મહાન માતા રાજમાતા જીજાબાઈ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઈને આવ્યાં બાળ રે
બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે
શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઈ ઝુલાવે…
ઝવેરચંદ મેઘાણી રચિત શિવાજીનું આ હાલરડું તો સાંભળ્યું છે ને?
આ માત્ર હાલરડું નથી, એમાં જીજાબાઈએ શિવાજીનું ઘડતર અને ચણતર કઈ રીતે કર્યું એનું પણ વર્ણન કરાયું છે. જીજાબાઈએ બાળ શિવાજીને રામાયણ, ભગવદ ગીતા તથા મહાભારતની કથા ઉપરાંત પરાક્રમી વીરોની વાર્તાઓ સંભળાવીને બાળપણથી જ શૂરવીર યોદ્ધા અને છત્રપતિ બનવાના માર્ગે વાળ્યા’તા.
માતા જીજાબાઈની પ્રેરણાથી જ શિવાજીએ મુઘલ સામ્રાજ્યને હંફાવીને હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરેલી. શિવાજીના જીવનમાં જીજાબાઈનું એટલું અણમોલ પ્રદાન હતું કે એના વિના શિવાજી છત્રપતિ શિવાજી ન થઈ શક્યા હોત. એથી જ શિવાજીનો ઉલ્લેખ થાય ત્યારે જીજાબાઈનો ઉલ્લેખ કરવો પડે છે.
જીજાબાઈના ઉલ્લેખ વિના શિવાજીની કથા અધૂરી રહે છે. શિવાજીને છત્રપતિ બનાવનાર ચતુર, બુદ્ધિમાન અને દીર્ઘદ્રષ્ટા જીજાબાઈ માતા જ નહીં, પણ રાજમાતા તરીકે પ્રખ્યાત થયાં. ભારત સરકારે જીજાબાઈની સ્મૃતિમાં 7 જુલાઈ 1999ના રોજ ત્રણ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડી. આ ટિકિટમાં પણ જીજાબાઈના ખોળામાં બાળ શિવાજી બિરાજમાન છે!
આપણ વાંચો: નારી શક્તિ જ છે, તો સશક્તિકરણની ચર્ચા કેમ કરવી પડે છે?
આ જીજાબાઈનો જન્મ 12 જાન્યુઆરી 1598ના મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સિંદખેડરાજામાં થયેલો. માતા મહાલસાબાઈ અને પિતા લખુજી જાધવ. લાડકવાયી દીકરી જીજાને જીજાઉના લાડકા નામે બોલાવતાં. જોકે જીજાઉને માતાપિતાનાં ઝાઝા લાડકોડ મળ્યાં નહીં, કારણ એ સમયના રિવાજ મુજબ બાળપણમાં 1604માં એનાં લગ્ન માંલોજી ભોંસલેના દીકરા શાહજી સાથે થઇ ગયાં. જીજાબાઈએ છ બાળકોને જન્મ આપ્યો. એમાંથી મોટો દીકરો સંભાજી અને નાનો શિવાજી જ જીવિત રહ્યા.
શિવપ્રસાદ દલપતરામ પંડિતે ‘ભારતનાં સ્ત્રીરત્નો’માં લખ્યું છે કે, ‘સાંસારિક સુખની કોઈ સાંકડી અને સ્વાર્થી લાલસા તેને નહોતી. જીજાબાઈ સતત પ્રાર્થના કરતી કે, હિંદુ ધર્મ અને હિંદુ જાતિનો દિવસે દિવસે ભારતવર્ષમાંથી નાશ થતો જાય છે, માટે હું એક એવા વીર અને ધાર્મિક પુત્રને જન્મ આપું કે, એ પુત્ર ફરીથી ભારતની પ્રતિષ્ઠા અને ગૌરવને વધારે… એ જ કામનાથી જીજાબાઈ શિવાઈદેવીની પૂજા અને પ્રાર્થના કરતી.’
કાળક્રમે 19 ફેબ્રુઆરી 1630ના શિવાજીનો જન્મ થયો. શિવાઈદેવીના વરદાનથી સેવકરૂપ પુત્ર જન્મ્યો એમ ધારીને જીજાએ પુત્રનું નામ શિવાજી પાડ્યું.
જીજાબાઈ પુણેની જાગીર સંભાળતી. શત્રુઓથી બચવા જીજાએ એકથી બીજા કિલ્લામાં નાસભાગ કરવી પડતી. પરંતુ ઝળુંબતા જોખમ વચ્ચે પણ જીજાએ શિવાજીના ઘડતરમાં કોઈ કસર ન રાખી. એણે શિવાજીને રામલક્ષ્મણ અને કૌરવો તથા પાંડવોની કથા સંભળાવી. પરાક્રમી અને સાહસિક યોદ્ધાઓની કહાણીઓ સંભળાવી.
આપણ વાંચો: ‘ભા૨તીય ના૨ીસંતોનું જીવન-ક્વન’ પુસ્તકને ૨ણઝણતો આવકા૨ો
પ્રારંભનાં દસ વર્ષમાં જીજાબાઈએ શિવાજીને કઈ કઈ વિદ્યાઓ શીખવી તેનો સત્તાવાર ઉલ્લેખ મળતો નથી; પણ એટલું તો જણાયું છે કે બાળ શિવાજીએ માતાની દેખરેખ નીચે ઘોડેસવારી, તીરંદાજી, બંદૂકબાજી, પટાબાજી અને લખવા વાંચવાનું શિક્ષણ મેળવેલું.
શિવાજી ઉત્તમ આચરણવાળા થાય, કુસંગતિમાં ન પડે તેમ જ કોઈ વ્યસન કે આળસથી ઘેરાય નહીં એ માટે જીજા ઘણી કાળજી લેતી. લડાઈ અથવા બીજા કોઈ કામે શિવાજી બહારગામ જતા, ત્યારે જીજાબાઈ તેમના પ્રતિનિધિ તરીકે રાજવહીવટ કરતી.
જીજા સમર્થ રામદાસની શિષ્યા હતી.એણે શિવાજીને ધર્મકર્મના રક્ષક બનવા ઉપરાંત મરાઠા સામ્રાજ્ય અને હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરવા માટે તૈયાર કર્યા. માત્ર સોળ વર્ષની ઉંમરે શિવાજીએ હિંદવી સામ્રાજ્ય સ્થાપવાની પ્રતિજ્ઞા કરી. ભોરકે સહ્યાદ્રી પર્વતના એક શિખર પર વિરાજિત રાયરેશ્વરના સ્વયંભૂ શિવાલયમાં શિવાજીએ આ પ્રતિજ્ઞા કરેલી.
એ દિશામાં એમણે કામ પણ શરૂ કરી દીધેલું. મુઘલ સામ્રાજ્યને એ હંફાવી રહેલા. દરમિયાન 1664માં શાહજીનું નિધન થયું. જીજાબાઈ સતી થવા તૈયાર થયાં, પણ શિવાજીએ માતાને રોકી લીધી. એના એક વર્ષ પછી જૂન 1665ના પુરંદર સમજૂતી અનુસાર શિવાજી મહારાજે મુઘલોને સિંહગઢ સહિત ત્રેવીસ કિલ્લા સોંપવા પડેલા.
આ સમજૂતીએ મરાઠા સ્વાભિમાનને ઠેસ પહોંચાડેલી, પરંતુ જીજાબાઈ તો અત્યંત વ્યથિત થયેલી. સિંહગઢની સુરક્ષા આરબો અને પઠાણો કરી રહેલા એથી એને પાછો મેળવવો અશક્ય જણાતું હતું. પણ જીજાબાઈએ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી સિંહગઢનો કિલ્લો પાછો નહીં મળે ત્યાં સુધી અન્નજળ ગ્રહણ નહીં કરે.
એક સવારે પ્રતાપગઢના ઝરૂખામાંથી જીજાબાઈની નજર સિંહગઢ પર પડી અને એના પર મુઘલોનું આધિપત્ય જોઈને એને પારાવાર ક્રોધ ચડ્યો. એણે તાબડતોબ સંદેશ પાઠવીને શિવાજીને બોલાવ્યા અને તાત્કાલિક સિંહગઢને જીતી લેવાનો આદેશ આપતાં કહ્યું : ‘શિવ દીકરા, તારે કોઈ પણ કિંમતે સિંહગઢ જીતવું પડશે.
જો સિંહગઢ પર લહેરાતો વિદેશી ધ્વજ ઉતારીને ફેંકી નહીં દે ત્યાં સુધી કાંઈ કર્યું જ નથી. તું સિંહગઢ જીતીશ ત્યારે જ તું મારો પુત્ર સાચો.’ શિવાજીએ શીશ ઝુકાવીને કહ્યું, ‘મુઘલોની સેના અત્યંત વિશાળ છે. આપણું સૈન્ય નબળું છે. એવામાં સિંહગઢનો વિદેશી ઝંડો ઉતારવો આસન નથી. આ ખૂબ કઠિન કાર્ય છે.’
એ સાંભળીને આવેશમાં આવેલી જીજાએ ગુસ્સે ભરાઈને કહ્યું, ‘ધિક્કાર છે તને ! તું મારો દીકરો નથી. હું સ્વયં ફોજ સાથે સિંહગઢના દુર્ગ પર આક્રમણ કરીશ અને વિદેશી ઝંડાને ગઢ પરથી ઉતારીને ફેંકી દઈશ.’ માતાની વાત સાંભળીને શિવાજી લજ્જિત થઈ ગયા. એમણે માતાની ઈચ્છા પૂરી કરવાનું વચન આપ્યું. વળતી પળે શિવાજીએ તાનાજી માલુસરેને બોલાવ્યો અને સિંહગઢ પર ચડાઈ કરવા કહ્યું. તાનાજીએ સિંહગઢ પર આક્રમણ કર્યું અને જંગ જીતી લીધો.
શિવાજીની માર્ગદર્શક અને પથદર્શક બનેલી જીજાબાઈનો, શિવાજીના રાજ્યાભિષેકના બાર દિવસ બાદ 17 જૂન 1674ના સ્વર્ગવાસ થયો, પણ ઈતિહાસમાં મહાન માતા તરીકે એનું નામ અમર થઈ ગયું. આવી માતાઓને ધ્યાનમાં રાખીને જ કહેવાયું હશે કે, માએ મા બીજા બધા વગડાના વા !