મુંબઈમાં પણ અતિક્રમણો વિરોધી કાર્યવાહીઃ 80 ગેરકાયદે સ્ટ્રક્ચરર્સને હટાવાયાં

મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં બોરીવલી ખાતે ગેરકાયદે અતિક્રમણોને હટાવવા માટે રેલવે પ્રશાસને તાજેતરમાં સક્રિયપણે ઝુંબેશ હાથ ધરી હતી, જે અન્વયે અનેક ગેરકાયદે ઝૂંપડપટ્ટી અને બાંધકામોને હટાવવામાં આવ્યા હોવાનું રેલવેએ જણાવ્યું હતું.
બોરીવલી પૂર્વમાં રેલ્વે સુરક્ષા દળ (RPF), સરકારી રેલવે પોલીસ (GRP) અને મુંબઈ શહેર પોલીસના સંયુક્ત પ્રયાસથી એક મહત્વપૂર્ણ અતિક્રમણ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં ૮૦ અનધિકૃત બાંધકામોને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા હતા. બોરીવલી પૂર્વ બાજુની લગભગ ૪૩ અનધિકૃત ઝૂંપડપટ્ટીઓ દૂર કરવામાં આવી હતી. આ ઝુંબેશ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા પૂર્વ-આયોજિત અભિયાનનો એક ભાગ હતો.
સંબંધિત વસ્તુઓ વિભાગીય ગોડાઉનમાં જમા
એન્જિનિયરિંગ વિભાગના SSE (કામ/જમીન)ની દેખરેખ હેઠળ મજૂરોની મદદથી આ કામ હાથ ધરવામાં આવ્યું હતું. બે મોટા ઝૂંપડામાંથી લોખંડના પતરા અને વાંસ જેવી વસ્તુઓ મળી આવી હતી જેને વર્ક્સ ઇન્સ્પેક્ટર (IOW) દ્વારા વિભાગીય ગોડાઉનમાં જમા કરવામાં આવી હતી.
અતિક્રમણના સફાયા માટે 110 કર્મચારી જોડાયા
પશ્ચિમ રેલવેના અતિક્રમણ વિરોધમાં બોરીવલી પૂર્વ સ્થિત 34/18 કિલોમીટર અને 35/05 કિલોમીટરના અંતરની વચ્ચે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કડક સુરક્ષા વચ્ચે આ કામગીરી શાંતિપૂર્ણ રીતે થઇ હતી. આ ઝુંબેશમાં કુલ ૧૧૦ કર્મચારીઓ જોડાયા હતા, જેમાં આરપીએફ, જીઆરપી, મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સુરક્ષા દળ અને હોમગાર્ડ્સના અધિકારીઓનો સમાવેશ થાય છે. કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ઊભી થઇ નહોતી.
આ અતિક્રમણ વિરોધી ઝુંબેશ રેલવેની જમીનનું રક્ષણ કરવા અને સમગ્ર નેટવર્કમાં રેલવેની સલામતી અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાના ચાલુ પ્રયાસનો એક ભાગ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…કૉંક્રીટીકરણના કામમાં બેદરકારી બદલ સુધરાઈનો સબ-એન્જિનિયર સસ્પેન્ડ…