પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ અપાશે: જે. પી. નડ્ડા

પુણે: પહલગામ હુમલા માટે જવાબદાર લોકોને ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવશે, એમ ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું. પુણેમાં શ્રીમંત દગડુશેઠ ગણપતિના દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નડ્ડાએ કહ્યું હતું કે હું અહીંયા ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું.
જમ્મુ-કાશ્મીરમાં જે પ્રકારે આતંકવાદીઓએ હુમલો કર્યો છે તેનાથી ભારતના લોકો બહુ ગુસ્સે ભરાયા છે અને સંપૂર્ણ દેશને આશા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ હુમલાનો જોરદાર જવાબ આપશે.
દેશ આ દુ:ખદ પરિસ્થિતિનો મજબૂત રીતે સામનો કરી શકે એવી શક્તિ આપવા મારી બાપ્પાને પ્રાર્થના છે અને આ હુમલાનો જરૂરથી જડબાતોડ જવાબ આપવામાં આવશે.
‘ગણપતિ બાપ્પાના આશીર્વાદથી દેશ આ મુશ્કેલીના સમયમાંથી પણ પસાર થઇ જશે અને પીએમ મોદીના નેતૃત્વમાં પહલગામ હુમલાના આતંકવાદીઓને જોરદાર જવાબ આપવામાં આવશે’, એમ નડ્ડાએ જણાવ્યું હતું.
હુમલામાં માર્યા ગયેલા પુણેના સંતોષ જગદાળે અને કૌસ્તુભ ગણબોટેના પરિવારને મળીને જે. પી. નડ્ડાએ શોક વ્યક્ત કર્યો હતો.