નેશનલ

‘માફી માંગવા માટે કોઈ શબ્દો નથી’ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં ભાવુક થયા

શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં (Jammu and Kashmir assembly) આવ્યું હતું. આજે મળેલા સત્રમાં સર્વાનુમતે પહેલગામ આતંકવાદી હુમલાનો નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. નિંદા પ્રસ્તાવ પરની ચર્ચાનો દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા (Omar Abdullah) ભાવુક થઇ ગયા હતાં, તેમણે કહ્યું કે પર્યટકોની માફી માંગવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી.

મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા કહ્યું, મને વિશ્વાસ નથી થતો કે આપણે થોડા દિવસો પહેલા આ ગૃહમાં હતા, બજેટ અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ. છેલ્લા દિવસે આપણે ચા પી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે આગામી સત્ર કાશ્મીરમાં હશે. ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આપણે અહીં આવા વાતાવરણમાં મળવું પડશે.

લેફ્ટનન્ટ ગવર્નરનો આભાર માન્યો:

નિવેદનની શરૂઆતમાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “હું લેફ્ટનન્ટ ગવર્નરનો આભારી છું જેમણે અમારી વિનંતી પર આ સત્ર બોલાવ્યું. આ હુમલા પછી જ્યારે અમારા મંત્રીમંડળે બેઠક બોલાવી, ત્યારે નક્કી કરવામાં આવ્યું કે અમે લેફ્ટનન્ટ ગવર્નરને એક દિવસનું સત્ર બોલાવવા વિનંતી કરીશું. આ સત્ર એટલા માટે બોલાવવામાં આવ્યું કારણ કે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા અન્ય સંસદ કે અન્ય કોઈ રાજ્યની વિધાનસભા કરતા લોકોના દુ:ખ અને વેદનાને વધુ સારી રીતે સમજી શકે એમ છે.”

ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા:

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ…આખા દેશને આ હુમલાથી અસર થઇ છે. આ પહેલો હુમલો નહોતો. મેં ઘણા હુમલા થતા જોયા છે. ડોડા, અમરનાથ યાત્રા, કાશ્મીરી પંડિતો, સરદાર વસાહતો પર હુમલા જોયા. 21 વર્ષ પછી નાગરિકો પર આટલો મોટો હુમલો થયો છે.”

વિધાનસભામાં વિચારો રજુ કરતા ઓમર અબ્દુલ્લા ભાવુક થઈ ગયા હતાં, તેમણે ભારે હૃદય સાથે કહ્યું, “મુખ્ય પ્રધાન અને પર્યટન પ્રધાન તરીકે, મેં લોકોને અહીં આવવા આમંત્રણ આપ્યું હતું. યજમાન હોવાને કારણે, અહીંથી બધાને સુરક્ષિત રીતે પરત મોકલવાની જવાબદારી મારી હતી. પણ હું તેમને પરત મોકલી શક્યો નહીં. માફી માંગવા માટે કોઈ શબ્દો નથી. હું તેમને શું કહું? નાના બાળકો… જેમણે તેમના પિતાને લોહીથી લથપથ જોયા, નેવીના અધિકારીની વિધવા, જેના લગ્ન થોડા દિવસ પહેલા જ થયા હતા. એમને શું કહું?”

‘મારી પાસે કોઈ જવાબ નથી’

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “તેમને સાંત્વના આપવા માટે મારી પાસે શબ્દો નથી. પીડિતોના પરિવારના ઘણા સભ્યોએ મને પૂછ્યું કે તેમનો વાંક શું હતો? મારી પાસે કોઈ જવાબ નહોતો. તેમણે મને પૂછ્યું કે અમે થોડા દિવસો પહેલા પહેલી વાર કાશ્મીરમાં રજાઓ માણવા આવ્યા હતા અને હવે અમારે આ રજાની કિંમત આખી જિંદગી ચૂકવવી પડશે. આ હુમલાએ અમને અંદરથી ખોખલા કરી દીધા છે.”

કાશ્મીરની મસ્જિદોએ મૌન પાડવામાં આવ્યું:

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે લોકો પોતે વિરોધ કરવા માટે બહાર આવ્યા, બેનરો/પોસ્ટરો પ્રદર્શિત કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા. કાશ્મીરની મસ્જિદોએ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળ્યું. આ ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ બાબત છે. જો લોકો આપણી સાથે હોય, તો આપણે આતંકવાદને હરાવી શકીએ છીએ. આ તો શરૂઆત છે. લોકો સમજી ગયા છે કે આતંકવાદ યોગ્ય નથી.

કાશ્મીરીઓમાં બલિદાનને યાદ કર્યું:

મુખ્ય પ્રધાન ઓમરે કહ્યું કે આદિલે પોતાના જીવની પરવા કર્યા વિના ઘણા પ્રવાસીઓને બચાવ્યા, તેણે પોતાનાં જીવનું બલિદાન આપ્યું. ભાગવાને બદલે, તેણે લોકોને બચાવવાની નિર્ણય લીધો. ઘણા લોકોએ પ્રવાસીઓને બચાવ્યા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા. ઘણા ફૂડ સ્ટોલ માલિકોએ પ્રવાસીઓને મફતમાં ભોજન પીરસ્યું.

આ પણ વાંચો…જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં જોવા મળ્યાં 4 શંકાસ્પદ લોકો, સેનાએ હાઇ એલર્ટ જાહેર કર્યું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button