ્ય પ્રધાન માઝીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે.
મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયાની સહાય
મુખ્ય પ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાને મૃતકોના પરિજનોને મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી પાંચ લાખ રૂપિયાની સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેમણે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે મફત સારવારની પણ જાહેરાત કરી છે અને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
આપણ વાંચો: કઈંક મોટું થવાનું નક્કી! ભારતે સેના માટે દારૂ – ગોળો બનાવતી ફેક્ટરીના કર્મચારીઓની રજા કરી રદ્દ
સરકાર પર બેદરકારીનો આરોપ
વિપક્ષના નેતા અને બીજુ જનતા દળ (બીજેડી)ના અધ્યક્ષ નવીન પટનાયકે પણ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલ શ્રમિકોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. દરમિયાન, કટકના મેયર અને બીજેડી નેતા સુભાષ સિંહે એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઘાયલ શ્રમિકોની મુલાકાત લીધી હતી અને આરોપ લગાવ્યો હતો કે સરકારની ઘોર બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.