અમદાવાદ

ગરમીમાં મગજ પણ ગરમઃ ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ મામલે પત્નીએ પતિને ઢીબી નાખ્યો

અમદાવાદઃ સખત તાપ અને ગરમીને લીધે માત્ર શરીર નહીં પણ મન પર અસર થાય છે અને મગજને ગરમ થતા વાર લાગતી નથી. આવી જ ઘટના અમદાવાદના શાહપુર વિસ્તારમાં બની છે. એક તો કાળઝાળ ગરમી અને તેમાં નાનકડા મકાનમાં રહેતા પરિવારમાં ફ્રીજમાંથી ઠંડી બોટલ કાઢવાનો મામલો છેક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

અહીંના માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ અનુસાર એક રોજમદાર તેના ઘરે ગયો હતો અને જમ્યા બાદ તેણે ઠંડું પાણી આપવા પત્નીને કહ્યું હતું. પત્નીએ પાણી આપવાનો ઈનકાર કરતા પતિ પોતે જ ફ્રીજ તરફ ગયો હતો અને ઠંડી પાણીની બોટલ કાઢી હતી, પરંતુ આ મામલે પણ પત્નીને વાંધો હતો તેથી બન્ને વચ્ચે દલીલબાજી થઈ અને તેમાં પત્નીનો ગુસ્સો કાબુ બહાર જતા તેણે પતિને ઢોર માર માર્યો અને લાકડીથી માથા પર પણ માર્યું. પતિના માથામાંથી લોહી નીકળવા માડ્યું અને ભાઈ અને માતાએ તેને 108 એમ્બ્યુલન્સ બોલાવી હૉસ્પિલ પહોંચાડવો પડ્યો ત્યાં તેને ચાર ટાંકા આવ્યા હતા. ત્યારબાદ પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પત્ની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસના કહેવા અનુસાર ફ્રીજમાં એક ઠંડા પાણીની બોટલ હોવાથી આ દલીલ શરૂ થઈ હતી જે હિંસમાં ફેરવાઈ હતી. પોલીસ આગળ તપાસ કરી રહી છે.

એક તો નાનકડા ડબ્બા જેવા ઘર, અમદાવાદની 44 ડિગ્રીની ઉકળાવનારી ગરમી, ઘણા વિસ્તારોમાં પાણીની અછત અને રોજબરોજના ખર્ચા અને જીવન જીવવાની જંગ વચ્ચે લોકોના સ્વભાવ અને મગજ પર અસર થઈ છે. જોકે આને લીધે માર મારવો કે હિંસા કરવી સ્વીકાર્ય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button