પંજાબ પોલીસે પાકિસ્તાન સાથે સંકળાયેલા હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ

ચંદીગઢઃ પંજાબ પોલીસે પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા હથિયારોની દાણચોરી કરતા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે તેમ જ આ મામલે અમૃતસરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, એમ પોલીસે આજે જણાવ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપી પાસેથી સાત પિસ્તોલ, ચાર જીવતા કારતૂસ અને ૧.૫૦ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે એક્સ પર જણાવ્યું કે ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરતા કાઉન્ટર ઇન્ટેલિજન્સ અમૃતસરે પાકિસ્તાન સાથે જોડાયેલા ગેરકાયદે હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને અમૃતસરથી અભિષેક કુમારની ધરપકડ કરી હતી. તેના કબજામાંથી ૭ પિસ્તોલ(૫ પિસ્તોલ .૩૦ બોર અને ૨ ગ્લોક ૯ એમએમ પિસ્તોલ સહિત), ૪ જીવતા કારતૂસ(.૩૦ બોર) અને ૧,૫૦,૦૦૦ રૂપિયા જપ્ત કર્યા હતા.
આપણ વાંચો: ઍરપોર્ટના સ્ટોર્સના કર્મચારીઓ સોનાની દાણચોરીમાં પકડાયા
તેમણે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાના રહેવાસી જસ્સા કે જે પાકિસ્તાન સ્થિત દાણચોરો સાથે ગાઢ સહયોગથી તેના સ્થાનિક સાથીઓ જોધબીર સિંહ ઉર્ફે જોધા અને અભિષેક કુમારની મદદથી ભારત-પાકિસ્તાન સરહદના માધ્યમથી ગેરકાયદેસર હથિયારો/દારૂગોળાની દાણચોરી કરવાની ગોઠવણ કરે છે.
ડીજીપીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાળવા મળ્યું છે કે અભિષેક કુમાર અને જોધબીર ઉર્ફે જોધા પણ હવાલા વ્યવહારોમાં કથિત રીતે સંડોવાયેલા છે, જે ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ મોટા નેટવર્ક સાથે તેમના સંબંધોનો સંકેત આપે છે.
તેમણે કહ્યું કે અમૃતસર સ્થિત સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલમાં એફઆઇઆર નોંધવામાં આવી છે તેમ જ અન્ય સાથીદારોને પકડવા અને તમામ આગળ-પાછળની કડીઓ જોડવા માટે તપાસ ચાલી રહી છે.