IPL 2025

હર્ષલ પટેલે મૅચ-વિનિંગ પર્ફોર્મન્સનું શ્રેય કોને આપ્યું?

હૈદરાબાદનો પહેલી વાર ચેપૉકમાં વિજય, ચેન્નઈ સ્પર્ધાની લગભગ બહાર થઈ ગયું

ચેન્નઈ: આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં પહેલી જ વાર ચેન્નઈમાં ચેપૉકના ગ્રાઉન્ડ પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ હરાવ્યું એનો સંપૂર્ણ જશ હર્ષલ પટેલ (4-0-28-4)ને ફાળે જાય છે અને હર્ષલે (HARSHAL PATEL) મૅચ-વિનિંગ પર્ફોર્મન્સનું શ્રેય પોતાના પરિવાર (FAMILY)ને આપ્યું છે.

હર્ષલે કઈ ચાર વિકેટ લીધી?:

મૅન ઑફ ધ મૅચ હર્ષલ પટેલે સૅમ કરૅન (9 રન), ચેન્નઈ વતી સૌથી સારું રમનાર ડેવાલ્ડ બ્રેવિસ (42 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર), એમએસ ધોની (6 રન) અને નૂર અહમદ (બે રન)ની વિકેટ લીધી હતી.
હર્ષલે માત્ર 28 રનમાં ચાર વિકેટ લીધી એને લીધે જ ચેન્નઈની ટીમ બૅટિંગ માટે અનુકૂળ પિચ પર માત્ર 154 રન સુધી સીમિત રહી હતી. હૈદરાબાદે 155 રનનો લક્ષ્યાંક 18.4 ઓવરમાં પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો જેમાં ઈશાન કિશનના 44 રન હાઈએસ્ટ હતા. ચેન્નઈના બોલર્સમાં નૂર અહમદે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

ચેન્નઈની નવમાંથી સાત મૅચમાં હાર:

નવમાંથી ત્રણ મૅચ જીતનાર હૈદરાબાદની ટીમ છ પોઇન્ટ સાથે હવે આઠમા નંબર પર છે. ચાર પોઇન્ટ સાથે રાજસ્થાનની ટીમ નવમા નંબર પર અને નવમાંથી સાત મૅચ હારી ચૂકેલી ચેન્નઈની ટીમ છેલ્લા (10મા) સ્થાને છે અને આ સ્પર્ધાની લગભગ બહાર થઈ ગઈ છે.

ચેન્નઈનો સતત ચોથો પરાજય:

ચેન્નઈમાં ચેપૉકના ગ્રાઉન્ડ ઉપર સીએસકેની ટીમ લાગલગાટ ચોથી મૅચ હારી છે. હૈદરાબાદની પહેલાં ચેપૉકમાં આ સીઝનમાં ચેન્નઈની ટીમને ત્રણ ટીમે હરાવી હતી. કોલકાતા સામે ચેન્નઈ પોતાના લોએસ્ટ સ્કોર (103/9) બાદ હારી હતી, દિલ્હીએ ચેન્નઈને ચેપૉકમાં 15 વર્ષે પહેલી વખત માત આપી અને બેંગલૂરુનો 17 વર્ષ બાદ પહેલી વાર ચેપૉકમાં ચેન્નઈ સામે વિજય થયો હતો.

હર્ષલે મૅચ પછી શું કહ્યું?:

હર્ષલ પટેલે આ સીઝનમાં બીજી વખત એક મૅચમાં ચાર વિકેટનો તરખાટ મચાવ્યો. તેણે મૅચ પછી અવૉર્ડ સ્વીકારતી વખતે કહ્યું હતું કે ‘મેં સારી લેન્થમાં બૉલ ફેંકતા રહેવાના સતત પ્રયાસો કર્યા હતા એટલે જ વધુ વિકેટો લઈ શક્યો. મેં ખાસ કરીને ધોનીને એવા બૉલમાં કૅચઆઉટ કરવાનું નક્કી કર્યું હતું અને એમાં હું સફળ થયો.’
ધોની ફક્ત એક ફોરની મદદથી બનેલા ચાર રનના પોતાના સ્કોર પર અભિષેક શર્માના હાથમાં કૅચઆઉટ થયો હતો.
ભારત વતી પચીસ ટી-20 મૅચ રમીને એમાં 29 વિકેટ લઈ ચૂકેલા 34 વર્ષના રાઈટ-આર્મ પેસ બોલર હર્ષલ પટેલે એવું પણ કહ્યું હતું કે ‘આઇપીએલ દરમ્યાન મારો પરિવાર મારી આસપાસ હોય છે એ મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. સ્ટેડિયમમાં તેમની હાજરીને કારણે જ હું ખુલ્લા મનથી રમી શકું છું અને સારું પર્ફોર્મ કરી શકું છું. હું મેદાન પર હોઉં ત્યારે 100 ટકા ક્રિકેટ વિશે જ વિચારું છું, પરંતુ મેદાનની બહાર જાઉં ત્યારે સારો પિતા અને સારો પતિ બનવા પર જ બધું ધ્યાન કેન્દ્રિત કરું છું.’

Credit: BCCI

હૈદરાબાદે હર્ષલને કેટલામાં ખરીદ્યો છે?:

ભારતના ભૂતપૂર્વ પ્રધાન મુરાસોલી મારનની પુત્રી કાવ્યા મારનની માલિકીની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના ફ્રેન્ચાઇઝીએ હર્ષલ પટેલને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

credit: BCCI

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button