વિલે પાર્લે દેરાસર: ડિમોલિશન કરનારની બદલી કેમ? ઈજનેરોનો વિરોધ

મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવાની કાર્યવાહી કરનારા અધિકારીના બદલી કરવાના વિરોધમાં બુધવારે સુધરાઈના એન્જિનિયરો અને કર્મચારીઓએ યુનિયનના નેતૃત્વમાં કે-પૂર્વ ઓફિસમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા અને ફરજ બજાવનારા અધિકારીઓની રાજકીય દબાણ હેઠળ બદલી કરવા સામે નારાજગી દર્શાવીને ભવિષ્યમાં ડિમોલિશનની કાર્યવાહી દરમ્યાન કમિશનરને જાતે જ હાજર રહેવું એવી માગણી પણ કરી હતી.
અનધિકૃત બાંધકામ તોડી પાડનારા કે-પૂર્વ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર નવનાથ ઘાડગેની બદલી કરવાના વિરોધમાં મ્યુનિસિપલ એન્જિનિયર્સ અસોસિયેશન મુંબઈ અને મ્યુનિસિપલ મજદૂર યુનિયનેે બુધવારે કે-પૂર્વ ઓફિસ પર મોર્ચો કાઢયો હતો. યુનિયનના એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ રમેશ ભૂતેકર-દેશમુખે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અધિકારીઓ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી કરતા હોય છે. જો કોર્ટના આદેશનું પાલન કરીએ તો રાજકીય દબાણ હેઠળ આવીને અધિકારીઓની બદલી કરી નાખવામાં આવે છે અને જો કોર્ટના આદેશનું પાલન નહીં કરીએ તો કોર્ટ ઠપકો આપે છે. આવી પરિસ્થિતિમાં અધિકારીઓ કામ કેવી રીતે કરવું? આ પ્રકરણમાં લઘુમતી પંચે પણ દખલ દીધી છે.
જે પ્રકરણ કોર્ટમાં હોય તેના પર લઘુમતી પંચ દખલ દઈ શકતી નથી એવો અગાઉનો જ હાઈ કોર્ટના આદેશ છે, છતાં આ પ્રકરણમાં લઘુમતી પંચે પાલિકાના અધિકારી સામે ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો હતો, જે અમાન્ય છે. રાજકીય દબાણ હેઠળ વશ થઈને ફરજ બજાવનારા અધિકારીઓની આ રીતે જ બદલી કરવામાં આવવાનો સિલસિલો ચાલુ જ રહેવાનો હોય તો હવે પછી ડિમોલિશનની કાર્યવાહી દરમ્યાન કોર્ટે જાતે જ આગળ આવવું અથવા તો પાલિકા કમિશનરે જાતે જ ડિમોલિશન દરમ્યાન સાઈટ પર હાજર રહેવું એવી અમારી માગણી છે.
આ દરમ્યાન દેરાસરના ટ્રસ્ટી અનિલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મંગળવાર બાદ ગુરુવારે ફરી એક વખત લઘુમતી પંચ સમક્ષ ફરી સુનાવણી થવાની છે, જેમાં સંબંધિત અધિકારી દ્વારા કોર્ટના બુધવારે, ૧૬ એપ્રિલના થનારી સુનાવણીની રાહ નહીં જોતા ઉતાવળે દેરાસરને તોડી પાડવામાં આવ્યું હતું અને જે રીતે ભગવાનની મૂર્તિ સહિત દેરાસરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેના પર આગળ સુનાવણી થશે.
આ પણ વાંચો…ગેરકાયદે બાંધકામો તોડનાર અધિકારીઓની બદલી કેમ? પાલિકાના એન્જિનિયરો ભડક્યા