ભુજ

ઓવરટેક કરવા જઈ રહેલા ડમ્પરે આખા પરિવારને કચડી નખ્યો

ભુજઃ ભારે વાહનોની સતત અવર જવરના લીધે અકસ્માત ડેન્જર ઝોન બની ચૂકેલા ભુજ-ખાવડા ધોરીમાર્ગ પર ગત સોમવારે મોડી સાંજે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં દંપતી અને તેમના માસુમ પુત્રના દર્દનાક મોત નીપજતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે.

આ ગોઝારી દુર્ઘટના અંગે ભુજ બી ડિવિઝન પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો અને રુદ્રાણી પાસેના પુલ પાટિયાં નજીક રહેતો ઇમરાન જુણસ સુમરા (૨૫), તેની પત્ની ઝરીના(૨૨) અને તેમનો પાંચ વર્ષનો માસુમ પુત્ર ઈમ્તિયાઝ સોમવારે ઢળતી બપોરે મોટરસાઇકલ પર સવાર થઈને ભુજ દવા લેવા માટે નીકળ્યા હતા. પરત આવતી વેળાએ હતભાગી પરિવાર ભુજની ભાગોળે આવેલી પાલારા ખાસ નજીક પહોંચ્યો ત્યારે સામેથી પૂરપાટ આવતા ટ્રેઈલર (નં. જી.જે.-૩૯-ટી-૧૫૬૬)એ તેમના વાહનને જોરદાર ટક્કર મારતાં ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ રસ્તા પર પટકાતાં ત્રણેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

આ ગમખ્વાર અકસ્માત સર્જનારા ભારે વાહને આગળ જતાં ટ્રેઈલરને ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતા મોટરસાઈકલને હડફેટમાં લીધા બાદ માર્ગની સાઈડમાં ઉભેલા અન્ય ટ્રેઈલરને પણ ટક્કર મારી હતી.

બેદરકારી પૂર્વક ભારે વાહન ચલાવીને પરિવારને કાળના મુખમાં ધકેલનારા ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ભુજના બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો…વડોદરામાં અકસ્માત સર્જી બોલેરો ચાલક ફરાર; એક પોલીસકર્મી સહિત ત્રણના મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button