અમદાવાદ

પહલગામ હુમલા બાદ ગુજરાતીઓ સાવચેત, ચારધામ યાત્રાનું 50 ટકા બુકિંગ કેન્સલ

અમદાવાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મૃત્યુ થયા હતા. કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલા બાદ ચારધામની યાત્રાએ જતા ગુજરાતીઓ સાવચેત થઈ ગયા છે અને કોઈ જોખમ લેવા માંગતા નથી. ડરના કારણે 50 ટકા ગુજરાતીઓએ ચારધામ યાત્રાનું બુકિંગ કેન્સલ કર્યું છે. અનેક શ્રદ્ધાળુએ ચારધામ યાત્રાએ આ વર્ષે જવાનું સ્થગિત કર્યું છે.

આ સ્થળો પર પસંદગી

મે-જૂનમાં ચારધામ યાત્રા શરૂ થાય છે પરંતુ પહલગામ હુમલા બાદ ગુજરાતીઓએ જમ્મુ-કાશ્મીરના બદલે ઉત્તરાખંડ, કેરળ, હિમાચલ પ્રદેશ,અરૂણાચલ પ્રદેશ તરફ નજર દોડાવી છે. આ રાજ્યોના બુકિંગમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે, તેમાં હવે યુદ્ધ થશે તેવી ભીતિ લોકોને સતાવી રહી છે. આ સ્થિતિને જોતા ચારધામ યાત્રાએ જવાનું લોકો ટાળી રહ્યા છે, તેમજ નવા બુકિંગ છેલ્લા પાંચ-છ દિવસથી બંધ જ થઈ ગયા છે. ટુર ઓપરેટરોના કહેવા પ્રમાણે આ વર્ષે માત્ર 5000 ગુજરાતીઓ ચારધામ જશે.

ચારધામ યાત્રા માટે જતા શ્રદ્ધાળુઓ માટે જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. જેના લીધે યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા વગેરે જેવા અન્ય રાજ્યોથી આવતા શ્રદ્ધાળુઓનો સમય બચશે. આ ઉપરાંત, ભક્તો સરળતાથી મંદિરોના દર્શન પણ કરી શકશે. ચારધામ યાત્રા જોલી ગ્રાન્ટથી બે ધામો બદ્રીનાથ અને કેદારનાથ માટે વીસ જૂન સુધી હેલિકોપ્ટર બુકિંગ 70 ટકા સુધી થયું છે. જ્યારે મે મહિના સુધી કંપનીના એમઆઈ-17 ડબલ એન્જિન હેલિકોપ્ટર જોલી ગ્રાન્ટ હેલીપેડ પહોંચશે. જ્યારે અક્ષય તૃતીયાના દિવસે 30 એપ્રિલે ગંગોત્રી, યમુનોત્રી, 2 મેના રોજ કેદારનાથ અને 4 મે ના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે.ચાર ધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખૂલવા સાથે થશે. જેમાં બે ધામની મુલાકાત બાદ શ્રદ્ધાળુઓ જોલી ગ્રાન્ટ હેલી પેડ પરત ફરશે. જેમાં એક દિવસમાં બે ધામના દર્શન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામા આવશે.જોકે,આ વર્ષે રોયલ્ટી વધારતા ભાડામા પણ વધારો કરવામાં આવ્યો છે. જોલી ગ્રાન્ટથી બંને ધામો માટે બુકિંગ ફક્ત 20 જૂન સુધી જ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ, જ્યારે વરસાદની ઋતુ શરૂ થશે ત્યારે હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવશે.

આ પણ વાંચો…પહેલગામ હુમલા બાદ સરકારનો એક વધુ સખત નિર્ણયઃ ચારધામની યાત્રા નહીં કરી શકે પાકિસ્તાની હિન્દુઓ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button