તરોતાઝા

ફોકસ : ફ્લેવર્ડ વૉટર પીવું હોય તો ઘરનું પીવો…

-રેખા દેશરાજ

ફ્લેવર્ડ વૉટર એટલે એક એવા પ્રકારનું પાણી કે જેમાં કુદરતી કાં તો કૃત્રિમ ફ્લેવર ભેળવવામાં આવે છે. સામાન્ય રીતે એમાં ફળ, ઔષધિઓ, મસાલા અથવા મીઠાશ વધારવા માટે મધ કાં તો કૃત્રિમ સ્વીટનર મિક્સ કરવામાં આવે છે. આવા પીણાં પિવાથી શરીર હાઇડ્રેટ રહે છે. આરોગ્ય જાળવી રાખવા માટે આપણે દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. જોકે કેટલાક લોકોને સાદું પાણી ગળા નીચે ઊતરતું નથી. એથી તેઓ જરૂરત કરતાં ઓછું પાણી પિવે છે. આવા લોકો માટે ફ્લેવર્ડ વૉટર એક સારો પર્યાય છે. જોકે એક વાતનું ખાસ ધ્યાન રાખવું એ આ પાણી ઘરે બનાવેલું હોવું જોઈએ, કેમ કે બહાર મળતાં ફ્લેવર્ડ વૉટરમાં કૃત્રિમ તત્ત્વો ભળેલા હોવાથી એ નુકસાન કરે છે.

અનેક પ્રકારના ફ્લેવર્ડ વૉટર
ફ્લેવર્ડ વૉટર વિવિધ પ્રકારના હોય છે. પહેલો આવે છે નૅચરલ ફ્લેવર્ડ વૉટર, જેમાં તાજા ફળો, કાકડી, લીંબુ, ફુદીના અને તુલસી જેવા હર્બ્સ ભેળવેલા હોય છે. બીજુ હોય છે ઇન્ફ્યુઝડ વૉટર. એને પણ કુદરતી રીતે બનાવવામાં આવે છે. એમાં ફળ અને જડીબુટ્ટીઓને થોડા સમય માટે પાણીમાં પલાળવામાં આવે છે. ત્રીજુ છે બજારમાં મળતા બોટલમાં પૅક ફ્લેવર્ડ વૉટર. એમાં સ્વાદ વધારવા માટે કૃત્રિમ ફ્લેવર અને સ્વીટનર નાખવામાં આવે છે. ચોથું હોય છે સ્પાર્કલિંગ ફ્લેવર્ડ વૉટર. એમાં કાર્બોનેટેડ વૉટર અને સ્વાદ ઉમેરવામાં આવે છે, જેને સોફ્ટ ડ્રિન્કનો હેલ્ધી પર્યાય માનવામાં આવે છે.

પાણીને ફ્લેવર્ડવાળુ બનાવવાથી એમાં વિટામિન્સ અને મિનરલ્સની માત્રા પણ વધી જાય છે. ગરમીમાં આવા પાણીને વધારે પ્રમાણમાં પીવાથી તમે આખો દિવસ હાઈડ્રેટ રહો છો. પાણીને ફ્લેવરવાળુ બનાવવાથી એટલે કે એમાં ફળો, હર્બ્સ અને તાજા મસાલાનો ઉમેરો કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો મળી રહે છે. લેમન, લાઈમ, ઓરેન્જ, દ્રાક્ષ અને તમામ પ્રકારની બેરીઝમાં વિટામિન સીનો ભરપૂર માત્રામાં સ્ત્રોત હોય છે. એમાં જો આદું અને ફુદીના ઉમેરવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે.

વજન ઘટાડે છે
ફ્લેવર્ડ વૉટર વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ પાણી આપણે વારંવાર પીવાથી પેટ ભરેલું રહે છે અને વધુ જમવાની તીવ્ર ઈચ્છા પણ નથી થતી. ઘરનું બનાવેલું ફ્લેવર્ડ વૉટર હોય તો એ ખનીજ તત્ત્વો અને વિટામિન સીથી ભરેલું હોય છે, જે શરીરને ડિટોક્સ કરે છે.

શું સ્વાસ્થ્ય માટે એ ગુણકારી છે?

હા, આ ફ્લેવર્ડ વૉટર આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે. ફ્લેવર્ડ વૉટર સોફ્ટ ડ્રિંકની સરખામણીએ વધુ હેલ્ધી છે. ફ્લેવર્ડ વૉટરમાં અનેક પ્રકારના ફળ અને જડીબુટ્ટીઓના તત્ત્વો હોય છે. એમાં પણ જો બજારમાં વેચાતું ફ્લેવર્ડ વૉટર તમે પીવો તો એ તંદુરસ્તી માટે હાનિકારક હોય છે. કેમ કે એમાં પ્રિઝર્વેટિવ્સ અને કૃત્રિમ મીઠાશ માટે તત્ત્વો ઉમેરવામાં આવે છે. બજારમાં મળતા આવા પીણાં પીવાથી એ દાતની સમસ્યા વધારે છે. કેટલાક ફ્લેવર્ડ વૉટર સ્વાદમાં ખાટા હોય છે એનાથી એસિડિટી થાય છે. એ દાતના ઈનેમલને પણ નુકસાન કરે છે. એથી ઘરનું બનેલું ફ્લેવર્ડ વૉટર જ સારું છે.

*પાણીને ફ્લેવર્ડ બનાવવા માટે હંમેશાં તાજા ફળોનો ઉપયોગ કરવો. કરમાયેલા હર્બ્સ કે પછી વધુ પાકેલા ફળોનો ઉપયોગ ન કરવો.
*એમાં વસ્તુઓને નાખીને રાતના સમયે ફ્રીજમાં રાખીને સવારે પીવું જોઈએ.
*લેમન અને લાઇમ જેવા ફ્રુટ્સ લાંબા સમય સુધી પાણીને તાજા અને ફ્લેવર્ડ રાખે છે. બેરીઝ અને ફુદીના જલદી ખરાબ થાય છે એથી એનો ઉપયોગ એ પ્રમાણે કરવો.
*લીંબુ, સંતરા, હર્બ્સ અથવા અન્ય મસાલા નાખીને એને ફ્રીજમાં સ્ટોર કરવા.
*ફ્લેવરને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે ક્ધટેનરમાં પાણીને બે-ત્રણ વખત નાખવું જોઈએ. શરત માત્ર એટલી કે એનો સ્વાદ બદલાયો ન હોવો જોઈએ.

આપણ વાંચો:  આહારથી આરોગ્ય સુધી : આલ્કોહોલથી બચવું જરૂરી છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button