રાજસ્થાને ફીલ્ડિંગ લીધી, બેંગલૂરુની પ્રથમ બૅટિંગઃ ટીનેજર વૈભવ ઇમ્પૅક્ટ પ્લેયરના લિસ્ટમાં

બેંગલૂરુઃ રાજસ્થાન રૉયલ્સ (RR)ના કાર્યવાહક સુકાની રિયાન પરાગે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. રજત પાટીદારના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું અને બન્ને ટીમે જાહેર કરેલી પ્લેઇંગ-ઇલેવન મુજબ રાજસ્થાનની ટીમમાં માહીશ થીકશાનાના સ્થાને ફઝલહક ફારુકીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે બેંગલૂરુએ પાછલી મૅચની જ ટીમ જાળવી રાખી હતી.
રાજસ્થાને 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને ઇમ્પૅક્ટ પ્લેયરના પાંચ વિકલ્પોમાં રાખ્યો હતો. આઇપીએલ (IPL-2025)ના સૌથી નાની ઉંમરના ખેલાડી વૈભવે 19મી એપ્રિલે લખનઊ સામેની મૅચમાં ત્રણ છગ્ગા અને બે ચોક્કાની મદદથી 34 રન કર્યા હતા.
આપણ વાંચો: દ્રવિડ રાજસ્થાન રૉયલ્સના કોચિંગ કૅમ્પમાં કેમ ગેરહાજર છે જાણો છો?
આ નીડર ટીનેજરે શાર્દુલ ઠાકુર અને આવેશ ખાન જેવા અસરદાર બોલરની બોલિંગમાં સિક્સર ફટકારીને ક્રિકેટ જગતને ટૂંકી ઇનિંગ્સમાં જ પોતાની તાકાત બતાવી દીધી હતી. હવે આજે વૈભવે બેંગલૂરુના ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ, યશ દયાલ, સુયશ શર્મા અને કૃણાલ પંડ્યા જેવા જાણીતા બોલર સામે પરીક્ષા આપવાની છે.
રાજસ્થાનની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં છેક આઠમા નંબરે છે. એનો હેડ-કોચ રાહુલ દ્રવિડ બેંગલૂરુનો જ છે અને તે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM)ની પિચ વિશે બીજા કરતાં વધુ પરિચિત છે.
જોકે ઈજાગ્રસ્ત સંજુ સૅમસનની ગેરહાજરીમાં રિયાન પરાગના નેતૃત્વમાં રમનારી રાજસ્થાનની ટીમ છેલ્લી ચારેય મૅચ હારી છે એટલે હવે પરાજયની એ પરંપરા પ્લે-ઑફ માટેની આશા જીવંત રાખવા એણે આજે તોડવી જ પડશે.
આપણ વાંચો: રાજસ્થાન રૉયલ્સના ટોચના અધિકારીએ શ્રીલંકાના ક્રિકેટરોને તાલીમમાં કરી મદદ
બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન
બેંગલૂરુઃ રજત પાટીદાર (કૅપ્ટન), ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, જિતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જૉશ હૅઝલવૂડ અને યશ દયાલ. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ સુયશ શર્મા, રસિખ સલામ, મનોજ ભંડાગે, જૅકબ બેથેલ, સ્વપ્નિલ સિંહ.
રાજસ્થાનઃ રિયાન પરાગ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરૉન હેટમાયર, શુભમ દુબે, વનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, ફઝલહક ફારુકી, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડે. ઇમ્પૅક્ટ પ્લેયર માટેના વિકલ્પોઃ વૈભવ સૂર્યવંશી, યુધવીર સિંહ, કુમાર કાર્તિકેય, આકાશ મઢવાલ, કુણાલ સિંહ રાઠોર.