કુણાલ કામરાની ધરપકડ ન કરતા, તપાસ ચાલુ રાખો: કોર્ટ

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સામેની વાંધાજનક ટિપ્પણી માટે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા સામેની પોલીસ તપાસ ચાલુ રાખી શકાય છે, પરંતુ તેની ધરપકડ કરવાની જરૂર નથી, એમ બૉમ્બે હાઇ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું.
વાણી સ્વતંત્ર્ય પરના પ્રતિબંધ સંબંધિત ગંભીર અને મોટા મુદ્દાઓ પર વિચારવાની જરૂર છે. ખાર પોલીસ સ્ટેશનમાં કોમેડિયન સામે નોંધાવવામાં આવેલા કેસની તપાસ પર સંપૂર્ણ રીતે સ્ટે મૂકવાને મંજૂરી આપવાનું યોગ્ય નથી, એમ હાઇ કોર્ટે કહ્યું હતું.
આ કેસની તપાસ ચાલુ રાખી શકાય છે, પરંતુ અરજદારની ધરપકડ કરવાનું જરૂરી નથી, એમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું.
જો પોલીસ અરજી પેન્ડિંગ હોય ત્યારે ચાર્જશીટ દાખલ કરે છે તો કોર્ટ તેની નોંધ લેશે નહીં. કામરાનું નિવેદન ચેન્નઇમાં નોંધાવી શકાયું હોય, કારણ કે તેના વિવાદાસ્પદ શો બાદ તેને મુંબઈમાંથી ધમકી મળી રહી હતી. તે હાલમાં તમિળનાડુમાં રહે છે, એમ કોર્ટે નોંધ્યું હતું.
આપણ વાંચો: ત્રણ વખત સમન્સ મોકલ્યા પછી પણ કુણાલ કામરા પોલીસ સમક્ષ હાજર ન થયો
પોલીસે કામરાને ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ ૩૫(૩) હેઠળ નોટિસ ફટકારી છે અને આ કલમ હેઠળ વ્યક્તિની ધરપકડ કરવાની જરૂર હોતી નથી.
જો પોલીસને તેનું નિવેદન જ નોંધવું હોય તો એ પ્રમાણેની નોટિસ ફટકારવી જોઇએ. તેથી જે નોટિસ આપવામાં આવી છે તેના હેઠળ કામરાની ધરપકડની જરૂર નથી, પરંતુ તેની સામેની પોલીસ તપાસ ચાલુ રાખી શકાય છે, એમ કોર્ટે કહ્યું હતું.
કામરાએ જુબાની નોંધાવવા માટેની તૈયારી દેખાડી છે. પોલીસને જો તેનું નિવેદન નોંધવું જ હોય તો અગાઉ નોટિસ આપીને ચેન્નઇમાં જુબાની નોંધાવી શકે છે, એમ કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઇ)