તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : રાજયોગ પદ્ધતિસરનો સાધનમાર્ગ છે!

-ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
હઠયોગના અનેક ગ્રંથોમાં ધારણા, ધ્યાન અને સમાધિ વિષયક વર્ણન જોવા મળે છે. આ વર્ણન યોગસૂત્રના વર્ણનથી અનેક રીતે જુદું પડે છે, એ હકીકત પણ નોંધનીય છે.

(5) હઠયોગ અને રાજયોગના આધારભૂત તત્ત્વજ્ઞાનમાં પણ ભિન્નતા છે. પાતંજલ યોગસૂત્ર વિશેષત: થોડા પરિવર્તન સાથે સાંખ્યના દ્વૈતવાદી તત્ત્વજ્ઞાનને અનુસરે છે, જ્યારે હઠયોગના ગ્રંથોમાં અદ્વૈતવેદાંતના તત્ત્વજ્ઞાનનો સ્વીકાર થયો હોય તેમ જોવા મળે છે.

(6) હઠયોગમાં પ્રાણવિજ્ઞાનનો બહુ વિશદ વિચાર થયો છે. પ્રાણ, નાડીઓ, ચક્રો, ગ્રંથિઓ, કુંડલિની વગેરે બાબતો અંગેના વર્ણનથી હઠયોગના ગ્રંથો ભરપૂર છે અને તેના આધારે હઠયોગની સાધનાપદ્ધતિ ગોઠવાઈ છે. પતંજલિપ્રણિત રાજયોગમાં આ વિષય અંગે ઉલ્લેખો જોવા મળતા નથી. તેમાં વૃત્તિઓ, કલેશો, સમાપત્તિ, ધારણા, ધ્યાન અને સમાધિ અંગે વિશદ વર્ણન જોવા મળે છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે રાજયોગનો અભિગમ વધુ મનોવૈજ્ઞાનિક છે અને હઠયોગનો અભિગમ વિશેષત: પ્રાણવૈજ્ઞાનિક છે.

આ બંને સાધનમાર્ગો વચ્ચે ભિન્નતા હોવા છતાં રાજયોગ અને હઠયોગ વચ્ચે સામ્ય અને સંબંધ પણ ખૂબ છે. કોઈ પણ બે સાધનપદ્ધતિઓ વચ્ચે આટલો ઘનિષ્ઠ સંબંધ અને આટલું સામ્ય ભાગ્યે જ જોવા મળે છે. અને તેથી જ સામાન્ય રીતે આ બંને એક જ છે, તેમ માની લેવામાં આવે છે અને બંને વચ્ચેની ભિન્નતાને પારખવાનું કાંઈક કઠિન બની ગયું છે.

રાજયોગની મહત્તા – વિશિષ્ટતા
(1) રાજયોગ પદ્ધતિસરનો સાધનમાર્ગ છે. પાતંજલ યોગસૂત્રમાં સર્વત્ર એક વિશિષ્ટ વૈજ્ઞાનિક અભિગમ જોવા મળે છે. યમથી આરંભીને એક એક અવસ્થામાં વિકસતો વિકસતો સાધક કૈવલ્ય સુધી પહોંચે છે. સાધનપથમાં આવતાં બધાં સોપાનો, વિઘ્નો અને તેમનાં નિવારણના ઉપાયો આદિ સાધના વિષયક બધી જ બાબતો અંગે રાજયોગમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી: પ્રાણાયામ એટલે વિશિષ્ટપદ્ધતિથી કરવામાં આવતી પૂરક, કુંભક ને રેચકની ક્રિયા

(2) યોગના તાત્ત્વિકપક્ષનું ખંડન કરનાર આચાર્યોએ પણ યોગના સાધનપક્ષનો સ્વીકાર કર્યો છે. આ ઉપરથી રાજયોગની સાધનપદ્ધતિ કેટલી મૂલ્યવાન, શાસ્ત્રીય અને મહત્ત્વપૂર્ણ છે, તે સૂચિત થાય છે.

(3) ભારતમાં અને ભારતની બહાર પણ બ્રહ્મવિદ્યાના અનેક માર્ગોનો વિકાસ થયો છે. પદ્ધતિસરતાની દૃષ્ટિએ જોઈએ તો આ સર્વમાં રાજયોગ શિરમોર છે. આથી જ આ સાધનપથને ‘રાજયોગ’ જેવું ગૌરવપૂર્ણ નામ મળ્યું છે.

(4) કોઈ પણ સાધનમાર્ગને તેના આધાર સ્વરૂપે પોતાનું તત્ત્વદર્શન હોવું આવશ્યક છે. રાજયોગ માત્ર સાધનપથ જ નથી, સાંખ્ય પર આધારિત એવું તેનું એક વ્યવસ્થિત અને સુંદર તત્ત્વજ્ઞાન પણ છે. રાજયોગ પોતાના દાર્શનિક પક્ષમાં મહદ્ અંશે સાંખ્યને અનુસરે છે. આમ છતાં કેટલાક મુદ્દાઓમાં તે સાંખ્યથી ભિન્ન પણ છે.

(5) સાધનમાર્ગ અને તત્ત્વજ્ઞાનની જેમ રાજયોગને પોતાનું ઊંડું, વિશદ અને વ્યવસ્થિત મનોવિજ્ઞાન પણ છે. સંભવત: મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં રાજયોગ કોઈપણ ભારતીય દર્શનને અતિક્રમી જાય છે.
અધ્યાત્મપથને અનુલક્ષીને યૌગિક મનોવિજ્ઞાનનું સમગ્ર ભવન ચણાયું છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો આ મનોવિજ્ઞાન સમગ્ર વિશ્ર્વના મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિશિષ્ટ ભાત પાડનારું છે.
યમ-નિયમનું સ્વરૂપ, મહત્તા અને ફલશ્રુતિ, આસન – પ્રાણાયામનું મૂલ્ય, પ્રત્યાહાર, ધારણા, સમાપત્તિ, ધ્યાન, સમાધિનાં સ્વરૂપો, સાધનમાર્ગનાં વિઘ્નો, ચિત્તનું સ્વરૂપ, ચિત્તવૃત્તિઓ, કલેશો વગેરે અનેકવિધ મુદ્દાઓ અંગે યૌગિક મનોવિજ્ઞાનમાં વિશદ, મૂલગામી અને અંતર્દષ્ટિયુક્ત સમજ જોવા મળે છે.

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી : બ્રહ્મચર્ય એટલે આચાર ને વિચારમાં સર્વ ઈન્દ્રિયોનો સંયમ

(6) રાજયોગને પોતાની વિશિષ્ટ એવી ગુહ્યવિદ્યા (ઘઈઈઞકઝઈંજખ) પણ છે. આ બાબતમાં પણ રાજયોગનું પ્રદાન ઘણું મહત્ત્વપૂર્ણ છે.

પ્રકૃતિના નિયમો અને પરિબળોને જાણવાં, અતિપ્રાકૃતિક સમજવાં તથા તેમના પર નિયંત્રણ મેળવવું – આ ગુહ્યવિદ્યાનો હેતુ છે. યોગસૂત્રનો વિભૂતિપાદ આવાં રહસ્યોથી ભરપૂર છે.

(7) પાતંજલ યોગસૂત્રના અભ્યાસ પરથી લાગે છે કે ભગવાન પતંજલિનો દૃષ્ટિકોણ સાંપ્રદાયિક નહીં, પરંતુ વ્યાપક અને સમન્વયાત્મક છે. પ્રણવોપાસના, ક્રિયાયોગ, ઈશ્ર્વર પ્રણિધાન, અભ્યાસ, વૈરાગ્ય વગેરે અધ્યાત્મપથમાં સહાયક એવા અનેકવિધ સાધનોનો તેમણે યોગસૂત્રમાં સમાવેશ કરી લીધો છે. પરિણામે રાજયોગનો સાધનમાર્ગ વ્યાપક અને સમન્વયાત્મક બની શકયો છે.

(8) રાજયોગમાં પ્રયોજિત ‘રાજ’ શબ્દ વિશાળ અને શ્રેષ્ઠ – એમ બે અર્થમાં વપરાય છે. આ બંને તત્ત્વ રાજયોગમાં છે. સાધનમાર્ગ તરીકે રાજયોગ એક વિશાળ રાજમાર્ગ જેવો છે, જે બધા માટે ખુલ્લો છે. કોઈ પણ જિજ્ઞાસુ ગુરુના માર્ગદર્શન પ્રમાણે આ પથ પર ચાલી શકે છે. વળી વ્યવસ્થિત સાધનમાર્ગ (જુતયિંળ) તરીકે તે શ્રેષ્ઠ સાધનમાર્ગ પણ છે જ.

(9) રાજયોગમાં જે કાંઈ તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સાધનમાર્ગ અને ગુહ્યવિદ્યા છે તે માત્ર નિરીક્ષણ કે બૌદ્ધિક વિચારણાનું જ પરિણામ નથી. વિશેષ દૃષ્ટિસંપન્ન ઋષિઓ અને યોગીઓએ આંતર્દૃષ્ટિથી જે જોયું, અનુભવ્યું તેના પરિણામમાંથી એક વ્યવસ્થિત શાસ્ત્ર બન્યું, જે રાજયોગરૂપે આપણી સમક્ષ આવેલ છે.

હઠયોગનું સ્વરૂપ

  1. પ્રસ્તાવ:
    વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ તો અધ્યાત્મ સાધનના સર્વસ્વરૂપો માટે ‘યોગ’ શબ્દનો પ્રયોગ થઈ શકે છે. આ દૃષ્ટિકોણથી જોઈએ તો યોગ એટલે અધ્યાત્મ સાધન પથ. આ અર્થમાં ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ આદિ પણ યોગના જ સ્વરૂપો ગણાય. આમ છતાં વ્યવહારમાં અને પરંપરાગત રીતે પણ ‘યોગ’ શબ્દનો પ્રયોગ હઠયોગ અને રાજયોગ માટે થાય છે. તેથી યોગ એટલે હઠયોગ-રાજયોગ, આ અર્થ સ્વીકારીને આપણે હઠયોગનું સ્વરૂપ સમજવા માટે હવે પ્રવૃત્ત થઈએ છીએ.

સામાન્ય જનસમાજમાં હઠયોગની સાધના વિશે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. અન્ય સાધન પ્રણાલીઓના પ્રમાણમાં હઠયોગ વધુ ગેરસમજનો ભોગ બન્યો છે. હઠયોગની સાધનપ્રણાલી અનેક રહસ્યોનાં જાળાંમાં ખોવાઈ ગઈ હોય એવી સ્થિતિ છે. સંનિષ્ઠ અને પ્રામાણિક સાધકોના મનમાં પણ હઠયોગ અંગેની સાચી સમજનો અભાવ જણાય છે.

હઠયોગની સાધના સાચી, સમજપૂર્વક અને યોગ્ય પદ્ધતિથી તેમજ યોગ્ય માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ ન કરવામાં આવે તો અન્ય સાધન પ્રણાલિકાઓના પ્રમાણમાં તે વધુ જોખમી બની શકે તેમ છે. કારણ કે હઠયોગમાં આપણે શરીરના બહુ નાજુક તંત્રો સાથે કામ લેવાનું હોય છે અને એથીયે વિશેષ તો આ સાધના પ્રાણમય શરીરની સાધના છે.

આમ હોવાથી તે આવશ્યક જ નહીં, પરંતુ અનિવાર્ય છે કે હઠયોગની સાધના કરનાર સાધકના મનમાં આ સાધનાપથ વિશે સ્પષ્ટ સમજ હોય. હઠયોગનો સાધક જાણતો હોવો જોઈએ કે હઠયોગનું યથાર્થ સ્વરૂપ શું છે.

હવે આપણે હઠયોગના યથાર્થ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ.

  1. હઠયોગ શું નથી?

કોઈ પણ સાધનપથની યથાર્થ સમજ મેળવવા માટે તદ્વિષયક ગેરસમજનું નિવારણ કરવું આવશ્યક છે, તેથી પહેલાં તો આપણે એ જોઈએ કે હઠયોગ શું નથી.

(1) હઠયોગ હઠપૂર્વક કરવાનો યોગ નથી :

હઠયોગમાં આવતા ‘હઠ’ શબ્દ પરથી ઘણા લોકોના મનમાં એવી ગેરસમજ બંધાઈ ગઈ છે કે હઠયોગ એટલે હઠપૂર્વક કરવાનો યોગ. ખૂબ જોરપૂર્વક કે મારીમચડીને કોઈક સાધના કરવાની આ પદ્ધતિ હશે, એમ ઘણા લોકો માનતા હોય છે. હઠ એટલે જીદ, એવો અર્થ નથી જ. હઠયોગ એટલે હઠપૂર્વક કરવાનો યોગ, એવી માન્યતા તદ્દન ભ્રામક છે. વસ્તુત: અહીં ‘હઠ’ શબ્દનો અર્થ તદ્દન જુદો જ છે.

‘હઠ’- શબ્દ અહીં યોગ વિદ્યાના પારિભાષિક અર્થમાં વપરાયો છે. ‘હ’ સૂર્યવાચક અક્ષર છે અને ‘ઠ’ ચંદ્રવાચક અક્ષર છે. તેથી ‘હઠ’ શબ્દને અહીં તેના સામાન્ય અર્થમાં અર્થાત્ ‘જીદ’ના અર્થમાં લેવાનો નથી. અહીં તે તદ્ન ભિન્ન અર્થમાં વપરાયો છે. ‘હઠ’ શબ્દના યથાર્થ યૌગિક અર્થ વિશે આપણે આગળ વિચારશું. અહીં તો આ ગેરસમજનું નિરાકરણ થાય એટલું પર્યાપ્ત છે કે હઠયોગ એટલે હઠપૂર્વક કરવાનો યોગ.

(2) હઠયોગ શરીરકેન્દ્રી સાધના નથી :
એવો એક ભ્રામક ખ્યાલ ઘણા લોકોના મનમાં પ્રવર્તે છે કે હઠયોગ શરીરની આળપંપાળ કરનારી સાધના છે.

હઠયોગીઓ શરીરની સંભાળ લેવામાંથી ઊંચા નથી આવતા, એવું ઘણા સમજદાર માણસો પણ બોલતા હોય છે. સાધ્ય-સાધનનો વિવેક ન રાખવામાં આવે તો કોઈ પણ સાધનમાર્ગમાં મૂળ વાત બાજુમાં રહી જાય અને બિનમહત્ત્વની બાબતો મહત્ત્વની બની જાય, એ જોખમ રહેલું છે જ. એમાં દોષ સાધનપદ્ધતિનો નહીં, પણ સાધકનો ગણવો જોઈએ. એ વાત સાચી છે કે હઠયોગની સાધનાનો પ્રારંભ શરીરથી કરવાનો હોય છે, પરંતુ તે તો પ્રારંભ છે. હઠયોગ શરીરથી પ્રારંભ કરીને શરીર પર જ અટકી જાય છે, એ ખ્યાલ તદ્દન ભ્રામક છે. હઠયોગના પ્રમાણભૂત ગ્રંથ ‘હઠ પ્રદીપિકા’માં સ્વાત્મારામ સૂરિ પ્રારંભમાં જ કહે છે :

प्रणम्य श्रीगुरुं नाथं स्वात्मारामेण योगिना |
केवलं राजयोगाय हठविद्योपदिश्यते ॥
‘શ્રીમાન ગુરુ નાથને પ્રણામ કરીને યોગી સ્વાત્મારામ કેવળ રાજયોગ માટે હઠવિદ્યાનો ઉપદેશ કરે છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button