તરોતાઝા

આરોગ્ય પ્લસ : આયુર્વેદિક દિનચર્યા એટલે શું?

ભારત દેશના ઋષિમુનિઓ ખૂબ જ દિર્ઘદૃષ્ટિવાળા હતા. એમનું જીવનલક્ષ્ય સર્વના ભોગે એક પરમાત્માને પ્રાપ્ત કરવાનું જ હતું, પરંતુ તે ધ્યેયને સિદ્ધ કરવા માટે સ્વસ્થ અને સક્ષમ શરીરની ખૂબ જ આવશ્યકતા હોય છે. એ બધા એમ સમજતાં કે, રોગનો ઈલાજ કરવાં કરતાં તે રોગ શરીરમાં પ્રવેશે જ નહીં, તેની પૂર્વ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તે હેતુને ધ્યાનમાં રાખીને એમણે રોજબરોજ કેવી રીતે જીવન જીવવું જોઈએ, તેની આદર્શ દિનચર્યા આપણને વારસામાં આપી છે.
જોકે, આપણી જીવનશૈલી આજે ખૂબ જ અનિયમિત થઈ ગઈ છે. આપણે એમ માનીએ છીએ કે, આયુર્વેદમાં દર્શાવેલ દિનચર્યા મુજબ જીવવું આજે ખૂબ જ મુશ્કેલ અને અશક્ય છે. અનિયમિત જીવનશૈલીમાં સુધારો કરવાને બદલે આજના યુગનો વાંક કાઢીએ છીએ. હા, તે વાત પણ સાચી છે કે આજના યુગમાં બધા જ નિયમોનું પાલન કરવું થોડું મુશ્કેલ જરૂર છે, પરંતુ અશક્ય તો નથી.

આપણે ખરેખર સ્વસ્થ રહેવું છે, પરંતુ સ્વસ્થ રહેવા માટેની સરળ જીવનશૈલીનું પાલન કરવું પસંદ નથી. આપણે જેટલી આયુર્વેદિક દિનચર્યાને અનુસરીને વર્તીએ તેટલા લાંબા સમય સુધી ઔષધ વિના કુદરતી રીતે સ્વસ્થ રહી શકીએ છીએ. એને જો ઉલ્લંઘીએ અને પોતાની સ્વેચ્છા અનુસાર વર્તનાર જરૂર રોગના શિકાર બને છે માટે સ્વાસ્થ્ય ઈચ્છનાર વ્યક્તિએ તે દિનચર્યાને આદર આપવો જોઈએ.

સૂર્યોદય પહેલાં જાગવું
શ્રીસ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે કે, ‘સહુએ નિત્યે સૂર્ય ઊગ્યા પહેલાં
જ જાગવું અને ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું.’ ભગવાને આપણને જે જે આજ્ઞા કરી છે તે આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. સૂર્યોદય પહેલાનો સમય શરીરને સ્ફૂર્તિલું, મનને પ્રફુલ્લિત અને આત્માને ઈશ્ર્વરમાં જોડવા માટે ખૂબ જ સાનુકૂળ હોય છે. અનેક સંશોધનો દ્વારા એ સાબિત થયું છે કે, જે બ્રહ્મમુહૂર્તમાં જાગે છે એ લાંબા સમય સુધી નિરોગી, સતેજ યાદશક્તિવાળા, હકારાત્મક વલણવાળા, દીર્ઘાયુ અને ક્રોધાદિક દોષોથી રહિત હોય છે, પરંતુ આજે આપણને મોડા જાગવાની કુટેવ પડી ગઈ છે. સવારે વહેલા જાગવાના અનંત લાભોથી વાકેફ હોવા છતાં, આપણે ઘણીવાર આળસના કારણે મોડા જાગતા હોઈએ છીએ. અને તેથી આપણું શરીર અનેક રોગને આધીન બને છે. માટે આપણા સહુ માટે આળસનો ત્યાગ કરી સૂર્યોદય પહેલાં જાગવું વધુ લાભદાયક છે.

આ પણ વાંચો…આરોગ્ય પ્લસ : ત્રિદોષ જાણવાની આ છે કેટલીક રીત

સવારે જાગતાની સાથે જ હરિસ્મરણથી દિનારંભ કરવો
આજે અનેક લોકો ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન, ભય અને કાર્યભારની મૂંઝવણમાં જ દિવસ વ્યતીત કરતા હોય છે. એ ભગવાને આપેલા દિવસનો ભરપૂર આનંદ લૂંટી શકતા નથી. કેમ કે, એમને દિવસની શરૂઆત કેવી રીતે કરવી, તેનો ખ્યાલ જ હોતો નથી.

ભારતીય વૈદિક ગ્રંથો ભગવાનનું સ્મરણ અને એમનો આભાર વ્યક્ત કરીને જ દિવસની શરૂઆત કરવાનું શીખવે છે. આધુનિક સંશોધનો પણ પુરવાર કરે છે કે, જે લોકો દિવસની શરૂઆત ભગવાનનો આભાર વ્યક્ત કરવાથી કરે છે એ તણાવ, ડિપ્રેશન અને ભયમાં ઓછા જીવતા હોય છે. તેટલું જ નહીં, એમની અંદર હકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે, જેથી એમની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને એ લાંબા સમય સુધી નિરોગી રહી શકે છે.

શૌચક્રિયા
નિયમિત મળત્યાગ ઉપર જ આરોગ્ય નિર્ભર છે. મળ બરાબર સાફ ન આવે તે શરીરમાં રોગના આગમનની ચેતવણી છે, પરંતુ આજે દુનિયામાં કબજિયાતનો રોગ સર્વવ્યાપી થઈ ગયો છે. નાનાં બાળકોથી લઈને વૃદ્ધો આ રોગથી ત્રાસિત છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે, મળત્યાગ કરવા માટે કુદરતે જે સમય ગોઠવેલ છે, તે સમયે આપણે બીજું જ કાંઈક કરતા હોઈએ છીએ.
મળત્યાગ કરવાનો શ્રેષ્ઠ સમય સવારના 4થી 6 દરમિયાન હોય છે, કેમ કે તે સમયે મોટું આંતરડું ખૂબ જ સક્રિય હોય છે, પરંતુ આજે આપણને સવારે મોડા જાગવાની જ આદત પડી ગઈ છે. તે સમયે આંતરડું સક્રિય હોતું નથી. તેથી તેવા સમયે મળત્યાગ કરવા માટે આંતરડાને ખૂબ જ બળ કરવું પડે છે, તેમ છતાં પણ સંપૂર્ણ મળત્યાગ થતો નથી અને અંતે આંતરડામાં લાંબા સમય સુધી મળ પડ્યો રહેવાથી શરીરમાં અલગ-અલગ રોગ ઉત્પન્ન થાય છે.

આ પણ વાંચો…આરોગ્ય પ્લસ : જીવ-જંતુઓ તથા પ્રાણીઓના ડંખ વખતે પ્રાથમિક સારવાર

આ ઉપરાંત, ઘણાં લોકોને રોજ સવારે જાગીને તરત જ છાપું વાંચવું, ધૂમ્રપાન કરવું, ચા-કોફી પીવી વગેરે કુટેવો હોય છે, પછી તેઓ ફરિયાદ કરતા હોય છે કે, ‘સવારમાં સરખું પ્રેશર આવતું જ નથી’, ક્યાંથી આવે? આ રીત તદ્દન ખોટી છે. માટે જાગીને તરત જ શૌચક્રિયા કરવા જવાની ટેવ પાડવી. ભલે પ્રેશર આવે કે ન આવે, પરંતુ સવારે સંડાસમાં કોઈપણ જાતના બળ વિના એમ ને એમ બેસી રહેવાથી થોડા દિવસોમાં આપોઆપ તે સમયે મળત્યાગ થવાની આદત પડી જશે. શૌચક્રિયા કર્યા બાદ હાથ અને પગને વ્યવસ્થિત સાબુ કે જંતુનાશક લિક્વિડથી ધોવા, કે જેથી હાથ-પગમાં બેક્ટેરિયા રહી ન જાય.

દંતધાવન
તે પછી ચહેરાને અને આંખને ઠંડા પાણીથી ધોવાં, અને શુદ્ધ જળથી બે-ત્રણ કોગળા કરવા. ત્યારબાદ યોગ્ય જગ્યાએ બેસી મુખશુદ્ધિ માટે બ્રશ અથવા તો દાતણ કરવું. ત્યારબાદ જીભનું રોજ નિરીક્ષણ કરવું. જીભ એ પાંચનતંત્રનું દર્પણ છે. એટલું જ નહીં, શરીરની અન્ય બીમારીઓનો ખ્યાલ પણ જીભનિરીક્ષણ દ્વારા આવી શકે છે. જો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તે ખોરાકના અપાચનનું સૂચન છે. તે શરીરમાં આમ અને ઝેરી પદાર્થોના સંગ્રહ થવાનો સંકેત છે. તેથી તે દિવસે સવારના નાસ્તાનો અચૂક ત્યાગ કરી દેવો.

વિવિધ બીમારીઓમાં જીભ પર થતી અસર

(માલિશ – શ્રમ – ભોજન વિશે હવે પછી)
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button