
નવી દિલ્હી: પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ગઈ કાલે સાંજે વડાપ્રધાન મોદીએ તેમના નિવાસસ્થાને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, CDS અનિલ ચૌહાણ, NSA અજિત ડોભાલ અને ત્રણેય સેનાના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમ વડાપ્રધાન મોદીએ ત્રણેય સેનાને કાર્યવાહી કરવા છૂટો દર આપ્યો હતો. આ બેઠકના તુરંત બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવત (Mohan Bhagwat) વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા હતાં,
વડા મોહન ભાગવત મંગળવારે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા નવી દિલ્હીના 7, લોક લક્ષ્ય માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. તેમની આ મુલાકાત એટલા માટે મહત્વની છે કે નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં વડા પ્રધાન પદ સંભાળ્યા પછી પહેલી વાર ભાગવતે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.
શું હતો મુલાકાતનો વિષય:
પહેલગામ હુમલા પછી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે આ બેઠક દોઢ કલાક ચાલી હતી. હાલની પરિસ્થિતિ જોતા આ બેઠક મહત્વની સાબિત થઇ જાય છે. જો કે આ બેઠકનો વિષય હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ બેઠક પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં થઈ હતી.
ભાજપના અધ્યક્ષની ચૂંટણીઓના દૃષ્ટિકોણથી પણ વડાપ્રધાન મોદી અને ભાગવત વચ્ચેની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના અધ્યક્ષની ચૂંટણી પહેલા પક્ષમાં સર્વસંમતિનો અભાવ છે અને પહેલગામ હુમલાને ધ્યાનમાં રાખીને ચૂંટણી મોડી રાખવામાં આવી છે.
ભાગવત આપી ચુક્યા છે આવું નિવેદન:
નોંધનીય છે કે, RSS વડા મોહન ભાગવત મુંબઈમાં એક કાર્યક્રમમાં અને પછી દિલ્હીમાં એક કાર્યક્રમમાં હુમલાનો બદલો લેવાની વાત કરી ચુક્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પહેલગામમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવીને હત્યા કરવાથી, દેશમાં ગુસ્સો ફેલાયો છે.
આ માત્ર શુભેક્ષા મુલાકાત ન હતી:
RSSના એક વરિષ્ઠ કાર્યકર્તાએ એક ન્યુઝ ચેનલને જણાવ્યું કે “આ ફક્ત શુભેક્ષા મુલાકાત નહતી, લોકોમાં ગુસ્સો છે. હિન્દુઓ દુઃખી અને રોષે ભરાયા છે. સંઘ માને છે કે સરકારની પડખે ઊભા રહેવું મહત્વપૂર્ણ છે પણ સાથે સાથે ખાતરી કરવી પણ જરૂરી છે કે જનતાની ભાવનાઓને સમજવામાં આવે અને તેને જવાબદારીપૂર્વક સંભાળવામાં આવે. આ કટોકટીનો સમય છે અને તેથી જ ભાગવતજી એકલા પીએમને મળવા પહોંચ્યા હતાં.”