મુંબઈ, મહારાષ્ટ્રના હિત માટે એકત્રિત થવાનો સમય આવી ગયો છે: શિવસેના-યુબીટી

મુંબઈ: મહારાષ્ટ્ર અને મુંબઈના હિત માટે એકત્ર આવવાનો સમય છે અને પક્ષના કાર્યકરો મરાઠીઓના ગૌરવનું રક્ષણ કરવા માટે તૈયાર છે, એમ શિવસેના-યુબીટી દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું. શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે વર્ષો પછી ફરી એકત્રિત આવવાની અટકળો વચ્ચે ઉક્ત નિવેદન આપવામાં આવ્યું છે.
‘મુંબઈ અને મહારાષ્ટ્રના હિત માટે સાથે મળી જવાનો સમય આવી ગયો છે. શિવસૈનિકો મરાઠી અસ્મિતાના સંરક્ષણ માટે તૈયાર છે’, એમ શિવસેના-યુબીટી દ્વારા એક્સ પર પોસ્ટ કરાયું હતુું.
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર સાથેના એક ઇન્ટરવ્યૂમાં ઠાકરે બંધુઓ સાથે આવી જવું જોઇએ એમ કહ્યું હતું તથા મરાઠી માણૂસ માટે જો સાથે આવવું પડે તો જૂની અદાવત ભૂલવાનું બહું મોટું કામ નથી, એમ પણ જણાવ્યું હતું. ત્યાર બાદ બન્ને ભાઇઓ સાથે આવશે એવી અટકળો પ્રબળ બની હતી. તેમ છતાં હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નહોતો. હવે શિવસેના-યુબીટીએ પણ ઉક્ત પોસ્ટ કરીને રાજ ઠાકરેની ઓફર સ્વીકારવાના સંકેત આપ્યા છે.