હજુ આતંકવાદીઓની નજર કાશ્મીર પરઃ સરકારે 60 ટકા ટુરિસ્ટ સાઈટ બંધ કરી

નવી દિલ્હીઃ પહેલગામમાં સહેલાણીઓ પર થયેલા આતંકવાદી હુમલાઓ બાદ ઘણા વાતોના વીરોએ સુફીયાણી સલાહો આપી હતી કે આપણે મોટી સંખ્યામાં કાશ્મીરના પ્રવાસે જવું જોઈએ જેથી આતંકવાદીઓનો જુસ્સો તૂટી જાય. પણ આવું વાસ્તવમાં હોતું નથી. સરકારે અને સુરક્ષાબળોએ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે અને તેથી જ પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે 87માંથી 48 પર્યટન સ્થળોને પર્યટકો માટે પ્રતિબંધિત જાહેર કરી છે.
સરકારને મળેલી માહિતી અનુસાર હજુ પણ હુમલો થવાની શક્યતા છે, આથી આ નિર્ણય લેવાની જાહેરાત કરી છે.
સરકારની ઈન્ટેલિજન્સ એજન્સીને મળેલા ઈનપુટ્સ પરથી જાણવા મળ્યું છે કે 22 એપ્રિલના હુમલા બાદ પણ ફરી કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો થવાની પેરવીમાં અમુક ત્રાસવાદી ગ્રુપ છે. પાકિસ્તાનની Inter-Services Intelligence (ISI)એ પણ સીઆઈડીના અધિકારીઓ, કાશ્મીરી પંડિતો પર હુમલો કરવાની તૈયારીઓ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જે રીતે પહેલગામ હુમલા બાદ ત્રાસવાદી તત્વોના ઘરને તોડી પાડવામાં આવ્યા છે અને સરકારે સખ્તાઈ બતાવી છે તે જોતા ત્રાસવાદીઓ ઉત્તર, મધ્ય અને દક્ષિણ કાશ્મીરમાં હુમલો કરવાની પેરવીમાં છે. આ હુમલો તેઓ કાશ્મીર બહારના લોકો જ્યાં હોય ત્યાં કરવા માગે છે, તેથી સહેલાણીઓને અમુક સ્થળો પર પ્રવેશ ન આપવામાં આવે તેમ સરકાર ઈચ્છી રહી છે.
આ સાથે અહેવાલ એમ પણ જણાવે છે કે રેલવે સ્ટેશન પર મોટેભાગે કાશ્મીર બહારના લોકોની જ ભીડ હોય છે આથી રેલવે સ્ટેશનો પર પણ ખતરો છે તેમ કહેવું ખોટું નથી. સરકારે રેલવે સ્ટેશનોને પણ એલર્ટ પર રાખ્યા છે અને કોઈપણ અધિકારીને પોતાની જગ્યા ન છોડવા ફરમાન આપ્યું છે.
આપણ વાંચો: પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો મોટો એક્શન પ્લાન, શરૂ કરી આ તૈયારી
સરકારે ગુલબર્ગ, સોનમાર્ગ ને દાલ લેક આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી છે.