દિશા સેલિઅનના પિતાની અરજી મુદ્દે હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો આ આદેશ

મુંબઈ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેજર દિશા સેલિઅનના પિતા સતિષ સેલિઅન દ્વારા કરાયેલી અરજી પર બૉમ્બે હાઇ કોર્ટે ગઈકાલે મહારાષ્ટ્ર સરકારને પંદરમી જૂન સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું કહ્યું હતું.
ગયા મહિને દિશાના પિતાએ હાઇ કોર્ટમાં ધા નાખીને શિવસેના-યુબીટીના નેતા આદિત્ય ઠાકરે સામે એફઆઇઆર નોંધાવવાની તથા આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવાની માગણી કરી હતી.
આઠમી જૂન, ૨૦૨૦ના મલાડના પોતાના નિવાસસ્થાનેથી ૧૪મા માળેથી પડીને દિશાનું મૃત્યુ થયું હતું. પોલીસે શરૂઆતમાં આકસ્મિક મૃત્યુ (એડીઆર) નોંધ્યો હતો. તેના છ દિવસ બાદ ૧૪મી જૂને સુશાંતસિંહ રાજપૂત પણ તેના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બન્નેના મોત બાદ ઘણી ચર્ચાઓ શરૂ થઇ હતી.
આપણ વાંચો: અમે મજા લઈ રહ્યા છીએઃ દિશા સાલિયન કેસમાં આરોપો સામે સંજય રાઉતે આમ કેમ કહ્યું
સતિષ સેલિઅનની અરજી બાદ હાઇ કોર્ટે સરકારને ૧૫મી જૂન સુધી જવાબ આપવાનું કહ્યું છે. દિશાના પિતાએ તેની અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેની દીકરી પર બળાત્કાર ગુજારી તેની ક્રુરતાથી હત્યા કરવામાં આવી હતી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે દિશાનું મૃત્યુ રાજકારણ સાથે જોડાયેલું છે અને તેથી વગ ધરાવતા લોકો દ્વારા તેને ઢાંકી દેવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
પોલીસે ફોરેન્સિક રિપોર્ટ ઘટનાસ્થળના પંચનામા તથા અન્ય પુરાવાને નજરઅંદાજ કરીને દિશાને આત્મહત્યા કરી હોવાનું કહીને કેસ ઉતાવળે બંધ કરી દીધો છે, એમ તેમણે અરજીમાં કહ્યું હતું.
(પીટીઆઇ)