ધર્મતેજ

ગીતા મહિમા: કોમળ મન ને ઋજુ વાણી…

-સારંગપ્રીત

તપને સમજાવીને હવે ભગવાન કૃષ્ણ દૈવી ગુણોમાં ઋજુતાનો(કોમળતાનો) સમાવેશ કરે છે, તેને સમજીએ.

સંસ્કૃતનાં એક સુભાષિતમાં કહ્યું છે કે ‘મહાપુરુષોની વાણી નવનીતસમી મધુર, મન કરુણાથી કોમળ ને આચરણ ધર્મના બીજ સમાન હોય છે, જ્યાંથી સદાચાર પાંગરે છે.’

આજે સમાજની વેદી પર ચારે કોર સમસ્યાઓમાં લેવાતી આહુતિઓ વેરની અગ્નિને વધુ ભભૂકતી કરી રહી છે. સર્વત્ર ‘સ્વાર્થ’ અને ‘ભયની બીકે’ માનવે સદ્ગુણોનો ભોગ લીધો છે. માનવતાથી પૂર્ણ માનવની રાહ જોવાય છે. હા, આધુનિક કાળમાં સમયનો દુકાળ તો છે પરંતુ માનવતાનો દુકાળ એથીય મોટો છે. આજના યુગનું શબ્દચિત્ર બનાવતાં કોઈ કવિએ કહ્યું છે કે
‘દેશદેશાંતર બહોત ફિર્યા, મનુષ્ક કા બહુત સુકાળ.

જાકું દેખી છાતી ઠરે વાકા પડ્યા દુકાળ’
મેદની માનવોથી ખીચોખીચ ભરી છે પણ એમાં ‘માનવતા’ મળવી દુર્લભ છે. પરંતુ હજીય એવા વિરલ મહાપુરુષોનાં જીવનમાં દયા-કરુણા જેવા ગુણો આધુનિકતાનાં નાસ્તિક વાયરાઓની વચ્ચે પણ આસ્તિકતાની મજબૂત મશાલો પેટાવે છે, જેનો પ્રકાશ આધુનિકતામાં આશાવાદ જાળવી રાખે છે.

ઘણીવાર આપણા વિષે લોકોનો ભાવ પ્રતિભાવરૂપે ‘સ્વભાવ’ ને ઘડે છે, જો સારી લાગણી ને ભાવ તો સારપ અન્યથા ખરાબ સ્વભાવો સર્જાતા વાર નથી લાગતી. આવા સમયે જો અંદર સ્થિરતા રાખી સૌ પ્રતિ કોમળતા દાખવવામાં આવે તો એ ખમીરી છે, જે ખરેખરા ખમતીધરનો ખેલ છે.

આપણે ભગવાન રામ વિષે વિચારીએ તો પિતાની ઇચ્છા ન હોવા છતાં ઋષિ દ્વારા યજ્ઞરક્ષામાં તેઓને જવાનું થયું, મુનિનાં કહેવાથી સીતાસ્વયંવરમાં જોડાયા, ત્યાં અન્ય રાજાઓ દ્વારા અપમાનના શબ્દો સહ્યા, વિવાહ પછી તરત જ પરશુરામજીના ક્રોધનો ભોગ બનવું પડ્યું, હજી માંડ અયોધ્યા આવ્યા ને ‘વનવાસ’ની આજ્ઞા થઈ તે પણ 14 વર્ષ સુધી. કેટલાં અગણિત કષ્ટો, વળી વનમાં રાવણ દ્વારા સીતા માતાનું અપહરણ…જ્યારે પુન: અયોધ્યા પધાર્યા ત્યારે ફરીથી અજ્ઞાની દ્વારા સીતામાતા વિષે અપવાદ ને ‘લોકાપવાદ’ કારણે સીતા માતાનો પરિત્યાગ…

એક રીતે રાજા હોવાથી અને અનેક કષ્ટ-પ્રતિકૂળતા વચ્ચે જીવન વીતવાથી તેઓનાં સ્વભાવમાં ‘કોમળતા’ના સ્થાને ‘કઠોરતા’ હોવી એ ઉચિત ભાસે છે, પરંતુ તેઓનું વર્ણન કરતાં ‘ઉત્તરરામચરિત’ નાટ્યગ્રન્થના લેખક ‘ભવભૂતિ’ કહે છે કે ‘તેઓ ફૂલથી પણ વધુ કોમળ છે.’ એટલે કે આપણા સ્વભાવો કેવળ પરિસ્થિતિને આધીન નથી, પરંતુ આપણા વિચારો પર
રહેલા છે.

આપણ વાંચો…ગીતા મહિમા : શેનો ભય છે?સર્વ પ્રકારનાં ભયમાં સૌથી મોટો ભય એ ‘મૃત્યુભય.’

એક પ્રજાજને તો સામે જ કટુ વેણ ઉચ્ચાર્યા છતાં ભગવાન રામે કટુવચન અથવા તો અયોગ્ય વચન ગણી દંડ ન દીધો, પરંતુ શાંતિપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવ્યો. આ સમયે જ લોકાપવાદથી સીતામાતાનાં ત્યાગનું મહાદુ:ખ તેઓ ઉપર હતું છતાં અન્ય પ્રત્યે તેઓએ દયા અને કોમળતા દાખવી.

1983માં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને ‘પ્રમુખ’ તરીકે 12 વર્ષ પૂરા થયેલાં ને 6000 જેટલાં ગામ-નગરો ઘૂમી વળેલાં. અતિ પરિશ્રમ અને સમાજસેવાથી તેઓને ભારે હૃદયરોગનો હુમલો થયો હતો ને કટોકટીની પળો વીતતી હતી. જ્યારે પોતાનાં જ સ્વાસ્થ્ય પર કુઠારાઘાત હોય ત્યારે બીજાની ચિંતા તો ક્યાંથી સૂઝે ? ‘શીતળતાનો સ્વામી ને ફળનો દાતા પરોપકારી વૃક્ષ પણ જ્યારે બળવા લાગે ત્યારે પથિકને દઝાડે જ ને !’

પરંતુ એ વેળાએ બાપાએ તો મંદિરોમાં ફોન કરાવી કહેવડાવ્યું કે ‘મારી તબિયત સારી છે, કોઈ ચિંતા ન કરે.’ વળી, કહ્યું ‘જે આવ્યા હોય એને દર્શને આવવા દો.’ તો ટકોર કરી કે ‘આ ડૉક્ટરોનું જમવાનું, રહેવાનં બધું ગોઠવી દેજો.’ આ સાંભળી એક સંત કહે ‘આ બધી ચિંતા કરવાની જ નહીં. બોલવાનું નહીં. આરામ કરો, સૌની વ્યવસ્થા થઈ જશે.’ તે સંત સૂર ગયા તો બાપાએ ફરી સેવાની તક ઉપાડી લીધી, ‘આ સંત અહિં રોકાવાનાં છે તો તેમનું ના’વા-ધોવાનું, ખાવાનું બધું ધ્યાન રાખજો.’ તો ‘યોગીન દવે’ નામે યુવકની અટકી ગયેલી ‘રેલવે ટિકિટ’ પોતે બુક કરાવી હાથોહાથ આપી ને ‘દિલીપ દેસાઈ’ નામે કિશોરને કહ્યું ‘તેં એકટાણા કર્યા એટલે મને સારું થઈ જશે પણ તારી તબિયત સારી રહેતી નથી, તો તારે આવું વ્રત ન કરવું.’

ભલે પોતે ‘અગરબત્તી’ની જેમ ઘસાયા પરંતુ તેઓએ પોતાનાં શત્રુને પણ સદા ટાઢક જ અરપી ને કોમળતા રાખી સૌને ઉદાહરણ પૂરું પાડ્યું.

આપણ વાંચો…ગીતા મહિમા – ગીતાનો હેતુ આ ગૂઢ જ્ઞાન આપણા જીવન અંધકારને દૂર કરવાનો છે

હા, ‘જેવા સાથે તેવા થવું’ એ વ્યવહારરીતિ છે ને ‘દરેકનું હિત ચિંતવવું’ એ અધ્યાત્મની નીતિ છે. વ્યવહારમાં રીતિ પ્રમાણે અનુસરવું પડે પરંતુ અધ્યાત્મ માર્ગે તો વાણી અને મન કોમળ જ રાખવા પડે, તો જ સાચી માનવતાનાં પુષ્પો પાંગરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button