વેપાર

જ્વેલરોની ઑફરને ટેકે અક્ષયતૃતીયામાં સોના-ચાંદીમાં ખરીદી મજબૂત રહેવાનો આશાવાદ

કોલકાતા: તાજેતરમાં સોનાના ભાવ ઊંચી સપાટીએ હોવા છતાં સોના જેવી કિંમતી ધાતુઓની ખરીદી માટે શુકનવંતા ગણાતા અક્ષયતૃતીયાના સપરમાં દહાડે ગ્રાહકોને આકર્ષવા માટે રિટેલ જ્વેલરો મેકિંગ ચાર્જમાં તેમ જ સોનાના ભાવમાં આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા હોવાથી માગ મજબૂત રહેવાનો આશાવાદ સેવાઈ રહ્યો છે.

તનિષ્ક, સેન્કો ગોલ્ડ, એમપી જ્વેલર્સ અને પીસી ચંદ્રા જ્વેલરોએ ખરીદીની મોસમને ધ્યાનમાં રાખી શ્રેણીબંધ ઓફર જાહેર કરી છે. જેમાં ખાસ કરીને તનિષ્કે સોનાના મેકિંગ ચાર્જ પર 20 ટકા ડિસ્કાઉન્ટની અને સેન્કો ગોલ્ડે સોનાના ભાવ પર રૂ. 350ના ડિસ્કાઉન્ટ અને મેકિંગ ચાર્જ પર 30 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ સિવાય ડાયમંડ જ્વેલરી માટે કંપનીએ મેકિંગ ચાર્જ પર 100 ટકા ડિસ્કાઉન્ટ અને મૂલ્ય પર 15 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી છે. તેમ જ એમપી જ્વેલર્સે ગ્રાહકોને સોનાનાં આભૂષણો પર ગ્રામદીઠ રૂ. 300નું અને મેકિંગ ચાર્જ પર 10 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. તે જ પ્રમાણે પીસી ચંદ્રા જ્વેલરે સોનાના ભાવ પર ગ્રામદીઠ રૂ. 200, મેકિંગ ચાર્જ પર 15 ટકા અને ડાયમંડની ખરીદીના મૂલ્ય પર 10 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હોવા છતાં ગ્રાહકોના વિશ્ર્વાસને ધ્યાનમાં લેતા આ વર્ષે અક્ષયતૃતીયાનાં શુકનવંતા દિને માગ સારી રહેવાનો આશાવાદ અંજલી જ્વેલર્સના ડિરેક્ટર અન્નાર્ઘ ઉત્તીયા ચૌધરીએ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને જ્વેલરો દ્વારા સોનાના ભાવ ઉપરાંત મેકિંગ ચાર્જીસમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર થઈ રહ્યા હોવાથી ગ્રાહકોમાં સોનાની ખરીદી માટે ઉત્સુકતા વધી હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં સોનામાં વળતર પણ વધી રહ્યું હોવાથી રોકાણલક્ષી માગનો પણ ટેકો મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. હાલ કોલકાતામાં બાવીસ કેરેટ સોનાના ભાવ ગત સાલની સરખામણીમાં 30 ટકા ઊંચા ગ્રામદીઠ રૂ. 9000 આસપાસ પ્રવર્તી રહ્યા છે.

જો હાલનો સિનારિયો જળવાઈ રહે તો આગામી ટૂંકા સમયગાળામાં ગ્રાહકોને પાંચથી સાત ટકાનું વળતર છૂટે તેમ છે. કેમ કે વૈશ્ર્વિક સ્થિતિને ધ્યાનમાં લેતાં તાત્કાલિક ધોરણે સોનાના ભાવમાં મોટું કરેક્શન આવે તેવી શક્યતા નથી. જોકે, વર્ષ 2025 દરમિયાન સોનાના ભાવમાં ભારે ચંચળતા જોવા મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.જોકે, સેન્કો ગોલ્ડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર સુવનકર સેને જણાવ્યું હતું કે સોનાના ઊંચા ભાવને કારણે વેચાણના વૉલ્યુમમાં ઘટાડો થયો છે, પરંતુ અક્ષયતૃતીયાના શુકનવંતા દિવસે માગ મજબૂત રહે તેવી ધારણા છે. તેમ જ અમે ગ્રાહકોની પોસાણક્ષમતા જળવાઈ રહે તે દિશામાં પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો…સોનાના ભાવમા સતત તેજીનો તરખાટ, અક્ષય તૃતીયા પર ભાવ વધવાની શકયતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button