વિનય નરવાલના જન્મદિવસે પત્ની હિમાંશીએ આપ્યું મોટું નિવેદન, અમે લોકો ન્યાય…

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલાં આંતકવાદી હુમલામાં શહીદ થયેલાં ભારતીય નૌસેનાના લેફ્ટનન્ટ વિનય નરવાલનો આજે એટલે કે પહેલી મેના જન્મદિવસ છે અને આ પ્રસંગે વિનય નરવાલના પરિવારે હરિયાણાના કરનાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું.
આ બધા વચ્ચે વિનયની પત્ની હિમાંશીની પ્રતિક્રિયા સામે આવી છે, જેણે ખળભળાટ મચી ગયો છે. હિમાંશીએ જણાવ્યું હતું હું ઈચ્છું છું કે પૂરો દેશ એમના માટે પ્રાર્થના કરે અને તેઓ જ્યાં પણ રહે ત્યાં સ્વસ્થ રહે.
આપણ વાંચો: અત્યાર સુધી કાશ્મીરમાં પર્યટકો પર થયેલાં આંતકવાદી હુમલાનો કાળો અને લોહિયાળ ઈતિહાસ…
હિમાંશીએ વિનયના જન્મદિવસ નિમિત્તે જણાવ્યું હતું કે મારા મનમાં કોઈ માટે નફરત નથી. લોકો મુસલમાનો અને કાશ્મીરીઓ વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે, અમે આ નથી ઈચ્છતા. અમે શાંતિ ઈચ્છીએ છીએ. ચોક્કસ જ અમે ન્યાય માંગીએ છીએ. જે લોકોએ એમની સાથે ખોટું કર્યું છે તેમને સજા મળવી જોઈએ. આજે વિનયની યાદમાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે.
બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન હિમાંશી અનેક વખત ઈમોશનલ થઈ અને પરિવાર પણ ઓમ શાંતિનો જાપ કરતો જોવા મળ્યો હતો. હિમાંશીએ આ સમયે પોતાના હાથમાં લગાવેલી મહેંદી પણ દેખાડી હતી અને કેમ્પમાં એક પોસ્ટર લગાવામાં આવ્યું હતું, જેના પર લખ્યું હતું કે હિંદુસ્તાન કા લાલ વિનય નરવાલ.
હિમાંશી અને વિનયની મા આ સમયે ખૂબ જ ઈમોશનલ જોવા મળ્યા હતા. આ સમયે એક ક્ષણ એવી પણ આવી જ્યારે મંચ પરથી ઉતરતા જ તેઓ એકબીજાને ગળે મળતાં પણ જોવા મળ્યા હતા. આ ભાવુક દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પહલગામ ખાતે આંતકવાદીઓએ વિનય નરવાલને તેમનો ધર્મ પૂછીને હિમાંશી સામે જ તેની હત્યા કરી નાખી હતી. વિનય નરવાલ અને હિંમાશીના લગ્ન 16મી એપ્રિલના થયા હતા અને બંને જણ હનીમૂન પર કાશ્મીર ગયા હતા. આ આંતકવાદી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોની હત્યા કરી દીધી હતી, જ્યારે 17 જણને ઈજા પહોંચી હતી.