મેટિની

એકસ્ટ્રા અફેર : કૅનેડામાં કાર્નીની જીત ભારત માટે ફાયદાકારક

-ભરત ભારદ્વાજ

અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલી ટૅરિફ વોર વચ્ચે કેનેડામાં લિબરલ પાર્ટીની જીત થતાં ડોનલ્ડ ટ્રમ્પને વધુ એક ફટકો પડ્યો છે કેમ કે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની ફરી વડા પ્રધાન બનશે. લિબરલ પાર્ટી આ જીત સાથે ચોથી વખત સત્તામાં આવી છે.

લિબરલ પાર્ટીએ સંસદની ચૂંટણીમાં સંસદની 343માંથી 169 બેઠક જીતતાં સ્પષ્ટ બહુમતી નથી મળી પણ 172 બેઠકના બહુમતી આંકડાથી માત્ર 3 બેઠક ઓછી મળી છે તેથી માર્ક કાર્નીની સરકાર આખી ટર્મ પૂરી કરશે એ નક્કી છે.

લિબરલ પાર્ટીની મુખ્ય હરીફ ક્ધઝર્વેટિવ પાર્ટી ફક્ત 144 બેઠક જીતી શકી છે. ક્ધઝર્વેટિવ પાર્ટી માટે ખરાબ વાત એ છે કે, પાર્ટીના નેતા પિયર પોઇલીવરે પોતે લિબરલ પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયા છે તેથી લિબરલ પાર્ટી જોરમાં છે.

આ પરિણામો અમેરિકા અને ખાસ તો ડોનલ્ડ ટ્રમ્પ માટે મોટા ફટકા સમાન છે કેમ કે માર્ક કાર્ની ઘોર અમેરિકા વિરોધી છે. અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની એન્ટ્રી પછી કૅનેડાના તત્કાલિન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને વારંવાર અપમાનિત કરીને તેમને વિદાય થવાની ફરજ પાડી હતી.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : જ્ઞાતિ આધારિત વસતિગણતરી, ભાજપે કેમ ગુલાંટ લગાવી?

ટ્રુડોના સ્થાને ડોનલ્ડ ટ્રમ્પ પોતાની કઠપૂતળી જેવા કોઈને વડા પ્રધાન બનાવવા માગતા હતા પણ લિબરલ પાર્ટીએ માર્ક કાર્નીને પસંદ કરીને ટ્રમ્પને ફટકો મારી દીધેલો.

ટ્રુડોના સ્થાને આવેલી માર્ક કાર્ની પહેલેથી અમેરિકા વિરોધી છે તેથી ટ્રમ્પ ઈચ્છતા હતા કે, માર્ક કાર્ની ચૂંટણીમાં હારી જાય પણ ટ્રમ્પની આ મનસા ફળી નથી. કાર્ની વડા પ્રધાન બન્યા ત્યારે લિબરલ પાર્ટીની જીતની શક્યતાઓ ખૂબ ઓછી હતી.

લોકપ્રિયતા રેટિંગમાં માત્ર 25 ટકા પોઈન્ટ સાથે લિબરલ પાર્ટી ફરી સત્તામાં નહીં આવે એવું લાગતું હતું પણ માર્ક કાર્નીએ અમેરિકા સામે આકરુ વલણ અપનાવીને બાજી પલટી નાંખી.

ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડા પર 25 ટકા ટૅરિફ લાદ્યા તો કાર્નીએ વળતો જવાબ આપીને અમેરિકાના માલ પર 25 ટકા ટૅરિફ લાદી દીધા. કાર્નીએ અમેરિકા સામે જેવા સાથે તેવાની નીતિ અપનાવીને જોરદાર જવાબ આપ્યો તેના કારણે કૅનેડાની પ્રજા તેમના પર વારી ગઈ અને તેમને ફરી સત્તા સોંપી દીધી.

માર્ક કાર્નીએ એ જ આકરા તેવર ચાલુ રાખ્યા છે અને પોતાની જીત પછીના પોતાના પહેલા ભાષણમાં કાર્નીએ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કૅનેડાના સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરી દીધી. કાર્નીએ એલાન કર્યું કે અમેરિકાએ દગો આપ્યો છે અને કૅનેડા આ વાત ક્યારેય ભૂલશે નહીં.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : આતંકવાદ સામે લડવા હિંદુઓએ યહૂદીઓની જેમ લડાયક બનવું પડે

અમેરિકા સાથેના આપણા જૂના સંબંધો એકતા પર આધારિત હતા પણ હવે સમાપ્ત થઈ ગયા છે. બીજા વિશ્વયુદ્ધથી કૅનેડા અમેરિકા પર આધાર રાખતું આવ્યું છે અમેરિકાએ આપણા દેશને ઘણા વર્ષો સુધી સમૃદ્ધિ આપી હતી પણ હવે યુએસની વૈશ્વિક વેપાર નીતિ બદલાઈ રહી છે તેથી આપણી સામે નવી વાસ્તવિકતા છે. અમેરિકાના વિશ્વાસઘાતના આઘાતમાંથી આપણે બહાર આવી ગયા છીએ પણ આપણે આ પાઠ ક્યારેય ભૂલવો જોઈએ નહીં.

કાર્નીના પ્રવચન પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે, કૅનેડા હવે અમેરિકા પર નિર્ભર રહેવાની નીતિ છોડીને આગળ વધી રહ્યું છે. કૅનેડા માટે તો આ સારો સંકેત છે જ પણ ભારત માટે પણ આ સારો સંકેત છે કેમ કે કાર્ની વડા પ્રધાન બન્યા પછી તેમણે ભારત સાથેના સંબંધો સારા રાખવાની તરફેણ કરી હતી.

કાર્નીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ સતત કહેલું કે, હું ફરી સત્તામાં આવીશ તો ભારત સાથેના સંબંધો ફરી મજબૂત કરીશ. કાર્નીએ અમેરિકા સાથેના સંબંધો મર્યાદિત કરવાનો સંકેત આપીને કહેલું કે, કૅનેડા હવે પોતાના વ્યાપારી સંબંધોમાં વિવિધતા લાવવા માગે છે અને પોતાના જેવી માનસિકતા ધરાવતા દેશો સાથે પોતાના વ્યાપારી સંબંધો મજબૂત કરવા માગે છે. કાર્નીએ અમેરિકા ભારતને પોતાના માલ પર ટૅરિફ ઓછો કરવા માટે દબાણ કર્યા કરે છે એ સંદર્ભમાં કાર્નીએ કહેલું કે, ભારત સાથેના સંબંધો ફરી મજબૂત કરવાની પુષ્કળ તકો છે.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : માનસરોવર યાત્રાને મંજૂરી: લાલો લાભ વિના લોટે નહીં

કાર્ની ફરી પ્રમુખ બનતાં પોતાનું વચન પાળશે એવી આશા રાખી શકાય. કાર્ની એ વચન પાળી શકે તેમ પણ છે કેમ કે કાર્ની ભારતના અર્થતંત્રને સારી રીતે સમજે છે. કાર્ની પહેલાં બ્રુક્સફિલ્ડ એસેટ મેનેજમેન્ટમાં કામ કરી ચૂક્યા છે. બ્રુક્સફિલ્ડનું ભારતમાં રીયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રીન્યુએલ એનર્જી, પ્રાઈવેટ ઈક્વિટી વગેરે ક્ષેત્રોમાં લગભગ 30 અબજ ડૉલરનું રોકાણ છે અને બ્રુક્સફિલ્ડને ભારતમાં અલગ અલગ સેક્ટરમાં મોટા ભાગનું રોકાણ કાર્નીએ કરાવેલું.

તેના કારણે ભારતમાં કરેલું રોકાણ ઉગી નિકળે છે અને ભારતમાં કમાણીની પુષ્કળ તકો છે તેનો તેમને પાકો અનુભવ છે. કૅનેડા-ભારતના સંબંધો મજબૂત થાય તો કૅનેડાને ભારે ફાયદો થશે તેની તેમને બરાબર ખબર છે તેથી કાર્ની ભારતને માટે ફાયદાકારક સાબિત થશે તેમાં શંકા નથી.

ભારત માટે એક સારી વાત પાછી ખાલિસ્તાનવાદીઓને મળેલી પછડાટ છે. ખાલિસ્તાનવાદીઓને પંપાળતી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (ગઉઙ) ખરાબ રીતે હારી ગઈ છે. પાર્ટી પોતાનો રાષ્ટ્રીય પક્ષનો દરજજો પણ ગુમાવી શકે છે, કારણ કે રાષ્ટ્રીય પક્ષ બનવા માટે ઓછામાં ઓછી 12 બેઠકો જીતવી જરૂરી છે. ખાલિસ્તાનવાદી નેતાઓ માટે આ કારમી પછડાટ છે.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : હિંદુઓની એકતા અને મરદાના મિજાજ આતંકવાદનો ખાતમો કરી શકે

વધારે મોટી પછડાટ એ છે કે, ખાલિસ્તાનની માગણીનો સમર્થક અને અગ્રણી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (ગઉઙ)નો નેતા જગમીત સિંહ પોતે પોતાની બેઠક હારી ગયો છે. જગમીત બ્રિટિશ કોલંબિયાના બર્નાબી સેન્ટ્રલની બેઠક પર લિબરલ ઉમેદવાર વેડ ચાંગ સામે હારી ગયો. હાર્યા પછી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડેલા જગમીતે બહુ નાટક કર્યાં પણ મતદારોએ તેને પાઠ ભણાવી દીધો છે.

જસ્ટિન ટ્રુડોએ હળાહળ ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું કેમ કે ખાલિસ્તાનવાદીઓના ટેકાથી તેમની પાર્ટી ટકેલી હતી. 2021ની ફેડરલ ચૂંટણીમાં એનડીપીએએ 25 બેઠકો જીતી તેથી કેનેડાની લોકસભા જેવી હાઉસ ઓફ કોમન્સમાં ચોથો સૌથી મોટો પક્ષ બન્યો હતો. લિબરલ પાર્ટીને બહુમતી ન મળતાં ટ્રુડોએ એનડીપીના ટેકાથી સરકાર ચલાવવી પડતી હતી તેથી ટ્રુડો તેમની સામે વારંવાર ઝૂક્યા કરતા હતા.

કાર્ની ખાલિસ્તાનવાદીઓના ઓશિયાળા નથી તેથી તેમણે ખાલિસ્તાનવાદીઓ નારાજ થઈ જશે તેની ચિંતા કરવાની જરૂર નથી. આ કારણે ભારત સાથેના સંબંધો ફરી મજબૂત કરીને ભારત અને કૅનેડા બંનેને ફાયદો કરાવશે એવી આશા વધારે પડતી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button