બાળકોને આ કફ સિરફ આપતા હો તો થઈ જાવ સાવધાન, સરકારે લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ નાના બાળકો બીમાર પડે ત્યારે તેમને કફ સિરપ આપવામાં આવતી હોય છે. જોકે બાળકોને આપવામાં આવતી સિરપમાં બાળકોના સ્વાસ્થ્યને નુકસાન કરતા કેટલાક તત્વો મળી આવ્યા હતા. જે બાદ સરકારે આવી ચાર સિરપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ફિક્સ ડોઝ કોમ્બિનેશનથી બનાવવામાં આવતી હતી સિરપ
ભારત સરકારે ચાર વર્ષથી નાના બાળકો માટે વપરાતી કફ સિરપના ઘટકોમાં ક્લોરોફેનિરામાઈન માલેટી અને ફેનીલેફરાઈન હાઈડ્રોક્લોરાઈડના ઘટકો હોય તો તેનો ઉપયોગ ચાર વર્ષથી નાની વયના બાળકો માટે ન કરવાની સૂચના આપી હતી. બાળકોની સલામતી માટે આ દવાઓનો ઉપયોગ ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે. આ કફ સિરપ ફિક્સ ડોઝ કોમ્બિનેશનથી બનાવવામાં આવતી હોવાથી તેને એફડીસી મેડિસિન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. બાળકોની દવાઓના નિષ્ણાતોની સમિતીએ કરેલી ભલામણ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દવાઓની બાળકોના આરોગ્ય પર ગંભીર આડઅસર થતી હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેનો ઉપયોગ અટકાવવા અગાઉ સૂચના આપી હતી.
કઈ કઈ કંપનીઓના સિરપ પર લગાવ્યો પ્રતિબંધ
આ દવાઓમાં ગ્લેનમાર્ક કંપનીની એસ્કોરિલ ફ્લુ ડ્રોપ, ગ્લેક્સોસ્મિથ ક્લાઈનની આઈ-મિનિક, ઝુવેન્ટસ હેલ્થકેરની મેક્સ્ટ્રાનો સમાવેશ થાય છે. આ મેન્યુફેક્ચરર્સે તેમની દવાની બોટલ પર ચાર વર્ષથી નીચેના બાળકોને આ દવાઓ આપવી નહિ તેવી ચેતવણી પણ લખવાની રહેશે. જોકે આ દવાઓનો ઉપયોગ અટકાવી દેવા માટેની સૂચનોનો પાછલી મુદતથી અમલ કરવાના સરકારના નિર્ણય સામે ગ્લેનમાર્ક અને ઝુવેન્ટાસ હેલ્થકેરે વાંધો ઉઠાવ્યો છે.
દિલ્હીની કોર્ટે 24મી એપ્રિલે આપેલા ચુકાદામાં જણાવ્યું છે કે 15 એપ્રિલ પહેલાના સ્ટોક માટે આ નિયમ લાગુ પડશે નહિ. જોકે આ દવાઓને પ્રિસ્ક્રાઈબ કરનારા દરેક મેડિકલ પ્રેક્ટિશનર્સને ચાર વર્ષથી નાની વયના બાળકોને આ દવાઓ પ્રિસ્ક્રાઈબ ન કરવાને લગતી જાણકારી આપી દેવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો…તમે તમારે મોજથી ખાઓઃ તરબૂચમાં કેમિકલનું પ્રમાણ નહીવત હોવાનું તંત્રનું તારણ