બધાં બાળક સુપરમેન નથી…

કૌશિક મહેતા
ડિયર હની,
આપણું બાળક કઈ રીતે વિકાસ પામે એ જોવાની જવાબદારી આપણી છે, પણ સમસ્યા એ છે કે, મોટાભાગનાં મા -બાપ બીજા મા- બાપ એમનાં સંતાનો માટે શું કરે છે એને ફોલો કરે છે અને સમસ્યા ત્યાંથી શરૂ થાય છે.
આપણી દીકરી શાળાએ જવા લાગી ત્યારથી આપણી વચ્ચે ચર્ચા ચાલે છે કે એણે અભ્યાસ તો કરવો પણ સાથે બીજું શું શું કરવું જોઈએ? એમાં આપણા વચ્ચે અભિપ્રાય ભેદ ભલે હોય પણ આખરે દીકરીનું હિત શેમાં છે એ જોઈને જ આપણે હમેશાં નિર્ણય લીધો છે.
બાકી તો આજે બાળકો માટે જે રેસ લાગી છે, બાળકોને જે રીતે દોડાવાય છે એમાં બાળક બિચારું હાંફી જાય છે. ક્યારેક તો એમની હાલત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાળઝાળ ગરમીમાં, 45 ડિગ્રીમાં ભર બપોરે આઇપીએલનાં મેચમાં રમતા ખેલાડીઓ જેવી થાય છે.
ગરમીના કારણે ખેલાડી ચક્કર ખાઈ પડી જાય છે, પણ એ નસીબદાર છે કે, એમને તુરંત મેડિકલ સેવા મળે છે. બાળક એટલું સદભાગી નથી. એની પાસે દોડવા સિવાય કોઈ વિકલ્પ મા બાપે રાખ્યો નથી.
આપણ વાંચો: બાળકોને આ કફ સિરફ આપતા હો તો થઈ જાવ સાવધાન, સરકારે લગાવ્યો પ્રતિબંધ
બાળક નિશાળે જાય એ પુરતું નથી? એની પાસે અભ્યાસ સિવાયની એકાદ બે પ્રવૃત્તિ કરાવો એ ઠીક, પણ ઝાઝી બધી પ્રવૃત્તિનો આગ્રહ શા માટે?
આપણા જાણીતા કવિ- લેખક પદ્મશ્રી તુષાર શુક્લ આ વિશે બહુ મજાની વાત કરે છે કે, આજની માતા સુપર મોમ બનવા માગે છે અને વેકેશન પડવાની તો રાહ જુએ છે. એ બાળકને સર્વગુણસમ્પન્ન બનાવવાની લ્હાયમાં વેકશનમાં એટલાં બધા ક્લાસ કરે છે કે વાત ના પૂછો.
સવારે વહેલી ઉઠે છે, એલાર્મ મૂક્યો હોય એ પહેલા જાગી જાય છે. અને બાળક અડધુંપડધું ઊંઘમાં હોય એને ઉઠાડી, તૈયાર કરી સ્વિમિંગ પુલ ક્લાસમાં લઇ જાય છે. એ પૂરું થાય ના થાય ત્યાંથી ટેનિસ કોર્ટમાં ને , એ પછી સ્કેટિંગમાં અને પછી હોય છે આર્ટસ એન્ડ ક્રાફ્ટનાં ક્લાસ… કઈ બાકી હોય એમ ફ્રેંચ શીખવવા માટેના ક્લાસમાં ય મોકલે-ના, ધકેલે છે.
વાત સાવ સાચી છે. આપણું બાળક સુપરમેન નથી જ. એ આપણે સમજવું જોઈએ. શા માટે એની માથે આટલો ભાર? મને ખબર છે કે, તું સારું ડ્રોઈંગ અને ભરતકામ કરી શકતી હતી, પણ એટલે આપણું બાળક એ શીખે જ એ જરૂરી નથી.
આપણ વાંચો: ફૂટબોલર પલંગ નીચે છુપાઈ ગયો, ધાડપાડુઓ તેની પત્ની-બાળકને ઉપાડી ગયા!
મને ગિટાર શીખવાનો બહુ અભરખો હતો, શીખી ના શક્યો એટલે આપણું બાળક એ શીખે જ એવો આગ્રહ શા માટે? એને શેમાં રસ પડે છે એ સમજવું રહ્યું અને આપણે એવું જ કર્યું. શાળાના કેટલાક પ્રોજેક્ટમાં એને રસ નહોતો અને એ આપણે બંનેએ સાથે રહી પૂરા કર્યા. એને એમાં જરાય રસ નહોતો. તો નહોતો.
એને નૃત્યમાં રસ પડ્યો અને આપણે એને એવા ક્લાસમાં મોકલી અને એ એમાં પારંગત થઇ,જે આપણા માટે રાજી થવાનો અવસર રહ્યો. બાળક આપણું સપનું સાકાર કરવા જન્મ્યું નથી. એને એનાં પોતાનાં સપનાં પણ હોય છે એ આપણે કેમ ભૂલી જઈએ છીએ?
કોઈ પણ બાબતનો ઓવરડોઝ ખતરો જ નોતરે છે. બાળકો સ્કૂલમાં અભ્યાસ, હોમવર્ક અને પરીક્ષાઓના દબાણનો સામનો કરે છે. ઘણીવાર ટ્યુશન ક્લાસિસ અથવા વધારાના અભ્યાસ માટેના કોચિંગ પણ એમનો સમય લઈ લે છે. સ્કૂલ પછી વિવિધ પ્રવૃત્તિનાં ક્લાસ એ બાળકના વિકાસ કરતા એના વિકાસમાં બાધા બની જતા હોય છે. બાળક સતત વ્યસ્ત રહેવાને કારણે તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાના ભોગ પણ બની શકે.
નાની ઉંમરમાં જ ‘બર્નઆઉટ’ (થાકની લાગણી) અનુભવાય છે. ઓછી ઊંઘ, અનિયમિત ખોરાક અને શારીરિક થાક બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. રમવા અને આરામનો સમય ન મળવાથી શરીરનો વિકાસ પણ અટકી શકે છે. એની ભાવનાત્મક અસરો તો જુદી.
આપણ વાંચો: હવે 10 વર્ષથી વધુ ઉંમરના બાળકો સ્વત્રંત રીતે એકાઉન્ટ હેન્ડલ કરી શકશે, જાણો RBI નો પરિપત્ર…
બાળકને પોતાની રુચિ અનુસાર સમય ન મળવાથી એ નારાજગી અથવા હતાશા અનુભવે છે. માતા-પિતા સાથે ગુણવત્તાયુક્ત સમય ન મળવાથી ભાવનાત્મક અંતર વધે છે. વધુ પડતી એક્ટિવિટીઝ બાળકની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને દબાવી શકે છે. પોતાના શોખ કે રુચિઓને શોધવાની એ તક ગુમાવે છે.
તને બરાબર યાદ હશે કે, શાળામાં ફ્રી પિરિયડ રહેતો, એમાં આપણે મનપસંદ રમતો રમતા અને એ કારણે આપણને શાળાએ જવાનું ગમતું હતું. આવા ‘અનપ્લાન્ડ’ સમય એમની સર્જનાત્મકતા વધારે છે, પણ હવે કોઈ શાળામાં ફ્રી પિરિયડની સિસ્ટમ જ બંધ થઇ ગઈ છે.
બાળક પર ભણતરનો ભાર તો છે જ એમાં આપણી અપેક્ષાઓનો ભાર અને બીજી પ્રવુતિનો ભાર ના નાખો એ જ સાચી બાળઉછેરની પદ્ધતિ છે. સદ્ભાગ્યે, આપણે આપણું બાળક નાનું હતું ત્યારે જ આપણે એ વાત સમજી ગયાં એનો સીધો ફાયદો આપણી દીકરીને થયો. બધા મા- બાપે આ વાત ગાંઠે બાંધવાની જરૂર છે.
બાળઉછેર માટે કદાચ આ પૂરતું છે. પેરેન્ટિંગ એ પાર્ટ ટાઈમ જોબ નથી. એ ફૂલ ટાઈમ છે અને એ આનંદનો વિષય હોવો જોઈએ.
તારો બન્ની