OTT પર અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી, કેન્દ્રને નોટિસ ફટકારી

નવી દિલ્હી: ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મના આગમન સાથે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ આવી છે. આ સાથે ઘણી ગંભીર ચિંતાઓ પણ ઉભી થઇ છે, કારણ કે આ પ્લેટફોર્મ પરના કન્ટેન્ટ પર કોઈ નિયંત્રણ નથી. એવામાં આજે સુપ્રીમ કોર્ટે ઓવર ધ ટોપ (OTT) પર સ્ટ્રીમ થતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ થતા અશ્લીલ કન્ટેન્ટ અંગે ચિંતા વ્યક્ત (SC about obscene content on OTTs) કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોને નોટિસ ફટકારી છે.
એક કેસની સુણવાણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી અરજી ખૂબ જ ગંભીર છે. કોર્ટે કેન્દ્રને કહ્યું કે તમારે આ અંગે કંઈક કરવું જોઈએ. કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે કેટલાક નિયમો અમલમાં છે અને કેટલાક વિચારણા હેઠળ છે.
કોર્ટે કેન્દ્રને નોટીસ મોકલી:
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે કહ્યું કે અશ્લીલ કન્ટેન્ટ પર નિયંત્રણ કરવાનું કાર્ય વહીવટીતંત્ર અને વિધાનમંડળનું છે, અમે તેમાં દાખલ આપવા નથી ઈચ્છતા. જસ્ટિસ ગવઈએ કેન્દ્રને કહ્યું, “આ અમારું અધિકારક્ષેત્ર નથી, તમે કંઈક કરો.”
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને OTT ને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે એવું પણ અવલોકન કર્યું કે OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસે કોર્ટ સમક્ષ હાજર થવાની “સામાજિક જવાબદારી” છે.
આરજીમાં આવી માંગ કરવામાં આવી:
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટ કેન્દ્રને OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપે. આ માટે National Content Control Authority ની રચના માટે નિર્દેશ આપવા માંગ કરવામાં આવી હતી.
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા સાઇટ્સ પર એવા પેજ અથવા પ્રોફાઇલ્સ છે જે કોઈપણ ફિલ્ટર વિના અશ્લીલ કન્ટેન્ટ પોસ્ટ કરે છે અને વિવિધ OTT પ્લેટફોર્મ્સ પર એવું કન્ટેન્ટ સ્ટ્રીમ થઇ રહ્યું છે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપે છે.
વૃદ્ધ લોકોના માનસિક સ્વાસ્થ્યને પણ નુકશાન:
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આવું કન્ટેન્ટ માત્ર બાળકો અને યુવાનોને જ નહીં પરંતુ વૃદ્ધ લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે અને તે અકુદરતી યૌન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને તેથી જાતીય ગુનાઓ પણ વધે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો આને રોકવામાં નહીં આવે તો તેની સામાજિક મૂલ્યો, માનસિક સ્વાસ્થ્ય અને જાહેર સલામતી પર ગંભીર અસર પડી શકે છે. ઇન્ટરનેટની સરળ ઍક્સેસને કારણે તમામ ઉંમરના યુઝર્સ પાસે માટે અશ્લીલ કન્ટેન્ટ પહોંચી રહ્યું છે.
આપણ વાંચો…… તો સલમાન અને રશ્મિકાની “સિકંદર” OTT પર રિલીઝ થાય તો નવાઈ નહીં!